IND vs PAK Final / આ 12 ખેલાડીઓ વચ્ચે થશે મુકાબલો, અભિષેક-હારિસ અને બુમરાહ-ફરહાનની ટક્કર હશે સુપરહિટ

ભારત એશિયા કપ 2025ની ફાઈનલમાં પાકિસ્તાનનો સામનો કરશે. આ મેચ આજે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે, અને ક્રિકેટ ફેન્સ માટે તે ફક્ત એક મેચ નહીં, પરંતુ એક જંગ હશે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ આ એડિશનમાં ગ્રુપ સ્ટેજ અને પછી સુપર 4 રાઉન્ડમાં પાકિસ્તાનને હરાવ્યા પછી ઉત્સાહમાં છે. જ્યારે પાકિસ્તાન પર માનસિક દબાણ સ્પષ્ટ થશે, કારણ કે તાજેતરના વર્ષોમાં ભારત સામે તેનું પ્રદર્શન નબળું રહ્યું છે.
છેલ્લી બે મેચ વિવાદોથી ભરેલી હતી
ફાઈનલ મેચ વધુ ખાસ છે કારણ કે પાછલી બે મેચમાં બંને ટીમો વચ્ચેના વિવાદ અને ઝઘડા ચર્ચામાં રહ્યા છે. ભારત સામેની હારથી હતાશ પાકિસ્તાને અન્ય માધ્યમો દ્વારા ભારતનું મનોબળ તોડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેના પ્રયાસો નિષ્ફળ ગયા અને તેને હારનો સામનો કરવો પડ્યો. પરિણામે, ફાઈનલ ખૂબ જ રોમાંચક હોવાની અપેક્ષા છે. દુનિયાભરના ક્રિકેટ ફેન્સની નજર ભારત અને પાકિસ્તાનની મેચ પર હોય છે, અને વાતાવરણ ફક્ત મેદાન પર જ નહીં પરંતુ દર્શકોના હૃદયમાં પણ અત્યંત ભાવનાત્મક અને રોમાંચક રહેશે.
કયા ખેલાડીઓ વચ્ચે ટક્કર હશે?
આ મુકાબલામાં ગૌરવ, આત્મસન્માન અને જીતવાની ઈચ્છા દાવ પર લાગશે. આ જ કારણ છે કે તેને ક્રિકેટની સૌથી મોટી મેચ કહેવામાં આવે છે. આ હાઈ-વોલ્ટેજ મેચમાં ઘણા ખેલાડીઓ વચ્ચે વ્યક્તિગત હરીફાઈ પણ જોવા મળશે, જે આ મુકાબલાને વધુ રસપ્રદ બનાવી શકે છે. ચાલો એક નજર કરીએ કે આ મેચ દરમિયાન કોની ટક્કર સૌથી વધુ રસપ્રદ રહેશે.
અભિષેક શર્મા અને સૂર્યકુમાર યાદવ vs હારિસ રઉફ
આ મેચની સૌથી ચર્ચિત ટક્કર અભિષેક શર્મા અને હારિસ રઉફ વચ્ચે રહેશે. બંને વચ્ચેની પાછલી મેચને કારણે તણાવ વધુ રહેવાની ધારણા છે. પાછલી મેચમાં હારિસે અભિષેકને સ્લેજ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, અભિષેકે તેના બેટથી યોગ્ય જવાબ આપ્યો અને પછી પોસ્ટ મેચ પ્રેઝન્ટેશનમાં પણ જવાબ આપ્યો હતો. આનાથી હારિસ ગુસ્સે ભરાયો હતો. અભિષેકે પાકિસ્તાની બોલર્સને ખૂબ જ ધોયા હતા. ફાઈનલમાં બંને વચ્ચે ખૂબ જ રોમાંચક ટક્કર થશે. વધુમાં, હારિસે સૂર્યકુમાર યાદવને T20માં ઘણી વખત આઉટ કર્યો છે. સૂર્યકુમાર તેમાંસુધારો કરવા માંગશે. સૂર્યા તેની ઈમોવેટિવ બેટિંગથી કોઈપણ બોલિંગ એટેકને મુશ્કેલીમાં મૂકી શકે છે, પરંતુ હારિસની ગતિ અને યોર્કર તેની કસોટી કરી શકે છે. આ ટક્કર મિડલ ઓવર્સમાં મેચનો માર્ગ નક્કી કરી શકે છે.
