VIDEO: પહેલી જ ટેસ્ટમાં માનવ સુથારનું મોટું કારનામું, 94 વર્ષમાં બેસ્ટ પર્ફોર્મન્સ આપનાર બીજો ભારતીય સ્પિનર બન્યો
ભારતીય ક્રિકેટના 94 વર્ષના ટેસ્ટ ઈતિહાસમાં એક નવો સુવર્ણ અધ્યાય લખાઈ ચૂક્યો છે. અફઘાનિસ્તાન સામે મુલ્લાનપુરમાં રમાઈ રહેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં પોતાની કરિયરની પ્રથમ મેચ રમી રહેલા લેફ્ટી સ્પિનર માનવ સુથારે એવો તરખાટ મચાવ્યો છે કે ક્રિકેટ જગત દંગ રહી ગયું છે. વિશ્વ ક્રિકેટમાં લાંબા સમયથી ક્વોલિટી લેફ્ટ-આર્મ સ્પિનર્સની જે ખોટ વર્તાતી હતી, તેને પૂરી કરવા માટે ભારતને એક નવો હીરો મળી ગયો છે. માનવ સુથારે મેચના ત્રીજા દિવસે અદ્ભુત બોલિંગ કરીને પોતાની પ્રથમ જ ટેસ્ટ મેચમાં 5 વિકેટ ઝડપવાનું કારનામું કર્યું છે.
ડેબ્યુ મેચમાં જ તોડી નાખ્યા રેકોર્ડ્સ
મેચના બીજા દિવસે અફઘાનિસ્તાનના બેટ્સમેનોને હંફાવ્યા બાદ સોમવારે ત્રીજા દિવસે પણ માનવ સુથારનો જાદુ યથાવત રહ્યો હતો. માનવ સુથારે કિલર બોલિંગ કરતા માત્ર 22 ઓવરમાં 10 મેડન નાખીને માત્ર 33 રન આપ્યા અને 6 વિકેટ ઝડપી લીધી હતી. આ શાનદાર પ્રદર્શન સાથે તે ભારતના 94 વર્ષના ટેસ્ટ ઈતિહાસમાં ડેબ્યુ મેચમાં જ 5 કે તેથી વધુ વિકેટ લેનારા 10મો ભારતીય બોલર બન્યો છે. આ સાથે જ તે ડેબ્યુ ટેસ્ટમાં ભારત તરફથી બીજું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારો સ્પિનર પણ બની ગયો છે. ભારત તરફથી ડેબ્યુ ટેસ્ટમાં સૌથી શ્રેષ્ઠ પ્રદર્શનનો રેકોર્ડ નરેન્દ્ર હિરવાનીના નામે છે, જેણે 1988માં વેસ્ટ ઈન્ડિઝ સામે મેચમાં કુલ 16 વિકેટ ઝડપી હતી.
બીજા જ દિવસે બતાવી દીધી હતી પોતાની પ્રતિભા
મુલ્લનપુરની પિચ પર બોલર્સ માટે કોઈ ખાસ મદદ નહતી, તેમ છતાં માનવ સુથારે પોતાની લાઈન-લેન્થ અને કંટ્રોલથી દિગ્ગજોને પ્રભાવિત કર્યા હતા. બીજા દિવસે રવિવારે પોતાની પ્રથમ જ ઓવરમાં ઓપનર અબ્દુલ મલિકને આઉટ કર્યા બાદ તેણે રહેમાનુલ્લાહ ગુરબાઝ અને અફસર ઝાઝઈને પવેલિયન ભેગા કર્યા હતા. હવામાં બોલને શાર્પ ટર્ન કરાવવાની તેની ક્ષમતા અને અદ્ભુત એક્શનના કારણે બીજા દિવસે જ સ્પષ્ટ થઈ ગયું હતું કે તે આ મેચમાં મોટો કમાલ કરશે.
ત્રીજા દિવસે અફઘાનિસ્તાનની કમર તોડી નાખી
બીજા દિવસના શાનદાર પ્રદર્શનથી આત્મવિશ્વાસથી માનવ સુથારે ત્રીજા દિવસે સોમવારે પણ અફઘાનિસ્તાનની બેટિંગ લાઈન-અપને વેરવિખેર કરી નાખી હતી. તેણે પહેલા શરફુદ્દીન, ત્યારબાદ ક્રિઝ પર જામી ગયેલા રહેમત શાહ અને છેલ્લે મોહમ્મદ સલીમને આઉટ કરીને પોતાની 6 વિકેટ પૂરી કરી હતી.
ડેબ્યૂ ટેસ્ટમાં ભારતીય સ્પિનરોનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન
- નરેન્દ્ર હિરવાની: 8/61, 8/75, વેસ્ટ ઈન્ડિઝ, 1988 (ચેન્નાઈ)
- માનવ સુથાર: 6/33, અફઘાનિસ્તાન, 2026 (મુલ્લાનપુર)
- દિલીપ દોષી: 6/103, ઓસ્ટ્રેલિયા, 1979 (ચેન્નાઈ)
- રવિચંદ્રન અશ્વિન: 6/47, વેસ્ટ ઈન્ડિઝ, 2011 (દિલ્હી)
- અક્ષર પટેલ: 5/60, ઈંગ્લેન્ડ, 2021 (ચેન્નાઈ)

