VIDEO: ટીમ ઈન્ડિયાને પહેલી વખત મળ્યો સ્પિન બોલિંગ કોચ, સચિન-ગાંગુલી સાથે રમી ચૂકેલા ખેલાડીની થઈ એન્ટ્રી
અફઘાનિસ્તાન સામે 6 જૂનથી શરૂ થઈ રહેલી એકમાત્ર ઐતિહાસિક ટેસ્ટ મેચ પહેલાં ભારતીય ક્રિકેટ ટીમમાં એક મોટો ઉમેરો થયો છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ મંગળવારે સત્તાવાર જાહેરાત કરીને પૂર્વ ભારતીય સ્પિનર સાઈરાજ બહુતુલેને ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના નવા સ્પિન બોલિંગ કોચ તરીકે નિયુક્ત કર્યો છે.
સચિન અને ગાંગુલી સાથે રમવાનો અનુભવ
53 વર્ષીય સાઈરાજ બહુતુલે ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડીઓ સચિન તેંડુલકર અને પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂક્યો છે. મહારાષ્ટ્રમાં જન્મેલા સાઈરાજે 1997થી 2003 દરમિયાન ભારત માટે 2 ટેસ્ટ અને 8 ODI મેચ રમી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભલે તેણે માત્ર 10 મેચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હોય, પરંતુ ઘરેલુ ક્રિકેટમાં તેનો અનુભવ ઘણો વિશાળ છે. તેણે 188 ફર્સ્ટ-ક્લાસ મેચ, 143 લિસ્ટ-A મેચ અને 12 ઘરેલુ T20 મેચ રમી છે.
ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં 630 વિકેટનો દબદબો
BCCIએ પોતાના સત્તાવાર નિવેદનમાં સાઈરાજ બહુતુલેના અનુભવની પ્રશંસા કરતા જણાવ્યું છે કે, "સાઈરાજ બહુતુલેને ભારતીય ક્રિકેટ ટીમના સ્પિન બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરતા અમને આનંદ થાય છે. ખેલાડી અને કોચ બંને તરીકે તેમની પાસે બહોળો અનુભવ છે. લગભગ બે દાયકાની શાનદાર ફર્સ્ટ-ક્લાસ કારકિર્દીમાં તેમણે 6,176 રન બનાવ્યા છે અને 630 વિકેટ ઝડપી છે, જેના કારણે તેઓ ઘરેલુ ક્રિકેટના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંના એક ગણાય છે."
અંડર-19 વર્લ્ડ કપ વિજેતા ટીમના પણ કોચ રહ્યો છે
ખેલાડી તરીકે નિવૃત્તિ લીધા બાદ સાઈરાજે કોચિંગની દુનિયામાં પોતાની મજબૂત ઓળખ બનાવી છે. તે ઘરેલુ ક્રિકેટમાં વિદર્ભ, કેરળ, ગુજરાત અને બંગાળ જેવી મોટી ટીમોના હેડ કોચ તરીકે સેવા આપી ચૂક્યો છે.
આ ઉપરાંત IPLમાં તે રાજસ્થાન રોયલ્સ અને તાજેતરમાં IPL 2026માં પંજાબ કિંગ્સનો સ્પિન બોલિંગ કોચ તરીકે કાર્યરત હતો. તે 2022માં ચેમ્પિયન બનેલી ભારતની ICC અંડર-19 પુરુષ ક્રિકેટ વર્લ્ડ કપ ટીમનો બોલિંગ કોચ હતો અને 2024ની એડિશનમાં પણ સપોર્ટ સ્ટાફનો હિસ્સો હતો. વર્ષ 2021થી 2024 દરમિયાન તે BCCIની નેશનલ ક્રિકેટ એકેડમીના કોચિંગ સેટઅપના મહત્ત્વનો સભ્ય રહ્યો હતો.
જવાબદારી મળ્યા બાદ સાઈરાજે શું કહ્યું?
ભારતીય ટીમમાં સ્પિન કોચની મહત્ત્વની જવાબદારી મળ્યા બાદ સાઈરાજ બહુતુલેએ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, "ભારતીય ક્રિકેટ ટીમનો સ્પિન બોલિંગ કોચ બનવું મારા માટે ખૂબ મોટું સન્માન છે. એક ખેલાડી તરીકે ભારતની જર્સી પહેરવી હંમેશા ગર્વની વાત હતી અને હવે કોચ તરીકે ભારતીય ક્રિકેટમાં ફરી યોગદાન આપવાની તક મળવી મારા માટે અત્યંત ખાસ છે. હું ટીમના ખેલાડીઓ સાથે કામ કરવા અને તમામ ફોર્મેટમાં ટીમને સફળતા અપાવવા માટે ઉત્સુક છું."