શુભમન ગિલ vs શાહીન શાહ આફ્રિદી
ભારતના સ્ટાર ઓપનર શુભમન ગિલ અને પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે. ગિલ ઉત્તમ ફોર્મમાં છે અને પાવરપ્લેમાં આક્રમક શરૂઆત આપવા માટે જાણીતો છે. તેણે પાકિસ્તાન સામેની છેલ્લી બે મેચમાં આક્રમક બેટિંગ કરી હતી. દરમિયાન, આફ્રિદી નવા બોલથી વિકેટ લેવામાં માહિર છે અને પોતાની સ્વિંગથી બેટ્સમેનોને મુશ્કેલીમાં મૂકી શકે છે. આફ્રિદીએ બાંગ્લાદેશ સામે 2 વિકેટ લીધી હતી. સુપર-4 મેચમાં, ગિલે આફ્રિદીની બોલિંગ પર ચોગ્ગો ફટકાર્યો, અને બંને વચ્ચે બોલાચાલી પણ થઈ હતી.
હાર્દિક પંડ્યા vs ફખર ઝમાન
ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને પાકિસ્તાનના આક્રમક ઓપનર ફખર ઝમાન વચ્ચે પણ એક મહત્ત્વપૂર્ણ ટક્કર જોવા મળી શકે છે. હાર્દિક તેની મિડીયમ પેસના બોલથી વિરોધી બેટ્સમેનની લય તોડે છે અને ડેથ ઓવર્સમાં બેટથી પણ શાનદાર પ્રદર્શન કરે છે. ફખર તેના મોટા શોટ માટે જાણીતો છે. સુપર-4માં ફખર હાર્દિકની ઓવરમાં વિકેટકીપરના હાથે કેચ આઉટ થયો હતો, જેના કારણે ઘણો વિવાદ થયો હતો. આ ટક્કર ફાઈનલમાં વધુ રસપ્રદ બની શકે છે.
જસપ્રીત બુમરાહ અને વરુણ ચક્રવર્તી vs સાહિબજાદા ફરહાન
ફાઈનલમાં જસપ્રીત બુમરાહ અને વરુણ ચક્રવર્તી પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન સાહિબજાદા ફરહાન સામે ટકરાશે. આ ટક્કર ખૂબ જ રોમાંચક રહેવાની અપેક્ષા છે, કારણ કે બુમરાહ તેના ઘાતક યોર્કર અને ફાસ્ટ બોલિંગ માટે જાણીતો છે, જ્યારે વરુણ ચક્રવર્તી તેની મિસ્ટ્રી સ્પિનથી કોઈપણ બેટ્સમેનને મુશ્કેલીમાં મૂકી શકે છે. બીજી તરફ, ફરહાન પાકિસ્તાન માટે સતત સ્કોર કરી રહ્યો છે અને સારા ફોર્મમાં છે. ભારતીય બોલર્સ ફરહાનની બેટિંગને કેવી રીતે રોકી શકે છે તે જોવું રસપ્રદ રહેશે.
કુલદીપ યાદવ vs મોહમ્મદ હારિસ
ભારતીય સ્પિનર કુલદીપ યાદવ અને પાકિસ્તાની મિડલ-ઓર્ડર બેટ્સમેન મોહમ્મદ હારિસ વચ્ચેનો મુકાબલો પણ રસપ્રદ રહેશે. કુલદીપ પોતાની ગુગલીથી બેટ્સમેનને પરેશાન કરે છે. તે ઉત્તમ ફોર્મમાં પણ છે અને એશિયા કપ 2025માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. દરમિયાન, હારિસની આક્રમક બેટિંગે પાકિસ્તાનને પાછલી મેચમાં બાંગ્લાદેશ સામે સન્માનજનક સ્કોર બનાવવામાં મદદ કરી હતી. કુલદીપ સ્પિન સામે ખરેખર તેની સ્કિલ્સની કસોટી થશે. કુલદીપ પાકિસ્તાન સામે છેલ્લી કેટલીક મેચોમાં પ્રભાવશાળી રહ્યો છે.

