Asia Cup 2025 / ભારત સુપર-4માં પહોંચ્યું, આ બે ટીમ થઈ ગઈ બહાર; જાણો બાકીની 3 જગ્યા માટે કોણ કોણ છે રેસમાં
Asia Cup 2025 qualification scenario for super four | સોમવારે એશિયા કપ 2025ના ડબલ હેડરથી સુપર-4ની તસવીર ઘણી હદ સુધી સ્પષ્ટ થઈ ગઈ છે. ગ્રુપ-Aમાં UAE એ અબુ ધાબ

સોમવારે એશિયા કપ 2025ના ડબલ હેડરથી સુપર-4ની તસવીર ઘણી હદ સુધી સ્પષ્ટ થઈ ગઈ છે. ગ્રુપ-Aમાં UAE એ અબુ ધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમમાં બપોરની મેચમાં ઓમાનને 42 રનથી હરાવ્યું હતું. બીજી તરફ ગ્રુપ-Bમાં શ્રીલંકાએ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં હોંગકોંગને હરાવ્યું હતું. UAEની જીત બાદ ભારત સુપર-4 માટે ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બની ગઈ છે, જ્યારે ઓમાન રેસમાંથી બહાર થનારી પ્રથમ ટીમ બની છે. બીજી તરફ, શ્રીલંકા સામે હાર બાદ હોંગકોંગની ટીમની પણ એશિયા કપમાં સફર સમાપ્ત થઈ ગઈ છે.
રવિવારે પાકિસ્તાન સામે ભારતની સાત વિકેટની શાનદાર જીતથી તેના 4 પોઈન્ટ થઈ ગયા છે, જેનાથી તે આગળના તબક્કામાં પહોંચી ગઈ છે. UAEની જીતે સુપર-4માં તેની દાવેદારીને જીવંત રાખી છે. આ જીતથી પાકિસ્તાન પર ટુર્નામેન્ટમાંથી બહાર થવાનું જોખમ મંડરાવા લાગ્યું છે. પાકિસ્તાનની સાથે UAE પાસે પણ બે પોઈન્ટ છે. હવે આ બંને ટીમો વચ્ચે ગ્રુપ-Aમાંથી સુપર-4માં જવા માટે નોકઆઉટ મેચ રમાશે. UAE અને પાકિસ્તાન બુધવાર, 17 સપ્ટેમ્બરના રોજ એક મહત્ત્વપૂર્ણ મેચમાં ટકરાશે. જે જીતશે તે આગામી તબક્કામાં સ્થાન પ્રાપ્ત કરશે.
શ્રીલંકાએ હોંગકોંગની ટુર્નામેન્ટને નિરાશાજનક નોટ પર ખતમ કરી. ઓમાન પછી ચીની ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થનારી બીજી ટીમ બની ગઈ છે. જો તે આ મેચ જીતી ગઈ હોત, તો તેની પાસે ક્વોલિફાય થવાની થોડી તક હોત. શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન હજુ પણ સુપર 4 માટે રેસમાં સામેલ છે.
ક્વોલિફિકેશનનું સંપૂર્ણ ગણિત
ગ્રુપ-Bમાં હવે માત્ર 2 મેચ બાકી છે. 16 સપ્ટેમ્બરે અફઘાનિસ્તાન vs બાંગ્લાદેશ અને 18 સપ્ટેમ્બરે અફઘાનિસ્તાન vs શ્રીલંકા રમાશે. જો અફઘાનિસ્તાન બાંગ્લાદેશને હરાવે છે, તો તે માત્ર પોતાના માટે જ નહીં પરંતુ શ્રીલંકા માટે પણ ક્વોલિફાય સુનિશ્ચિત કરશે. આનો અર્થ એ થશે કે, બાંગ્લાદેશ બે પોઈન્ટથી આગળ નહીં વધી શકે, અને અફઘાનિસ્તાન અને શ્રીલંકા બંનેના ચાર-ચાર પોઈન્ટ હશે.
જો બાંગ્લાદેશ અફઘાનિસ્તાનને હરાવે, તો બાંગ્લાદેશ અને શ્રીલંકા બંનેના ચાર-ચાર પોઈન્ટ થશે અને અફઘાનિસ્તાનના બે પોઇન્ટ થશે અને એક મેચ બાકી રહેશે. આ સ્થિતિમાં, જો શ્રીલંકાની ટીમ અફઘાનિસ્તાનને હરાવે છે, તો તે અને બાંગ્લાદેશ ક્વોલિફાય થશે. તેનાથી વિપરીત જો શ્રીલંકા હારી જાય, તો ત્રણેય ટીમો ચાર પોઈન્ટ સાથે સમાપ્ત થશે અને ટોપ-2 ટીમોનો નિર્ણય નેટ રન-રેટના આધારે કરવામાં આવશે.
એશિયા કપ 2025 સુપર-4નું સમીકરણ
ગ્રુપ-A
- ભારત: પહેલાથી જ સુપર-4 માટે ક્વોલિફાય કરી ચૂક્યું છે.
- પાકિસ્તાન: UAEને હરાવવું પડશે.
- UAE: પાકિસ્તાનને હરાવવું પડશે.
- ઓમાન: હવે ક્વોલિફાય નહીં કરી શકે.
ગ્રુપ-B
અફઘાનિસ્તાન: 16 સપ્ટેમ્બરે બાંગ્લાદેશને હરાવવું પડશે. જો નહીં, તો 18 સપ્ટેમ્બરે શ્રીલંકાને એટલા મોટા માર્જિનથી હરાવવું પડશે, જેથી તે ટોપ-2માં રહે.
શ્રીલંકા: અફઘાનિસ્તાન 16 સપ્ટેમ્બરે બાંગ્લાદેશને હરાવે. જો નહીં, તો શ્રીલંકાએ 18 સપ્ટેમ્બરે અફઘાનિસ્તાનને હરાવવું પડશે અથવા ટોપ-2માં પહોંચવા માટે નેટ રન રેટ જાળવવી પડશે..
બાંગ્લાદેશ: 16 સપ્ટેમ્બરે અફઘાનિસ્તાનને હરાવવું પડશે અને પછી 18 સપ્ટેમ્બરે શ્રીલંકા અફઘાનિસ્તાનને હરાવે અથવા બાંગ્લાદેશની નેટ રન રેટ વધુ હોય.
હોંગકોંગ: હવે ક્વોલિફાય નહીં કરી શકે.








