Asia Cup 2025 / આજે અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે થશે જબરદસ્ત ટક્કર, આવી હોઈ શકે છે બંનેની પ્લેઈંગ ઈલેવન

એશિયા કપ 2025ના ગ્રુપ સ્ટેજની દરેક મેચ ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ રહી છે અને અબુ ધાબીમાં આજની અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ બંને ટીમોની સુપર-4 આશાઓ માટે મહત્ત્વપૂર્ણ રહેશે. અફઘાનિસ્તાન પોતાની પહેલી મેચમાં હોંગકોંગ પર શાનદાર જીત નોંધાવ્યા બાદ આત્મવિશ્વાસથી ભરેલું છે. ટીમે પહેલા બેટિંગ કરતા 188 રન બનાવ્યા હતા, જેમાં સેદીકુલ્લાહ અટલ અને અઝમતુલ્લાહ ઉમરઝાઈએ અડધી સદી ફટકારી હતી. આ પછી, બોલર્સે કમાલ કરી અને હોંગકોંગને ફક્ત 94 રનમાં ઓલઆઉટ કરી દીધું. આ જીત અફઘાનિસ્તાન માટે શાનદાર શરૂઆત હતી અને હવે ટીમ એ જ લયનું પુનરાવર્તન કરવા માંગશે. ઉપરાંત, 2022 એશિયા કપની જેમ, આ વખતે પણ તે બાંગ્લાદેશને હરાવીને સુપર-4માં પહોંચવાનું લક્ષ્ય રાખશે.
બીજી બાજુ, હોંગકોંગને હરાવ્યા બાદ, બાંગ્લાદેશની ટીમ શ્રીલંકા સામે હારી ગઈ. છેલ્લી 2 મેચમાં તેની ઓપનિંગ જોડી ચિંતાનું કારણ બની છે. પરવેઝ હુસૈન ઈમોન અને તંજીદ હસન તમીમ હોંગકોંગ સામે કંઈ ખાસ નહતા કરી શક્યા, જ્યારે શ્રીલંકા સામે તો બંને ખાતું પણ નહતા ખોલી શક્યા. કેપ્ટન લિટન દાસ અત્યાર સુધી ટીમની બેટિંગનો આધરસ્તંભ રહ્યો છે, પરંતુ તેને અન્ય બેટ્સમેનોના સપોર્ટની જરૂર પડશે.
મેચની વિગતો
- તારીખ અને દિવસ: મંગળવાર, 16 સપ્ટેમ્બર
- સમય: રાત્રે 8:00 વાગ્યે
- સ્થળ: શેખ ઝાયેદ સ્ટેડિયમ, અબુ ધાબી
- લાઈવ સ્ટ્રીમિંગ: સોની સ્પોર્ટ્સ નેટવર્ક અને સોની લિવ એપ
બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન
અફઘાનિસ્તાન: રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), સેદીકુલ્લાહ અટલ, ઈબ્રાહિમ ઝાદરાન, ગુલબદિન નૈબ, અઝમતુલ્લા ઉમરઝઈ, મોહમ્મદ નબી, કરીમ જનત, રાશિદ ખાન (કેપ્ટન), નૂર અહમદ, એએમ ગઝનફર, ફઝલહક ફારૂકી.
બાંગ્લાદેશ: પરવેઝ હુસૈન ઈમોન, તંજીદ હસન તમીમ, લિટન દાસ (કેપ્ટન અને વિકેટકીપર), સૈફ હસન/નુરુલ હસન, ઝાકેર અલી, શમીમ હુસૈન, મહેદી હસન, નાસુમ અહેમદ, તંજીમ હસન સાકિબ, તસ્કિન અહેમદ, મુસ્તફિઝુર રહેમાન.

