વર્ષો પછી પણ અકબંધ છે ‘જગ્ગુ દાદા’નો અંદાજ! જેકી શ્રોફની એવરગ્રીન એનર્જી પાછળનું શું છે રહસ્ય?

'દરેક ફોર્મેટની એક આગવી ભાષા, અલગ માગ હોવાની. તેથી હું ક્યારેય એમ નથી વિચારતો કે ચોક્કસ ફોર્મેટ અન્ય કરતાં વધુ મુશ્કેલ છે… મને સરળ રહેવું પણ વધુ ફાવે છે. ઝાકઝમાળથી દૂર રહીને રાજી રહેવું હોય તો સરળ બની રહેવું જરૂરી છે.'
દશકોથી હિન્દી ફિલ્મોદ્યોગમાં કાર્યરત અભિનેતા જેકી શ્રોફે પોતાની આગવી છાપ છોડી છે. તેની શાખ સામે કોઈ પ્રશ્ન ચિહ્ન ન મૂકી શકે અને તેનું કારણ છે આ અદાકારની સરળ અને ઈમાનદાર પ્રકૃતિ. આ કલાકારમાં રહેલો ઉમંગ-ઉત્સાહ આજે પણ યુવાનોને શરમાવે એવો છે. તેનો રમૂજી સ્વભાવ ઘડીકમાં પારકાંને પણ પોતિકાં કરી દે છે. સફળતા તેના કદમ ચૂમતી હોય ત્યારે પણ તેના પગ જમીન સાથે જડાયેલાં રહે છે. તેની આ ખૂબીઓ જેકીને અન્ય કરતાં નોખો તારવે છે. તાજેતરમાં રજૂ થયેલી 'ધ ગ્રેટ ગ્રાન્ડ સુપરહીરો : એલિયન્સ કા આગમન'માં અભિનેતાએ રહ્યો.
મઝાની વાત એ છે કે જેકી આજના બાળકોથી પ્રભાવિત થયો એ વાત પણ તે નિઃસંકોચપણે જણાવે છે. તે કહે છે કે બાપ રે.. ફિલ્મમાં કામ કરતાં ભૂલકાંને જોઈને એમ લાગતું કે તેઓ બચ્ચાં છે કે મારા બાપ. ભૂલકાં હોવાના નાતે તેઓ મસ્તી-તોફાન કરે તે સ્વાભાવિક છે. પરંતુ કામ કરતી વખતે તેમનો વ્યાવસાયિક અભિગમ જોઈને હું દંગ રહી જતો. આટલા નાના નાના બાળકો પોતાના કામ પ્રત્યે યુવાનો જેટલા ગંભીર હતાં. 'વર્ક વાઈલ યુ વર્ક એન્ડ પ્લે વાઈલ યુ પ્લે' ઉક્તિ તેમને બરાબર લાગૂ પડે એટલા તેઓ પ્રોફેશનલ હતાં. તેમની સમજદારીનું સ્તર યુવાનો, પ્રૌઢોને પણ પાછળ છોડી દે તે એવું હતું. મને એમ લાગતું કે અમારી પેઢીના લોકો તો તેમના કરતાં ઘણાં પાછળ છે. અમે નાના હતાં ત્યારે અમને આવી કોઈ વાતની ગતાગમ નહોતી.
જેકીનો પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ જાણીતો છે. તે કહે છે કે પ્રકૃતિ સાથે જોડાયેલા લોકો જમીન સાથે જડાયેલા હોય છે. બિલકુલ નિરાભિમાની. તે પોતાની વાત જણાવતાં કહે છે કે મને કુદરતી વાતાવરણમાં રહેવાનું અત્યંત પ્રિય છે. પ્રકૃતિ વચ્ચે રહેતી વખતે મારું મન પ્રફુલ્લિત થઈ જાય છે. વૃક્ષો, પુષ્પો-પાંદડા આપણને માત્ર આપતાં રહે છે, આપણી પાસેથી કશું પણ લેવાની અપેક્ષા વિના. કદાચ આ કારણે જ મને પ્રકૃતિની ગોદમાં રહેવાનું વધુ ગમે છે. કુદરતી વાતાવરણ વચ્ચે મારું મન શાંત રહે છે. દુનિયાના ઘોંઘાટથી દૂર, અહીં મને વધુ શાંતિ મળે છે.
એ વાત સર્વવિદિત છે કે આજના દર્શકોનો ફિલ્મો જોવા પ્રત્યેનો દ્રષ્ટિકોણ-અભિગમ સમગ્રતયા બદલાઈ ગયા છે. આમ છતાં ચોક્કસ બાબતો આજે પણ યથાવત્ છે. જેમ કે ભાવનાત્મક અભિગમ. ટેકનોલોજી ભલે બદલાઈ ગઈ છે. પરંતુ ભાવનાઓ-લાગણીઓ એ જ રહી છે. પરિણામે ફિલ્મો પ્રત્યેનો મારો મૂળભૂત અભિગમ પણ જેમનો તેમ છે. હું ક્યારેય માત્ર 'બિઝનેસ' પાછળ દોડ નથી મૂકતો. મને પ્રાસંગિક બની રહેવા કરતાં ઈમાનદાર રહેવાનું વધુ ફાવે છે. વળી હું સતત કાંઈક નવું શીખતો રહું છું. મને યુવાપેઢી પાસેથી પણ કાંઈક અલગ શીખવા મળતું હોય તો ખચકાતો નથી. હું આબાલ-વૃધ્ધો સૌને માન આપવામાં માનું છું. અને દરેક પેઢીની કહાણી રજૂ કરવામાં પાછીપાની નથી કરતો. આ રીતે હું દરેક જનરેશનના દર્શકો સાથે જોડાઈ શકું છું.
અભિનેતા માને છે કે દરેક ફોર્મેટની એક આગવી ભાષા, નોખી માગ હોવાની. તેથી હું ક્યારેય એમ નથી વિચારતો કે ચોક્કસ ફોર્મેટ અન્ય કરતાં વધુ મુશ્કેલ છે. આજની તારીખમાં ખરો પડકાર પ્રત્યેક પરફોર્મન્સને વાસ્તવિક સ્વરૂપે રજૂ કરવાનો છે. એક જ પ્રકારના પાત્રો વારંવાર ભજવવાને બદલે સતત કંઈક નવું કરતાં રહેવું જોઈએ. નિરંતર નવું કરતા રહેવાથી મારો ઉત્સાહ જળવાઈ રહે છે. મને સરળ રહેવું પણ વધુ ફાવે છે. સરળતા મને ખુશ રાખે છે. ઝાકઝમાળથી દૂર રહીને રાજી રહેવું હોય તો સરળ રહેવું રહ્યું.
પોતાની છેલ્લે આવેલી ફિલ્મનો દાખલો આપતાં કહે છે કે તે બાળકો અને વયસ્કોના ચહેરા પર સ્મિત રેલાવે છે. આજની તારીખમાં આબાલવૃધ્ધો સૌને તેની સૌથી વધુ જરૂર છે. આજે વિશ્વભરમાં જ્યાં નજર નાખો ત્યાં યુધ્ધનું વાતાવરણ જોવા મળે છે. અખબારો, ટેલિવિઝન, સોશ્યલ મીડિયા, જ્યાં જૂઓ ત્યાં માત્ર યુધ્ધની વાતો ચાલતી રહે છે. લોકોને લડાઈ-ઝગડા સિવાયની વાતો જ ખુશ કરી શકે. તેના માટે મારી છેલ્લે આવેલી ફિલ્મ સમયોચિત ગણાય.

