દાન-ધર્મના પુણ્ય પ્રભાવે એ દેવ પણ બન્યા અને દેવાધિદેવ પણ બન્યા

- આંખ છીપ, અંતર મોતી
- આચાર્ય રાજહંસ
દ્રશ્ય-૧: એક મા પોતાના સગા દીકરાને મુઠ્ઠીભર ચણા માટે કરીને વેચી રહી છે.
દ્રશ્ય-૨: એક પિતા પોતાના હાથમાં રહેલો રોટલીનો ટુકડો ખાઈ રહ્યો છે અને એનો સગો દીકરો આ દ્રશ્ય જોઈ રહ્યો છે, ખાવા માટે રડી રહ્યો છે છતાં તે પિતા પોતાના દીકરાને કશું આપતો નથી.
દ્રશ્ય-૩: સારા-સારા માણસો પણ થોડુંક અનાજ મેળવવા માટે કરીને સાધુ-સંન્યાસીઓના વેશ ધારણ કરી રહ્યા છે.
દ્રશ્ય-૪: ધનવાનોની હવેલીઓમાં વેરાયેલા દાણા વીણવા માટે કરીને સારી એવી ભીડ ઉમટી છે.
દ્રશ્ય-૫: લોકો વૃક્ષની છાલ, વૃક્ષના પાંદડા, વૃક્ષના મૂળીયાં, કંદ આદિ ખાઈ રહ્યાં છે.
દ્રશ્ય-૬: અમુક લોકો 'ભસ્મક રોગથી' પીડાઈ રહ્યા છે. જે ખાય તે બધું જ ભસ્મ થઈ જાય, એવો રોગ તન-મનમાં ઘેરાઈ ગયો હતો.
આવા અનેક પ્રકારના દ્રશ્યો ઠેર-ઠેર 'ક્ષેમપુરી' નામે નગરીમાં દેખાઈ રહ્યા હતા. કારણ હતું દુષ્કાળ – વરસાદ ન વરસવાના કારણે ખેતરો લહેરાયા નહીં. અનાજ આવ્યું જ નહીં. લોકોને ખાવાનું મળવાનું બંધ થઈ ગયું. ચારેકોર હાહાકાર સર્જાઈ ગયો. છોકરાઓ વેચાવા માંડ્યા – સૌ પોતપોતાનું જોવા માંડ્યા. ધાન્ય માટે ઠેર-ઠેર લડાઈઓ અને ખેંચાતાણીના દ્રશ્યો સર્જાતા.
ક્ષેમપુરીના રાજા વિમલવાહને આ દ્રશ્યો જોયા. "સાધુ-સંતોને તો અત્યારે કોણ આપતું હશે?" આ વિચાર તેના મનમાં ઘુમરાવા માંડ્યો. સાધુઓ જાતે રાંધે નહીં, પોતાના માટે બનાવડાવે નહીં.
સાધુ-સંતોના શરીર લક્ષી સુવિધાનો વિચાર કરવાની ફરજ રાજા-પ્રજાની છે, અને ગૃહસ્થોના આત્માની સ્વસ્થતાનો વિચાર કરવાની ફરજ સાધુ-સંતોની છે.
વિમલવાહને આખી નગરીમાં ધાન્યની વ્યવસ્થા ઠેર-ઠેર કરાવડાવી અને આદેશ કર્યો: "સૌ આરાધના-સાધનામાં વિશેષપણે જોડાશો. દાન-શીલ-તપ-ભાવ રૂપ ચારે પ્રકારનો ધર્મ જેટલો આચરશો, તેટલો દુષ્કાળ વહેલો દૂર થશે. ધર્મ છે ત્યાં જ સંપત્તિ છે. ધર્મરૂપી સંપત્તિ બધી જ સંપત્તિને ખેંચી લાવે છે. બધાં જ અસંભવ કાર્યો ધર્મ થકી સંભવ થઈ જાય છે."
વિમલવાહન રાજાએ આમ દુષ્કાળ ચાલ્યો ત્યાં સુધી સૌ જીવોના પેટની આગ ઠારવાનું કાર્ય સુચારૂરૂપે કર્યું. સાધુ-સંતોની પણ ખૂબ સેવા કરી. આ બધી પરમભાવના પૂર્વકની પરમ સેવાનું ફળ એ મળ્યું કે રાજા વિમલવાહન તે પછીના ભવે દેવ બન્યા અને તે પછીના ભવે દેવાધિદેવ શ્રી સંભવનાથ ભગવાન બન્યા. દાનના પ્રભાવે માણસમાંથી દેવ અને દેવાધિદેવ બન્યા.
