મુખ્ય સામગ્રી પર જાઓ
મેગેઝિન

જ્યાં પથ્થર પણ બદામી રંગે રંગાયા: બદામી ગુફા મંદિરનો અજોડ ઇતિહાસ

- રસવલ્લરી-સુધા ભટ્ટ પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર ભારતની ગુફાઓના નિર્દેશ કર્યા પછી ચાલો, દક્ષિણ ભારતની ગુફાઓ જે પર્વતો

જ્યાં પથ્થર પણ બદામી રંગે રંગાયા: બદામી ગુફા મંદિરનો અજોડ ઇતિહાસ
આ સમાચાર સાંભળો

- રસવલ્લરી-સુધા ભટ્ટ

પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર ભારતની ગુફાઓના નિર્દેશ કર્યા પછી ચાલો, દક્ષિણ ભારતની ગુફાઓ જે પર્વતો ઉપર રાજ કરે છે એ ધરતીને ધમરોળીએ. હા, એને માટે ઈતિહાસની કેડી પર પાછળ છૂટી ગયેલા સમયને જાણીએ ને ! ચાલો, કુદરતી સૌંદર્ય અને કળારાણીના ચારે હાથ જેના માથા પર છે એવા કર્ણાટક રાજ્યના સ્થાપત્ય, શિલ્પ અને ચિત્રના મહામૂલા વારસા અંગે વિચારવિમર્શ કરીએ. કહેવાય છે કે... ના-ના... સાબિત થયેલું છે કે આ એ જ ક્ષેત્ર છે જ્યાં દેશમાં સૌ પ્રથમ સ્વયમ સંપૂર્ણ, વૈવિધ્યપૂર્ણ, સ્થાપત્ય શૈલી અને શિલ્પ વૈભવની શરણાઈઓ ગુંજેલી. છઠ્ઠી સદીના આરંભકાળે અહીં ચાલુક્ય વંશના આધાર સ્તંભ જેવા રાજાઓએ કલાત્મક, સુંદરતમ ધાર્મિક સ્મારકોના પાયા નાખીને એને આખરી રૂપ - સ્વરૂપ અપાવ્યાં હતા. ડેક્કન એટલે કે દખ્ખણ પ્રદેશમાં રેતિયા પથ્થરોનાં બેલા (મોટા એકમવાળા પથ્થરો) પર્વતોની હારમાળા વચ્ચેથી જાણે કે ડોકિયાં કરતાં હતા. અતિ દર્શનીય ખડકો જોવાલાયક સ્થળો જેવા બની જઈ રસિકોને આકર્ષતા. 'રોક કટ' સહ બાંધકામની ટેકનિક વિકસાવી પેલા પૂર્વ સૂરિઓએ આનંદિત કરી દેતી કુદરત વચ્ચે પથ્થરોને કોતરાવી પર્વતીય ગુફાઓમાં મંદિરો બનાવી હિંદુ, જૈન અને બૌદ્ધ ધર્મના મહારથીઓનાં વિશાળ, અમુલખ, પ્રભાવી, અસરકર્તા શિલ્પોની સ્થાપના કરાવી. ખળખળ વહેતાં નૈસર્ગિક ઝરણાઓનાં સંગીત વચ્ચે આ અદ્વિતીય સ્થાપત્યો સ્વયમ્ મહાલવા લાગ્યાં. આ વિસ્તાર હતો ઉત્તર કર્ણાટકનો આજના સમયનો બાગલકોટ જિલ્લાનો. માનવજાતને માલામાલ કરતી લોકમાતા નદી 'માલપ્રભા' અહીં વહે. સોડમાં વસેલા ગામ બદામી, આઈહોલ અને પટ્ટડકલ ગામમાં આજે પણ પ્રાચીનતમ અવશેષો એના પૂર્વ જીવનના સુવર્ણકાળની ગાથા ગાય છે.

