ટીમ ઈન્ડિયાની કઠણાઈ બેઠી! બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા વધુ એક બેટર ઈજાગ્રસ્ત
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024 શરૂ થવામાં માંડ એક સપ્તાહનો સમય બા

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024 શરૂ થવામાં માંડ એક સપ્તાહનો સમય બાકી છે. પરિણામે બંને ટીમો અત્યારથી જ મેદાનમાં પરસેવો પાડી રહી છે. આ સ્થિતિ વચ્ચે ટીમ ઈન્ડિયા માટે એક પછી એક ખેલાડી ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે. ત્યારે હવે સ્ટાર બેટર વિરાટ કોહલી ઈજાગ્રસ્ત થયો હોવાનો એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, 22 નવેમ્બરે પર્થમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાશે.
એક ઓસ્ટ્રેલિયાની મીડિયા ચેનલ પ્રમાણે ગુરૂવારે કોહલીએ કેટલાક સ્કેન કરાવ્યા હતા પરંતુ તેનું કોઈ કારણ સામે આવ્યું નથી. આ અગાઉ સરફરાઝ ખાન પ્રેક્ટિસ સેશન દરમિયાન નેટ્સમાં ઈજાગ્રસ્ત થયો હતો. કે.એલ રાહુલ પણ ઈજાગ્રસ્ત થયો હોવાના સમાચાર હતા. શુક્રવારે સવારે પર્થમાં વાકામાં પ્રેક્ટિસ સેશન દરમિયાન તેને જમણા હાથે ઈજા પહોંચી હતી.
આ પણ વાંચો: ટીમ ઈન્ડિયા 'આતંકવાદીઓના નિશાના પર' : શું BCCI, ICCઅને PCBને પાકિસ્તાનનો પ્રવાસ નહિ કરવા માટે કહેશે?
પ્રથમ મેચમાં ઓપનિંગ કોણ કરશે?
જોકે, તેણે ફિઝિયોથી પ્રાથમિક સારવાર મેળવ્યા બાદ બેટિંગ ચાલુ રાખવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેને ફરીથી મુશ્કેલી થઈ અને તે ફીઝિયોની સાથે મેદાનથી બહાર જતો રહ્યો. રાહુલના ફિઝિયોની સાથે મેદાનથી બહાર જવાની તસવીર સામે આવી છે અને તેણે ચાહકોના મનમાં પણ ચિંતા પેદા કરી દીધી છે. જો રાહુલની ઈજા ગંભીર છે તો ભારત માટે પ્રથમ ટેસ્ટ મેચમાં ઓપનિંગ કોણ કરશે તે સવાલ છે.
કોહલીએ બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં 1979 રન બનાવ્યા
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં વિરાટ કોહલીએ તેનો જૂનો રંગ દેખાડવો પડશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવા માટે પાંચ ટેસ્ટ મેચોની સિરીઝમાં ઓછામાં ઓછી ચાર ટેસ્ટ મેચ જીતવી પડશે. કોહલીએ બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં 42 ઈનિંગમાં અત્યાર સુધીમાં 1979 રન બનાવ્યા છે.








