સફળતા ટકાવવાનો રાજમાર્ગ: શિસ્ત, સદાચાર અને ધીરજ
દેવર્ષિ નારદના મનમાં ઘણા સમયથી એક પ્રશ્ન ઘોળાતો હતો. ઘણો વિચાર કરવા છતાં મૂઝવણ દૂર થતી નહોતી. અસુરોના ગુરૂ શુક્રાચાર્ય હતા.

દેવર્ષિ નારદના મનમાં ઘણા સમયથી એક પ્રશ્ન ઘોળાતો હતો. ઘણો વિચાર કરવા છતાં મૂઝવણ દૂર થતી નહોતી. અસુરોના ગુરૂ શુક્રાચાર્ય હતા. તેમણે કાશી જઈને ભગવાન શંકરની આરાધના શરૂ કરી. તે એક પાર્થિવ શિવલિંગની સ્થાપના કરી તેની પૂજા અને સ્તુતિ કરતા. શુક્રાચાર્યએ અખંડ ઘોર તપશ્ચર્યા કરી. વર્ષો વીતી ગયાં. ભગવાન શંકર પ્રસન્ન થયા. પ્રગટ થઈ દર્શન આપ્યાં. તેમણે વરદાન માંગવા કહ્યું. શુક્રાચાર્યએ સંજીવની વિદ્યા માંગી. સંજીવની વિદ્યા એટલે મરેલાને પણ જીવતા કરે એવી વિદ્યા !! ભગવાન શંકરે કહ્યું, 'તમે મારા માટે અખંડ તપ કર્યું છે, હું પ્રસન્ન થયો છું. તમને મારા બે પુત્રો જેવા જ માનું છું. હું તમારી ઇચ્છા જરૂર પૂરી કરીશ. તમે આ જ શરીરે મારા પેટમાં જઈ મારા જ પુત્ર રૂપે જન્મ લેશો. જન્મતાં જ તમને સંજીવની વિદ્યા પ્રાપ્ત થઈ જશે. અને તમે સ્થાપેલું આ શિવલિંગ 'શુક્રેશ' નામે પ્રસિદ્ધ થશે. એવું કહેવાય છે કે એ 'શુક્રેશ શિવલિંગ આજે પણ કાશીમાં પૂજાય છે.
સંજીવની વિદ્યા પ્રાપ્ત થતાં જ અસુરો ઉદ્ધત થઈ ગયા. ચારે તરફ તેમનો આતંક ફેલાઈ ગયો. તેઓ કારણ વગર ગમે તેની સાથે યુદ્ધ કરતા. ધરતી ઉપર તો તેમણે ભય ફેલાવ્યો જ હરતો હવે તે સ્વર્ગના દેવતાઓને રંજાડવા લાગ્યા. સ્વર્ગ પર ચઢાઈ કરી દેવતાઓ સાથે યુદ્ધ કરતા. સંજીવની વિદ્યાને લીધે દેવતાઓ થાકીને હારી જતા. સ્વર્ગ છોડીને જ્યાં આશરો મળે ત્યાં છૂપાઈ જતા. પણ તે નાસિપાસ ના થતા. થોડા જ સમયમાં કોઈ યુક્તિ કરી અસુરોને હરાવી ઇન્દ્રાસન પાછું મેળવી લેતા. આવું અનેકવાર બનતું. અસુરો દેવતાઓને હરાવી ઇન્દ્રાસન મેળવી તો લેતા પણ તેમની જીવનશૈલીને લીધે તે વારંવાર હારી જતા.