બદામીની ગુફાઓને યુનેસ્કોએ ૧૯૬૭માં 'હેરિટેજ'નો દરજ્જો આપ્યો

માલપ્રભા નદીનો પચીસ કિ.મી.નો ખીણવાળો હિસ્સો અને કિનારો ઉત્તરથી પૂર્વ તરફનો રૂટ ધરાવે છે. ખીણને જાણે રેતિયા પથ્થરનો કિલ્લો મળ્યો છે ! બદામી, આઈહોલ અને પટ્ટડકલ - ત્રણે સ્થળે રેતિયા પથ્થરો (સેન્ડ સ્ટોન)નાં સ્થાપત્યો છે જે સમય સાથે સ્વાભાવિકપણે છિદ્રાળુ થતા જાય છે. પ્રસ્તુત પથ્થરોની ઊભી-પહોળી ભૂશિરથી બનતાં ફૂમતાં - ઝાલરની કિનાર અપ્રતીમ છે. આવા સ્થળે ચાલુક્ય રાજવંશે અહીં કિલ્લા અને બુરજો પણ બનાવડાવ્યાં. તેમના અનુગામીઓ તેમને અનુસર્યા. આરંભે ચાલુક્ય વંશનું પાટનગર હતું બદામી. અહીંથી મળેલા અવશેષો પર પશુ, પંખી, માનવીઓનાં ચિત્રો પ્રાકૃતિક ખડકોના આશ્રય સ્થાનોમાંથી મળી આવ્યાં. બદામી અહીંનું સૌથી મોટું ગામ એ સમયે હતું જેની નિશ્રામાં નાનાં ગામો - આઈહોલ, પટ્ટડકલ, હુલિ જેમ્મીન કોલા ઈત્યાદિ પોષાયા. આ સ્થળે 'અગસ્ત્ય તીર્થ' નામનું સુંદર માનવસર્જિત સરોવર છે - જે પહાડોના અંકમાં નિરાંતે શ્વસે છે. આ સ્થળે પહાડમાં અક્કા-તંગી (નાની બહેન - મોટી બહેન) નામે એક જળપ્રપાત પણ છે. પીળા, લાલ રંગના પથ્થરો પહાડના રંગને બદામી ઝાંય બક્ષે છે જે ગામના નામને સાર્થક કરે છે. તળાવને કિનારે લીલાંછમ્મ વરસાદી પાણી પાસે રેતિયા પથ્થરનો ઘોડાની નાળના આકારનો પાળો પણ છે. સ્થાનિકો પર્વતોની આ ખૂબસૂરત હારમાળાને ગૌરવથી 'હિમાલયન રેઈન્જ' કહીને જાણે કે વ્હાલ કરે છે ! આ શ્રેણીના શોધકનું નામ 'પુલકેશિન' છે એવું જાણવા મળે છે. પર્વત ઉપરની કિલ્લેબંધીને કારણે બદામીના લોકો ગામને ''વાતાપિ'' કહે છે - લગભગ ૫૪૪ના સમયથી. બદામીએ જ એના ઘેરા પથ્થરોની રક્ષા કરેલી. બદામીમાં પ્રવેશતાં જ કિલ્લાની દક્ષિણે ચાર ''રોક કટ'' સ્મારકો તરફ પ્રયાણ કરાય.

હિંદીમાં ''ગુહા દેવાલય'' તરીકે પ્રસિદ્ધ

પ્રસ્તુત સ્મારકોને ગુફામંદિરો કહેવાય છે. ચાલુક્ય રાજવંશના આરંભનું આ સાહસ ઘરેણું ખડકની ઊભી ધાર ઉપર હજારો વર્ષોથી ઊભું છે. બદામી, આઈહોલ અને પટ્ટડકલ 

મંદિરોની શૈલી અલબત્ત, દ્રવિડિયન છે પરંતુ એ 'મલ્ટિપલ' - બહુવિધ મંદિરોના અને શિલ્પોના સમૂહને કારણે દેશમાં અલગ પ્રકારની શૈલી તરીકે ઓળખાયું. 'માલપ્રભા' વિસ્તારમાં આ રચના અજોડ છે જે ભારતમાં કોઈ અન્ય સ્થળે નથી. દ્રવિડ અને નાગર (ઉત્તર અને પશ્ચિમ ભારત) શૈલીનું સંમિક્ષણ આ સ્થળને ખાસ નોંધપાત્ર શ્રીસ્થળ તરીકેની ઓળખ આપે છે. આ એક 'હાઈબ્રીડ' શૈલી કર્ણાટક સ્ટાઇલ અને માલપ્રભા સ્ટાઇલ તરીકે પણ જાણીતી થઈ - વખણાઈ. આ દેવાલયને 'મેણબસદિ' પણ કહેવાયાં. પહાડ પર રહેનાર 'મેગણ' કે 'મેલણ' તરીકે જાણીતા થયા. મોટા પથ્થરો 'અખંડ મહાચટ્ટાન'ને કોરીને - કાપીને આ મંદિરોનાં નિર્માણ થયા હતા. 'સર્વધર્મ સમાનતા'માં માનતા ચાલુક્ય રાજાઓએ સર્વે સંસ્કૃતિ અને કળાનાં અહીં સંગમ ક્ષેત્રો રચ્યાં. સર્વે ધર્મના સાધુ-સંતોના જપ-તપ-સાધનાને કારણે આ સ્થાન સુંદર નિસર્ગધામ કે નિર્મળ સ્થળ બની રહ્યું અને પવિત્ર તો ખરું જ. ટેકનિકલ જ્ઞાન સંદર્ભે અહીંની વિશિષ્ટ શિલ્પકળાને નિખાર મળ્યો છે એવું અનુભવાય. દક્ષિણ ભારતનાં આ મંદિરો સ્થાપત્ય વિશ્વના અદ્ભુત અને આદર્શ નમૂના છે. બદામીનાં ચાર ગુફા મંદિરો છે જે પર્વતની ધારે છે. જેમાં સ્તંભો, મોભ પાટડો (બીમ) અને કાટખૂણે પોખરો (બ્રેકેટ) એક સમાન છે - એકબીજાને મળતા આવે છે. સળંગ બધી જ આ રચનાઓ એક શિલા (મોનોલિથિક) કૃતિ - અખંડતાનો અહેસાસ કરાવે છે. શરૂ કરીએ ?

