Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : As she entered the golden phase of her career with Imtiaz Ali's film, Sharwari spoke her heart out!

ઇમ્તિયાઝ અલીની ફિલ્મથી કરિયરના સુવર્ણ તબક્કામાં પ્રવેશેતાં જ શર્વરીએ જણાવી તેના દિલની વાત!

Timeછેલ્લું અપડેટ : 26 Jun 2026
લાઇવ ટીવીGoogle News
ઇમ્તિયાઝ અલીની ફિલ્મથી કરિયરના સુવર્ણ તબક્કામાં પ્રવેશેતાં જ શર્વરીએ જણાવી તેના દિલની વાત!
સોર્સ : GSTV

'હું આંતરસ્ફૂરણાને જ પ્રાધાન્ય આપું છું. સેટ પર દિગ્દર્શક તથા સહકલાકારો સાથે વિતાવેલો સમય અતિ મૂલ્યવાન હોય છે. પેકઅપ થઈ ગયા પછી પણ કેટલીય વાર હું મારા કિરદારમાંથી બહાર આવી શકતી નથી…'

App Store


શર્વરી માટે 'મૈં વાપસ આઉંગા' ફિલ્મોગ્રાફીમાં માત્ર એક ઉમેરો નથી, પરંતુ તેનાથી ઘણું વિશેષ છે. જે ક્ષણે તેણે ઇમ્તિયાઝ અલીની આ ફિલ્મની પટકથા સાંભળી, તે જ ક્ષણે આ સફરનો હિસ્સો બનવાનું નક્કી કરી લીધું હતું. તેને ડર હતો કે ક્યાંક આ સુવર્ણ તક એના હાથમાંથી સરી ન જાય. શર્વરીના મતે, આવી દમદાર લાગણીસભર ફિલ્મને ના પાડવી એના માટે અશક્ય હતી.


'મૈં વાપસ આઉંગા'નું પશ્ચાદભૂ અખંડ ભારતના ભાગલા સમયના પંજાબ પર આધારિત છે. વાત બે પ્રેમીઓની છે. ઇતિહાસની ભીષણ ઉથલપાથલ વચ્ચે તેમનો સંબંધ કેવા વળાંકો લે છે તે આ ફિલ્મમાં આલેખાયું છે. ફિલ્મમાં શર્વરી વેદાંગ રૈનાની સામે મુખ્ય ભૂમિકામાં છે. મોટી રાજકીય કટોકટીઓ વચ્ચે પણ પ્રેમ પાંગરી શકે છે અને પાંગરી ચૂકેલો પ્રેમ અધૂરો પણ રહી શકે છે, તે વાત આ ફિલ્મના કથાનકનું કેન્દ્ર છે.


હોમવર્કના ભાગરુપે શર્વરીએ પોતાની મમ્મી સાથે અમૃતસરના 'પાર્ટીશન મ્યુઝિયમ'ની મુલાકાત લીધી હતી. આ મુલાકાતને કારણે ઐતિહાસિક વાતાવરણને નજીકથી અનુભવવામાં ઘણી મદદ મળી.


શર્વરીની કાર્યશૈલીની સૌથી મોટી વિશેષતા એ છે કે તે પોતાની પસંદગી પર બોલિવુડની રૂઢિગત અપેક્ષાઓને હાવી થવા નથી દેતી. નવોદિત કલાકારોને બોક્સ ઓફિસની દ્રષ્ટિએ 'સેફ' પ્રોજેક્ટ્સ પસંદ કરવાની સલાહ અપાતી હોય છે, પણ શર્વરી પોતાની આંતરસ્ફૂરણાને જ પ્રાધાન્ય આપે છે. શર્વરી માને છે કે ફિલ્મ નિર્માણનો અનુભવ અને સેટ પર દિગ્દર્શક તથા સહ-કલાકારો સાથે વિતાવેલા મહિનાઓ અંતિમ પરિણામ જેટલા જ કિંમતી છે. તે સર્જનાત્મક પ્રક્રિયા દરમિયાન બંધાતા સંબંધોના મૂલ્યને સુપેરે સમજે છે. ઘણીવાર શૂટિંગ પૂરું થયા પછી પણ પોતાના કિરદારમાંથી બહાર નીકળવું એના માટે અઘરું બની જાય છે, કારણ કે તે એ કાલ્પનિક વિશ્વમાં ઓતપ્રોત થઈ ચૂકી હોય છે.


