"યજ્ઞોમાં જપ યજ્ઞ હું છું" – જાણો ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણએ જપને કેમ સર્વશ્રેષ્ઠ યજ્ઞ કહ્યો છે!

– નાથાલાલ બ્રહ્મક્ષત્રિય
જીવન જીવવાનો બોધ આપતું વિજ્ઞાન એટલે ભગવાન શ્રીકૃષ્ણના મુખે ગવાયેલું ગીત – 'ગીતા'. ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં જપને યજ્ઞ કહ્યો છે અને કહ્યું છે: "યજ્ઞોમાં જપ યજ્ઞ હું છું." સામાન્ય રીતે આપણે વેદીમાં જવ, તલ વગેરે હોમીને મંત્રોચ્ચાર કરીને થતી ક્રિયાને યજ્ઞ કહીએ છીએ. યજ્ઞની સૂક્ષ્મ સમજ આપતા સંતો કહે છે કે, યજ્ઞ એટલે બોધપૂર્વક જનહિતાર્થે કરેલું કામ. કોઈ ઇષ્ટદેવનું નામ સતત જપ્યા કરવું તેને 'જપ યજ્ઞ' કહેવાય.
જપ એ સ્વરનું વિજ્ઞાન છે. સ્વર એ વાણી પ્રગટ કરે છે. વાણીના ચાર પ્રકાર શાસ્ત્રોમાં વર્ણવ્યા છે: વૈખરી, મધ્યમા, પશ્યંતી અને પરા. વૈખરી વાણી મોઢેથી બોલાય અને આપણા કાન જ સાંભળી શકે. મધ્યમા વાણી મનથી બોલાય છે, તેનો સંબંધ ભાવ અને ઊર્જા સાથે છે. પશ્યંતી વાણીનો સંબંધ જ્ઞાન સાથે છે અને ચોથી પરા વાણી, જેને 'અનાહત નાદ' કહેવાય છે. આ ઘટનાઓ આંતરિક મનની ભૂમિકા સાથે સંકળાયેલી છે.
આપણું મન ચંચળ છે. રાઈનો દાણો ગાયના શિંગડાની ટોચ ઉપર ઠરી શકે, પણ મન એટલો અલ્પ સમય માટે પણ સ્થિર થઈ શકતું નથી; તે બહારની તરફ ભટક્યા જ કરે છે. આવા સમયે સાધકે મનને સ્થિર કરવા માટે જપ યજ્ઞનો સહારો લેવો પડે છે. આપણે કોઈપણ ઇષ્ટદેવનું નામ કે 'ઓમ્' સ્વરનું રટણ કરવું જોઈએ. શ્વાસના આવાગમન (આવવા-જવા) ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું અને બહારની સૃષ્ટિ સાથેના સંબંધોમાંથી મુક્ત થવા માટે સજગતા રાખવી જરૂરી છે, નહીંતર નિદ્રા આવી જવાની શક્યતા રહે છે.
માનસિક જપ કરતી વખતે ચિત્તની ભૂમિકા સૂક્ષ્મ થતી જાય છે, ત્યારે મધ્યમા વાણીના તરંગોનો સ્પર્શ થાય છે અને ધીમે ધીમે જ્ઞાનની સાથે એકરૂપતા આવે છે. ત્યારે જપ કરવા પડતા નથી, પરંતુ અનાયાસે મનના ઊંડાણમાં જપ ચાલ્યા જ કરે છે; તેને 'અજપાજાપ' કહેવાય છે. જેમ કોઈ મનપસંદ ગીત કે ધૂન સાંભળ્યા પછી આપણે હરતા-ફરતા કે કોઈપણ ક્રિયા કરતા-કરતા તે ગીતના શબ્દો મનમાં ગણગણ્યા કરીએ છીએ, તેમ જપ આપોઆપ ચાલ્યા કરે છે. તેવી ભૂમિકા સુધી પહોંચવા માટે સાધકે જાગૃત રહીને પ્રયત્ન કરવા જ પડે છે. ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં કહે છે કે, વારંવારના અભ્યાસ (અભ્યાસેન તુ કૌન્તેય) પછી જ સાધક આવી પરિસ્થિતિ પ્રાપ્ત કરી શકે છે.

