પાકિસ્તાન એકવાર કરી ચૂક્યું છે Asia Cupનો બોયકોટ, ત્યારે પણ ભારત પાસે હતી ટુર્નામેન્ટની યજમાની

ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2025ની મોટી મેચ 14 સપ્ટેમ્બરના રોજ રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું હતું અને ટુર્નામેન્ટમાં સતત બીજી જીત મેળવી હતી. આ મેચ પછી, ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ નહતા મિલાવ્યા અને હવે તેને લઈને વિવાદ સતત વધી રહ્યો છે.
PCB એ આ મામલે મેચ રેફરી સામે ફરિયાદ નોંધાવી હતી. તેની માંગણી હતી કે રેફરી એન્ડી પાયક્રોફ્ટને એશિયા કપના રેફરી પેનલમાંથી દૂર કરવામાં આવે. તેણે ધમકી પણ આપી છે કે જો રેફરીને દૂર કરવામાં નહીં આવે, તો તે એશિયા કપને બોયકોટ કરશે અને UAE સામે આગામી મેચ નહીં રમે.
પરંતુ ICC એ PCBની આ માંગણીને ફગાવી દીધી છે. તેના મતે, મેચ રેફરી એન્ડી તેમની ભૂમિકામાં રહેશે. પરંતુ શું પાકિસ્તાન ટીમ એશિયા કપને બોયકોટ કરશે અને UAE સામે આગામી મેચ રમશે નહીં? એશિયા કપના ઈતિહાસમાં અગાઉ, પાકિસ્તાનની ટીમ એકવાર આવું કરી ચૂકી છે. ચાલો જાણીએ કે આવું ક્યારે અને શા માટે થયું?
1990માં પાકિસ્તાને એશિયા કપ બોયકોટ કર્યો હતો
પાકિસ્તાન ક્રિકેટ ટીમે 35 વર્ષ પહેલા એશિયા કપ બોયકોટ હતો. 1990નો એશિયા કપ ભારતની ધરતી પર યોજાવાનો હતો. સિયાચીન ગ્લેશિયર પર બંને દેશો વચ્ચે લશ્કરી તણાવ ઝડપથી વધી રહ્યો હતો. 1980ના દાયકામાં ભારત અને પાકિસ્તાનની ટીમો એકબીજાના દેશોનો પ્રવાસ કરતી હતી, પરંતુ ખરાબ રાજકીય સંબંધોને કારણે પાકિસ્તાને ટુર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.
આ દર્શાવે છે કે ક્રિકેટના મેદાન પર પણ બંને દેશો વચ્ચે લડાઈ ચાલી રહી છે. તે વર્ષે ભારતીય ટીમે ટુર્નામેન્ટમાં ટ્રોફી જીતી હતી. 1990ના એશિયા કપમાં ભારતે ફાઈનલમાં શ્રીલંકાને હરાવ્યું હતું.
1993નો એશિયા કપ રદ્દ કરવામાં આવ્યો હતો
તમને જણાવી દઈએ કે 1990-91ના એશિયા કપ બોયકોટ કર્યા પછી, બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય ક્રિકેટ બંધ થઈ ગયું હતું. બંને ટીમોએ એકબીજા સામે રમવાનું બંધ કરી દીધું હતું. આ તણાવને કારણે 1993માં યોજાન્રા એશિયા કપ રદ્દ કરવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટ 1995માં રમાઈ હતી અને બધી મેચો શારજાહ અને યુએઈમાં રમાઈ હતી.
ભારતે પણ એક વખત એશિયા કપ બોયકોટ કર્યો હતો
ભારત પણ એક વખત એશિયા કપમાં નહતું રમ્યું. 1986માં શ્રીલંકા આ ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યું હતું. ત્યારે શ્રીલંકામાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી. ગૃહયુદ્ધ જેવી સ્થિતિ હતી. LTTEની પ્રવૃત્તિ ઝડપથી વધી રહી હતી.
સુરક્ષાના કારણોસર તત્કાલીન ભારત સરકારે BCCIને ટુર્નામેન્ટથી દૂર રહેવાનો આદેશ આપ્યો હતો. પરિણામ એ આવ્યું કે ભારતે 1986માં એશિયા કપમાં ભાગ નહતો લીધો. આ ટુર્નામેન્ટ ફક્ત ત્રણ ટીમો વચ્ચે રમાઈ હતી. તે ત્રણ ટીમો શ્રીલંકા, પાકિસ્તાન અને બાંગ્લાદેશ હતી.