દરેક અસંભવ કાર્યોને સંભવ કરનારા આ સંભવનાથ ભગવાનનું આ જીવન-વર્ણન સાંભળીને અમદાવાદના શેઠ ઠાકર, શેઠ પુણ્યપાલ અને શેઠ નાકર એમ ત્રણે ભાઈઓ ભેગા મળીને અમદાવાદની પોળમાં સંભવનાથ ભગવાનનું ભવ્ય જિનમંદિર ઊભું કર્યું. વિક્રમ સંવત ૧૬૫૮માં મહા સુદ-૫ના રોજ, સવાયા જગદ્ગુરુ હીરવિજયસૂરિ સાબિત થનારા તેમજ 'સવાઈ હીરલા'નું બિરુદ અકબરના શ્રીમુખે પામનારા અને જગદ્ગુરૂ હીરવિજયસૂરિજીના પટ્ટધર એવા આચાર્ય વિજયસેન સૂરિશ્વરજીના વરદહસ્તે આ જિનાલયની અને સંભવનાથ દાદાની પ્રતિષ્ઠા થઈ.
'ગુજરાતનું પાટનગર: અમદાવાદ' પુસ્તકના લેખક રત્નમણિરાવ જોટે કહે છે કે અમદાવાદનું આ સૌથી પ્રાચીન મંદિર ગણાય છે. શહેરમાં દુષ્કાળ આવે નહિ અને આવે તોય શહેરીજનોની દુષ્કાળમાં સુચારૂ વ્યવસ્થા આ સંભવનાથ દાદાના પ્રભાવે થઈ જાય, એ હેતુથી આ શુભ પ્રતિષ્ઠા શુભ પળે કરવામાં આવી હતી. જેનો શુભ પ્રભાવ આજ સુધીના અમદાવાદના ઇતિહાસે જોયો અને જાણ્યો છે.
'અમદાવાદના ઝવેરીવાડના જિનાલયો'ના લેખિકા પ્રવીણાબેન અને પારૂલબેન કહે છે: અમદાવાદનું આ મોટું જિનાલય છે. વિશેષતા આ જિનાલયની એ છે કે આ જિનાલય બે ભોંયરાવાળું અને પાંચ ગભારાવાળું છે. આવું એકમાત્ર જિનાલય મનોહર મૂર્તિ ધરાવે છે. જોતાં મન ધરાય નહીં એવું આ જિનાલય ૪૨૫મું વર્ષ ઉજવવા જઈ રહ્યું છે, એ પણ એક પ્રમુખ વિશેષતા છે.
પ્રભાવના
૬૦૦ થી વધુ પોળો ધરાવતી પોળનગરી કર્ણાવતી નગરીની એક પોળ – તળિયાની પોળમાં જીવન જીવીને સંયમ સ્વીકારી ગચ્છાધિપતિ બનનારા આચાર્ય શ્રી રાજશેખર સૂરિ મહારાજા (જેમનો ૭૩મો જન્મદિવસ જેઠ વદ-૫, પાંચ જુલાઈએ આવી રહ્યો છે) તેમણે દાદાગુરુ આચાર્યશ્રી શાંતિચંદ્રસૂરિજી મહારાજાના તળિયાની પોળના ચાતુર્માસને યાદ કરતાં જણાવ્યું – "જે દાદાગુરૂ શાંતિચંદ્રસૂરિ મહારાજાનો દીક્ષા શતાબ્દી મહોત્સવ હમણાં આ વર્ષે ઊજવાયો અને આ જેઠ વદ-૪, ૪ જુલાઈના રોજ જેઓશ્રીની ૫૩મી પુણ્યતિથિ છે, તે દાદાગુરૂએ અમદાવાદના ઝવેરીવાડના સંભવનાથની ખડકીના જિનાલયના ભોયરામાં રહેલા સંભવનાથ ભગવાનનો મહિમા ફરમાવ્યો હતો. આપણા અસંભવ કાર્યો આ પ્રભુના દર્શન-પૂજનથી સંભવ થઈ જાય છે. વિશાળકાય આ પ્રતિમાજીના પ્રભાવે આપણા કાર્યો અને આપણે પોતે વિશાળતાને પામી જઈએ છીએ."

