Asia Cup 2025 / પહેલી મેચ જીત્યા બાદ હવે શ્રીલંકા સામે ટકરાશે બાંગ્લાદેશ, સ્પિનર્સ પર રહેશે નજર

એશિયા કપમાં પોતાની પહેલી મેચમાં હોંગકોંગ પર સરળતાથી જીત મેળવીને ઉત્સાહિત બાંગ્લાદેશની ટીમ શનિવારે ગ્રુપ B મેચમાં છ વખતની ચેમ્પિયન શ્રીલંકન ટીમનો સામનો કરશે, જે આ મુશ્કેલ ગ્રુપનું ભાવિ નક્કી કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
પોતાનું પહેલું એશિયા કપ ટાઈટલ જીતવાના પ્રયાસમાં બાંગ્લાદેશના અભિયાનની શરૂઆત સારી રહી હતી. કેપ્ટન લિટન દાસની 59 રનની ઈનિંગની મદદથી, બાંગ્લાદેશે હોંગકોંગ પર સાત વિકેટથી વિજય મેળવ્યો હતો. બાંગ્લાદેશ ભલે આ મેચ સરળતાથી જીતી ગયું હોય, પરંતુ કેટલાક વિભાગો એવા છે જેમાં તેની નબળાઈ દેખાય છે. તેમાં બોલિંગ વિભાગ મુખ્ય છે.
સખત મહેનત કરવી પડશે
ફાસ્ટ બોલર તસ્કિન અહેમદ અને લેગ સ્પિનર રિશાદ હુસૈને વિકેટ લેવા છતાં રન આપ્યા હતા. શ્રીલંકા સામે આવી કોઈપણ ભૂલ બાંગ્લાદેશ માટે મોંઘી સાબિત થઈ શકે છે. શ્રીલંકાની ટીમ ત્રણેય વિભાગોમાં સંતુલિત દેખાય છે અને બાંગ્લાદેશને મુશ્કેલ પડકારનો સામનો કરવો પડશે. ચારિથ અસલંકાના નેતૃત્વ હેઠળ શ્રીલંકાએ એક મજબૂત ટીમ તૈયાર કરી છે જેમાં ટોપ ઓર્ડરની તાકાત, મિડલ ઓર્ડરની તાકાત અને UAEની પરિસ્થિતિઓને અનુરૂપ સ્પિન એટેકનો સમાવેશ થાય છે.
પથુમ નિસાન્કા, કુસલ મેન્ડિસ અને કુસલ પરેરા ટોપ ઓર્ડરમાં સ્થિરતા પ્રદાન કરે છે, જ્યારે અસલંકા, દાસુન શનાકા અને કમિન્ડુ મેન્ડિસની હાજરી શ્રીલંકાની બેટિંગની ઊંડાઈ દર્શાવે છે. શ્રીલંકાએ ટીમમાં મિડલ ઓર્ડરના બેટ્સમેન જેનિથ લિયાનગેનો પણ સમાવેશ કર્યો છે. તેને ત્રણ વર્ષ પછી T20 આંતરરાષ્ટ્રીયમાં વાપસી કરવાની તક મળી છે. તેણે તાજેતરમાં ઝિમ્બાબ્વે સામે 70 રનની મેચવિનિંગ ઈનિંગ રમી હતી. હેમસ્ટ્રિંગની ઇજામાંથી સ્વસ્થ થયેલા સ્ટાર સ્પિનર વાનિન્દુ હસરંગાની વાપસીથી ટીમ વધુ મજબૂત બની છે.
સ્પિનર્સ તાકાત બતાવશે
શ્રીલંકાના સ્પિનર વાનિન્દુ હસરંગા, મહેશ તીક્ષણા અને દુનિથ વેલ્લાલાગે UAEની ધીમી પીચો પર અસરકારક સાબિત થઈ શકે છે, જ્યારે ફાસ્ટ બોલર મથિશા પથિરાના બોલ સાથે વિવિધતા પ્રદાન કરે છે. બાંગ્લાદેશની ટીમ લિટન અને તૌહીદ હૃદયોય પાસેથી બેટિંગ ફોર્મ ચાલુ રાખવાની અપેક્ષા રાખશે. બોલિંગમાં, તેઓ ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાન પાસેથી નવા બોલ સાથે વધુ સારું પ્રદર્શન કરવાની અપેક્ષા રાખશે. નેટ રન રેટના આધારે અફઘાનિસ્તાન (4.700) બાંગ્લાદેશ (1.001) કરતા ઘણું આગળ છે, તેથી આ મેચ વધુ મહત્ત્વપૂર્ણ બની જાય છે.
દરેક ગ્રુપમાંથી ફક્ત બે ટીમો આગળ વધી શકે છે. આવી સ્થિતિમાં, જો ત્રણ ટીમોના પોઈન્ટ સમાન રહે, તો નેટ રન રેટ નિર્ણાયક સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં, બાંગ્લાદેશ અને શ્રીલંકા બંને પર હવે મોટા માર્જિનથી જીતવાનું દબાણ રહેશે. બંને ટીમ વચ્ચેની ગ્રુપ સ્ટેજ મેચ અબુ ધાબીના શેખ ઝાયેદ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ રાત્રે 8:00 શરૂ થશે. ટોસ અડધી કલાક પહેલા થશે.
એશિયા કપ માટે બંને ટીમો
બાંગ્લાદેશ: લિટન દાસ (કેપ્ટન), તંજીદ હસન, પરવેઝ હુસૈન ઇમોન, સૈફ હસન, તૌહીદ હૃદયોય, ઝાકેર અલી, શમીમ હુસૈન, કાઝી નુરુલ હસન સોહાન, શક મહેદી હસન, રિશાદ હુસૈન, નસુમ અહેમદ, મુસ્તફિઝુર રહેમાન, તંજીમ હસન સાકિબ, તસ્કિન અહેમદ, શોરીફુલ ઈસ્લામ, શૈફ ઉદ્દીન.
શ્રીલંકા: ચરિથ અસલંકા (કેપ્ટન), કુસલ મેન્ડિસ (વિકેટકીપર), પથુમ નિસાન્કા, કુસલ પરેરા, જેનિથ લિયાનગે, કામિલ મિશારા, દાસુન શનાકા, કામિન્દુ મેન્ડિસ, વાનિન્દુ હસરાંગા, નુવાનિડુ ફર્નાન્ડો, દુનિથ વેલ્લાલાગે, ચમિકા કરુણારત્ને, મહિષ તીક્ષણા, મથિશા પથિરાના, નુવાન તુશારા, દુષ્મંથા ચમીરા અને બિનુરા ફર્નાન્ડો.