લસરકો :

ચાલુક્ય પૂર્વે માલપ્રભા નદી કાંઠા આસપાસ સાબરપડી અને રંગનાથ પહાડો પાસેથી પ્રાચીન શિલાની કુહાડી, સૂક્ષ્મ શિલાયુગનાં વર્ણચિત્રો મળી આવ્યાં છે - એટલે કે આ સંસ્કૃતિ અત્યંત પ્રાચીન છે.

ગુફા મંદિરોમાં કલા અને આસ્થાનાં આવર્તનો

ધર્મની વૈશ્વિક પરિભાષામાં ધર્મસ્થાનનું મહત્વ ઝાઝેરું છે. ભારત દેશમાં ધર્મસ્થાનોની સંખ્યા ગણવી અઘરી છે. ધારો કે મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા, ગિરજાઘર (ચર્ચ)ના વિશાળ વૈવિધ્યપૂર્ણ સ્થાપત્યોની ગણતરી કરવા માંડીએ તો એક ચક્ર લાંબા સમયે માંડ પૂરું થાય ત્યાં તો એમાં અનેક શ્રધ્ધાસ્થાનો ઉમેરાઈ ગયા હોય. એ જરૂરી નથી કે સ્થાપત્ય એટલે ધર્મસ્થાન જ ! સ્થાપત્યો અંગે સર્વેક્ષણ કરીએ તો એમા મહાલયો, મિનારાઓ, મહેલો, પુલ, શૈક્ષણિક સંસ્થાઓ, સંગ્રહાલયો, રંગમંચ ધરાવતા થિયેટર્સ, સભાખંડો, કચેરીઓ, પ્રયોગશાળા, પુસ્તકાલયો, અખાડાઓ, કલાવીથિકા, નાના મોટા વિધવિધ મકાનો, હોસ્પિટલો, સ્ટેશનો, એરપોર્ટ, બસ સ્ટેન્ડ અને ઘણાં ઘણાં ઉદાહરણો ઉમેરી શકાય. રસપ્રદ વાત તો એ છે કે જ્યારે જ્યારે પ્રાચીન સ્થાપત્યો અંગે ચર્ચા છેડાઈ જાય ત્યારે ત્યારે એમાં અચુક ધાર્મિક સ્થાપત્યોના માન-મોભા વધી જાય. હવે, ઉદાહરણ તરીકે-ગુફાનો સંદર્ભ નીકળે ત્યારે તેની કુદરતી રચના અંગે આપણું ધ્યાન દોરાય. સમયના ઘસારા સાથે પર્વતીય દરેક શ્રેણીમાં નાની, મોટી, ઊંડી, છીછરી અને ખૂબ ઊંચાઈ પર પણ એના દાખલા મળી જાય. તો, એ બધાં લક્ષણો અનુસાર ત્યાં સુધી પહોંચવાની શક્યતાઓનો પ્રશ્ન જરૂર ઊભો થાય. પરિણામે, એક વાસ્તવિકતા અવશ્ય આપણી સમક્ષ આવે કે ગુફા અને ગુફા સ્થિત મંદિરો સુધી આપણે પહોંચવું હોય તો અધધધ... પગથિયા ચડવા પડે. (અહીં રોપ-વે શબ્દ અસ્થાને છે.) દેશની પર્યટન મિત્ર ગુફાઓ ગણીએ તો સૌ એલિફન્ટા, અજંતા-ઈલોરા, ખંભાલીડા, ટાબો, ઉદયગિરિ, ખંડગિરિ આદિ ગુફાઓ ગણાવે. બાકી, હિમાલય સ્થિત ગુફાઓનો પાર નથી. મોટે ભાગે ગુફાઓમાં શિલ્પો અને ચિત્રો મળી આવે. બાકી, ગુફામાં જપ-તપ-સાધના સારુ જવું હોય તો હજી સુધી એનાં ભાડાં અંગેના કોઈ વાવડ મળ્યા નથી.

આ સમાચાર શેર કરો