મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

આજે અયોધ્યામાં રામલલાના મંદિરમાં પ્રથમવાર ઉજવાશે જન્માષ્ટમી, સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ થયું આયોજન

ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યા સ્થિત ભગવાન રામલલાના દિવ્ય અને ભવ્ય મંદિરમ

આજે અયોધ્યામાં રામલલાના મંદિરમાં પ્રથમવાર ઉજવાશે જન્માષ્ટમી, સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ થયું આયોજન

ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યા સ્થિત ભગવાન રામલલાના દિવ્ય અને ભવ્ય મંદિરમાં આજે પહેલી વખત જન્માષ્ટમી ઉજવવામાં આવશે. આ માટે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. રામલલા મંદિરના મુખ્ય પૂજારીએ જણાવ્યું કે, 'મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામના જન્મસ્થળ પર બનેલા મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ મંગળવારે એટલે કે 27 ઓગસ્ટના રોજ રાત્રે બરાબર 12 વાગ્યે રામલલા સ્થિત દરબારમાં ઉજવવામાં આવશે.'

જોરશોરથી તૈયારીઓ ચાલુ

મુખ્ય પુજારીએ કહ્યું કે, 'રામલલાના દરબારમાં પહેલીવાર જન્માષ્ટમી ઉજવવામાં આવી રહી છે, ત્યારે આ ભવ્ય ઉજવણીના દિવસે રામલલા ગુલાબી કપડાં પહેરશે. આ કાર્યક્રમની તૈયારીઓ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે.' શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ અનિલ મિશ્રાએ જણાવ્યું કે, 'આ વખતે રામલલાના દરબારમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવાની તૈયારીઓ કરવામાં આવી છે, જેમાં રામલલાને 50 કિલો પંચામૃતથી અભિષેક કર્યા બાદ 150 કિગ્રા પંજીરી ચઢાવવામાં આવશે. રામલલાને ફૂલો સહિત અન્નકૂટ પણ ધરાવાશે, જેમાં અનેક પ્રકારની વાનગીઓ અને ફળ હશે. આ ઉપરાંત મંદિરનો ભવ્ય શણગાર કરવામાં આવશે.'

સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન
ટ્રસ્ટના પ્રમુખે વધુમાં કહ્યું કે, 'જન્માષ્ટમીની ઉજવણી દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે. રામનગરી અયોધ્યામાં પણ કૃષ્ણ ભક્તિ પ્રબળ છે. અહીં ઘણા પ્રાચીન કૃષ્ણ મંદિરો છે, જે શ્રીરામ અને કૃષ્ણની અવિભાજ્યતાના સાક્ષી છે. આ તમામ મંદિરોમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. સમગ્ર અયોધ્યામાં બે દિવસ સુધી ઉત્સવ મનાવવામાં આવશે.' ગૃહસ્થ પરંપરા સાથે જોડાયેલા ભક્તો 26મી ઓગસ્ટે જન્માષ્ટમીનો તહેવાર અને 27મી ઓગસ્ટે ઉદયા તિથિને પગલે મંદિરોમાં ઉજવશે. અયોધ્યાના ગોકુલ ભવન, બ્રિજમોહન કુંજ, રાધાબ્રિરાજ મંદિર, રાજસદન સ્થિત રાધા માધવ મંદિર, ગુરુધામ ઈસ્કોન મંદિરમાં જન્માષ્ટમીની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. રવિવારથી આ મંદિરોમાં અનુષ્ઠાન શરૂ થશે.

આ સમાચાર શેર કરો