Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Will Prabhas be the hero of Aditya Dhar's film based on Indian history 'Baahubali'?

આદિત્ય ધરની ભારતીય ઇતિહાસ પર આધારિત ફિલ્મનો હીરો 'બાહુબલી' પ્રભાસ હશે?

Timeછેલ્લું અપડેટ : 03 Jul 2026
લાઇવ ટીવીGoogle News
આદિત્ય ધરની ભારતીય ઇતિહાસ પર આધારિત ફિલ્મનો હીરો 'બાહુબલી' પ્રભાસ હશે?
સોર્સ : GSTV

એવું બહુ ઓછી વાર બને છે કે કોઈ ફિલ્મને અસાધારણ સફળતા મળે ત્યારે તેના લીડ એક્ટર જેટલું જ, કે તેનાથી પણ વધુ મહત્ત્વ તેના ડિરેક્ટરને મળે. ફિલ્મ 'ધુરંધર'ના બંને ભાગોએ બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચ્યા પછી તેના કલાકારો રણવીર સિંહ, અક્ષય ખન્ના અને રાકેશ બેદીની સાથે તેના રાઈટર-ડિરેક્ટર આદિત્ય ધર પણ સૌથી વધુ ચર્ચામાં છે. ભૂતકાળમાં આવું 'બાહુબલી' વખતે જોવા મળ્યું હતું, જ્યાં પ્રભાસની સાથે જ ડિરેક્ટર એસ. એસ. રાજામૌલીને પણ જબરદસ્ત બહુમાન મળ્યું હતું. આદિત્ય ધરે અગાઉ 'ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક' દ્વારા સાબિત કરી દીધું હતું કે તેઓ મોટા કેનવાસ પર આઇકોનિક ફિલ્મો બનાવવાની અદભૂત ક્ષમતા ધરાવે છે.


તાજેતરમાં સોશિયલ મીડિયા પર અમુક ચાહકોએ એવી ઈચ્છા વ્યક્ત કરી હતી કે આદિત્ય ધરે પોતાની આગામી ફિલ્મ પ્રભાસ સાથે બનાવવી જોઈએ. ફિલ્મી ગલિયારાઓમાંથી મળતા અહેવાલો મુજબ, આ કલ્પના સાકાર થવાના પોઝિટિવ સંકેતો દેખાઈ રહ્યા છે. વાસ્તવમાં, 'એનિમલ'ના ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાએ હૈદરાબાદમાં પ્રભાસ સાથે મળીને 'ધુરંધર-૨' જોઈ હતી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર આદિત્ય ધરના મન મૂકીને વખાણ કર્યા હતા. તેના જવાબમાં આદિત્ય ધરે પ્રભાસનો આભાર માનતા તેમને ખૂબ આદર આપ્યો હતો, ત્યારથી આ બંને મહારથીઓ સાથે કામ કરશે તેવી ચર્ચાએ જોર પકડયું છે.


અગાઉ 2025ના મધ્યમાં એવા અહેવાલો આવ્યા હતા કે આદિત્ય ધરની આગામી ફિલ્મ ભારતીય ઇતિહાસ પર આધારિત હશે, જે અખંડ ભારતનું સપનું જોનારા ત્રણ મહાન સમ્રાટોની વાર્તા રજૂ કરશે. ચર્ચા છે કે આ પૈકીના એક મુખ્ય રાજાનું પાત્ર પ્રભાસ ભજવશે, જ્યારે બીજા લીડ રોલ માટે રણવીર સિંહનું નામ મોખરે છે. એવી સંભાવના છે કે ૨૩મી ઓક્ટોબરે પ્રભાસના જન્મદિવસે આ મેગા બજેટ ફિલ્મની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.


પેન ઈન્ડિયા સ્ટાર કહેવાતા પ્રભાસની બે મોટી ફિલ્મો કતારમાં ઊભી છે, જેમાં પહેલી સંદીપ રેડ્ડી વાંગાના નિર્દેશનમાં બનતી 'સ્પિરિટ' છે, જે માર્ચ ૨૦૨૭માં રિલીઝ થવાની જાહેરાત થઈ ચૂકી છે. જ્યારે બીજી ફિલ્મ હનુ રાઘવપુડીના ડિરેક્શનમાં બની રહેલી 'ફૌજી' છે. આ ફિલ્મમાં પ્રભાસ નેતાજી સુભાષચંદ્ર બોસની આઝાદ હિન્દ ફૌજના એક વીર સૈનિકની ભૂમિકા ભજવી રહ્યો છે અને તે ૩ ડિસેમ્બર ૨૦૨૬ના રોજ રિલીઝ થાય તેવી પૂરી શક્યતા છે, જોકે તેની સત્તાવાર તારીખની જાહેરાત થવાની હજુ બાકી છે..

App Store