નારદજીને આ વાત જ મૂંઝવતી હતી. અસુરો વારંવાર દેવાતાઓ સાથે યુદ્ધ કરી સ્વર્ગનું ઇન્દ્રાસન મેળવતા તો હતા પણ તેઓ લાંબા સમય સુધી ઇન્દ્રાસનની ગાદી સંભાળી શકતા નહોતા. તેઓ શક્તિશાળી હતા, ઝનૂની હતા, સંજીવની વિદ્યા પણ હતી છતાં ઇન્દ્રાસન લાંબા સમય સુધી તેમના હાથમાં રહેતું નહિ. આવું કેમ થતું હતું ? નારદજી પોતાની મૂંઝવણ લઈ બ્રહ્માજી પાસે પહોંચ્યા. પોતાની જિજ્ઞાસા રજૂ કરી. 'હે તાત, અસુરો સ્વર્ગનું ઇન્દ્રાસન જીત્યા પછી પણ ત્યાં લાંબા સમય સુધી ટકતા કેમ નથી ?' બ્રહ્માજીએ કહ્યું, 'વત્સ, અસુર હોય, દેવતા હોય કે માણસ - તે પોતાના બળથી, કળથી, ખંતથી, લગનથી કે ઉત્સાહ કે આવડતથી - સંપત્તિ, પ્રતિભા, પદ કે આદરણીય સ્થાન પ્રાપ્ત કરી તો લે છે પણ પછી તે તેના ઉપભોગમાં સદાચાર, શિસ્ત અને સંયમ ખોઈ બેસે છે. મળેલી જીતનો નશો તેને વિલાસી બનાવી દે છે. ઠેઠ ટોચ પર પહોંચ્યા પછીનું જીવન આવી વ્યક્તિ માટે પડકારજનક સાબિત થાય છે. અસુરોની જીત પછીનું જીવન ઐયાશીભર્યું હતું. તે જીતના નશામાં ફરી ફરી હારતા હતા. તેમની જીત સંયમ અને શિસ્ત સામે હારી જતી.'
સફળતા રાતોરાત નથી મળતી. કોઈપણ ક્ષેત્રમાં શિખર સુધી પહોંચવા માટે પ્રતિભાની સાથે શિસ્ત અને સંસ્કારની જરૂર છે. પ્રતિભાશાળી માણસ ગમે તેવા સંજોગોમાં ભીતર સંગોપાયેલા સંસ્કારોની ગુણવત્તાને લીધે લક્ષ્ય સુધી પહોંચી શકે છે. તે નાની નાની તકલીફો પાછળ સમય વેડફી ધ્યેયથી વિચલિત થતો નથી. નિષ્ફળતામાં ય તે ઉશ્કેરાયા વગર શાંત રહે છે. ગમે તેટલા વિરોધ વખતે તે જાણે છે કે વર્ષાઋતુમાં દેડકાઓ ડ્રાંઉં... ડ્રાંઉં... કરતા હોય ત્યારે કોયલ ટહુકા કર્યા વગર સંયમ રાખી મૌન રહે છે. પ્રતિભાને ફળદાયી અને લીલીછમ્મ રાખવા તેનાં બી અથાક મહેનત કરી મનમાં ઊંડા સ્તરે સંયમનું ખાતર નાખી વાવવાં પડે છે. સંસ્કારની શરૂઆત બાળપણથી થાય છે.
ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલ એક સંસ્કારી યુવકે નાણાંકીય તંગીને કારણે તાત્કાલિક બાજુના ગામમાં શિક્ષક તરીકે નોકરી સ્વીકારી. તે શિક્ષણની સાથે બાળકોને નૈતિકતાના પાઠ પણ ભણાવતો. એકવાર તેના જન્મદિવસે તે બાળકો માટે ચોકલેટનો ડબ્બો લઈને ક્લાસમાં આવ્યો. તે ડબ્બો ખોલી ચોકલેટ વહેંચવા જતો હતો ત્યાં જ પટાવાળો આવ્યો, 'સર, પ્રિન્સિપાલ સાહેબ આપને બોલાવે છે.' તેણે બાળકોને કહ્યું, 'જુઓ, ખરેખર હું મારા હાથે તમને ચોકલેટ આપવા માંગતો હતો, પણ પ્રિન્સિપાલ સાહેબ બોલાવે છે એટલે મારે જવું તો પડશે. હવે તમે ઇચ્છો તો જાતે ચોકલેટ લઈ શકો છો. નહીં તો હું પાછો આવીને મારા હાથે તમને ચોકલેટ ખવડાવીશ.' મોટાભાગના બાળકોએ ચોકલેટ જાતે લઈ ખાઈ લીધી. ફક્ત ચાર જ વિદ્યાર્થીઓએ શિક્ષકના આવવાની રાહ જોઈએ. શિક્ષકે પાછા આવી એ ચારેયને પ્રેમથી ચોકલેટ ખવડાવી. આ શિક્ષક યુવક આગળ જતાં શહેરની નામાંકિત કોલેજમાં પ્રિન્સિપાલ બન્યો. એકવાર અચાનક એ ચાર વિદ્યાર્થીઓને ચોકલેટ ખવડાવી હતી તેમાંના બે વિદ્યાર્થી મળી ગયા. તેઓ ઉચ્ચપદે સેવા આપી રહ્યા હતા. તેમની સામેના બીજા બે સફળ બિઝનેસમેન હતા. બાકીનામાંથી થોડા જ આગળ વધીને સામાન્ય જિંદગી જીવતા હતા. આ ઘટના સંયમ અને સંસ્કારની મહત્તા દર્શાવે છે. જે સંયમનું મૂલ્ય સમજે છે તેની પ્રતિભા ખીલતી રહે છે.
સામાન્ય માણસમાં સહનશીલતાની એક મર્યાદા હોય છે. અમુક હદથી આગળ તેનો ઉશ્કેરાટ કાબૂમાં રહેતો નથી. બાંધી રાખેલા સદ્ગુણો મુઠ્ઠીમાંથી રેતી સરે એમ, સરી જાય છે. લીધેલો સંકલ્પ 'અહમ્'ને ઠેસ વાગતાં જ ચૂરચૂર થઈ જાય છે. એવામાં કોઈ વિરલો જ સંયમના રક્ષણની ઢાલ શોધી પોતાનું વ્યક્તિત્વ સલામત રાખે છે. ઉછીની કે ઉપરછલ્લી સફળતા ક્યારેક ટકતી નથી.
સચિન તેંદુલકર અને વિનોદ કાંબલીએ લગભગ એકસાથે ક્રિકેટની શરૂઆત કરી હતી. કાંબલી તેની વિલાસી જીવનશૈલીનો શિકાર થઈ ગયો. તેની પ્રતિભા ટૂંકાઈ ગઈ. જ્યારે સચિન મેદાન બહાર પણ ચેમ્પિયન રહ્યો. શિખર પર પહોંચીને પણ તે સંસ્કારી, સદાચારી અને સંયમી રહ્યો. જ્યારે રાજ્ય સભાના સભ્ય તરીકે સરકારે તેને બંગલો ફાળવ્યો ત્યારે સવિનય સ્વીકારવાનો ઇન્કાર કર્યો. એક અગ્રણી શરાબ ઉત્પાદક કંપનીની જાહેરાત માટે વીસ કરોડ રૂપિયાની ઓફર પણ ઠુકરાવી હતી. પોતાના બાળપણના કોચ રમાકાંત આચરેકરમાં ભગવાનની માફક શ્રદ્ધા રાખી તેમનો આદર કરતો. ફક્ત પ્રતિભા હોવી પૂરતું નથી. એને દિવસે દિવસે વિકસાવવી પડે છે. ફૂલની સુગંધ તો પવનની દિશામાં જ ફેલાય છે પણ સફળતાના શિખર પર પહોંચેલા માણસની સુગંધ દરેક દિશામાં ફેલાય છે. જેનામાં સંયમ છે એની જ સફળતા ટકે છે.
- સુરેન્દ્ર શાહ