શર્વરીને 'મૈં વાપસ આઉંગા'નું રોમેન્ટિક ગીત 'મસ્કારા' ખૂબ પસંદ છે. પ્રમોશન દરમિયાન એણે એક વીડિયો સોશિયલ મિડીયા પર શેર કર્યો હતો, જેમાં એ કાળા રંગના પોશાકમાં સજ્જ થઈને, પિયાનો પાસે બેસીને વેદાંગ રૈનાના પાત્ર સાથે આ ગીત પર પર્ફોર્મ કર્યું હતું. એના ચાહકોને આ વીડિયો જોઈને મજા પડી ગઈ હતી. વેદાંગ રૈના અને નિલંજના ઘોષના કંઠે ગવાયેલું આ ગીત યુવા પ્રેમના ભાવોને આબેહૂબ ઝીલે છે.


ફિલ્મમાં શર્વરીનું પાત્ર જિયા અત્યંત રમતિયાળ, ઉર્જાવાન અને ચંચળ છે. તે પોતાની લાગણીઓ વ્યક્ત કરતી વખતે ગભરાટભરી ઉત્તેજનાને આત્મવિશ્વાસ અને આકર્ષણમાં ફેરવી નાખે છે. તેની સામે, વેદાંગનું પાત્ર ખૂબ શાંત છે, શરમાળ છે. બંને પાત્રોના અભિગમમાં રહેલો આ ફિલ્મનું એક ઇન્ટરેસ્ટિંગ પાસું છે.
છેલ્લાં થોડાં વરસોમાં શર્વરીની કારકિર્દીનો ગ્રાફ સતત ઉપર તરફ ગતિ કરતો રહ્યો છે. તેણે ફિલ્મ ઉદ્યોગમાં સહાયક દિગ્દર્શક તરીકે પ્રારંભ કર્યો હતો. સંજય લીલા ભણસાલી જેવા દિગ્ગજ ડિરેક્ટર સાથે એણે 'બાજીરાવ મસ્તાની'ના જુનિયર આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. લવ રંજન સાથે પણ કામ કર્યું હતું. ૨૦૨૦માં કબીર ખાનની વેબ સીરિઝ 'ધી ફરગોટન આર્મી - આઝાદી કે લિયે'થી અભિનય ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું. તે પછી યશરાજની 'બંટી ઔર બબલી-ટુ'માં મુખ્ય ભૂમિકામાં જોવા મળી. ૨૦૨૪ની હિટ હોરર-કોમેડી ફિલ્મ 'મુંજ્યા' દ્વારા તેણે દેશભરના પ્રેક્ષકોનું ધ્યાન આકર્ષિત કર્યું.


'મૈં વાપસ આઉંગા' સાથે શર્વરી હવે કરીઅરના મહત્ત્વના તબક્કામાં પ્રવેશી ચૂકી છે. આ ફિલ્મમાં એને નસીરુદ્દીન શાહ જેવા પાવરહાઉસ કલાકારનો સાથ મળ્યો છે. અલબત્ત, નસીર સાથે શર્વરીએ સીન શૂટ કરવાના નહોતા, કેમ કે શર્વરીનું પાત્ર નસીરના કિરદારના સ્મરણોમાં વસે છે.


આ ફિલ્મ ઇમ્તિયાઝ અલીની આગલી કેટલીક ફિલ્મો જેટલી ધમાકેદાર ભલે ન હોય, ભલે તેનો ફર્સ્ટ હાફ નબળો હોય, પણ સમગ્રપણે આ ફિલ્મ અસરકારક સાબિત થઈ છે. લોકોને નસીરુદ્દીન શાહ, દિલજિત દોસાંજ અને વેદાંગ રૈનાની સાથે સાથે શર્વરીનું પર્ફોર્મન્સ પણ ખૂબ ગમ્યું છે.


ચાલો, 'મૈં વાપસ આઉંગા' તો રિલીઝ થઈ ગઈ. હવે શું? શર્વરી ત્રણ મહત્ત્વની કહી શકાય તેવી ફિલ્મોમાં દેખાવાની છે - યશરાજ બેનરની 'આલ્ફા', સૂરજ બડજાત્યાની 'યહ પ્રેમ મોલ લિયા' અને અલી અબ્બાસ ઝફરની એક ફિલ્મ. તેની ફિલ્મોની વૈવિધ્યસભર યાદી દર્શાવે છે કે તેને એક જ પ્રકારની ભૂમિકાઓ કરતા રહેવામાં રસ નથી.
બહોત અચ્છે, શર્વરી.