સ્વાધ્યાય, સંયમ અને ગુરુભક્તિથી શોભતું આચાર્ય શ્રી સૂર્યોદયસૂરીશ્વરજી મહારાજનું અલૌકિક વ્યક્તિત્વ
અમૃતની અંજલિ- આચાર્ય વિજયરા

અમૃતની અંજલિ- આચાર્ય વિજયરાજરત્નસૂરિ
જૈન પરંપરા હો કે ભારતીય સંસ્કૃતિની કોઈ પણ આસ્તિક પરંપરા હો : એમાં ગુરુતત્ત્વનું મહત્ત્વ અદ્ભુતરૂપે પ્રસ્થાપિત કરાયું હોય છે. જૈન પરંપરાની વાત કરીએ તો એમાં 'તિત્થયરસમો સૂરિ' પંક્તિ દ્વારા ગુરુદેવને- આચાર્યદેવને સાક્ષાત્ તીર્થકરભગવાનતુલ્ય દર્શાવાયા છે, તો ક્યાંક 'તત્ત્વેષુ સર્વેષુ ગુરુ:પ્રાધાનમ્' જેવી પંક્તિ દ્વારા ગુરુતત્ત્વને ભગવત્તત્વ કરતા ય અગ્રિમતા અપાઈ છે. જો કે આ બંને રજૂઆતમાં અમૂક ચોક્કસ અપેક્ષાઓ સમાવિષ્ટ છે. આપણે એનો સાર એ સમજવાનો કે ગુરુતત્ત્વ વિદ્યમાન વિશ્વનું સર્વોત્કૃષ્ટ બહુમાનપાત્ર જીવંત તત્ત્વ છે.
ગુરુતત્ત્વની આ મહત્તાને હૈયે વસાવી, આ જેઠ વદિ-૩ તા ૩-૭-૨૦૨૬ના જેઓશ્રીની અગિયારમી પુણ્યતિથિ છે તે દિવગંત ગુરુદેવ પ્રૌઢપ્રભાવશાળી પરમશાસનપ્રભાવક આચાર્યપ્રવર શ્રી સૂર્યોદયસૂરીશ્વરજી મહારાજના જીવનની ગુણમંડિત વિશેષતાનાં આપણે દર્શન કરીશું. પહેલા નિહાળીશું એમના જીવનની વિગતલક્ષી વિશેષતાઓ અને પછી નિહાળીશું એમનો એક વિશિષ્ટ ગુણ.
વિ.સં.૧૯૮૮માં ગુજરાતના પ્રાચીન દર્ભાવતી-ડભોઈતીર્થ ધર્મશ્રીમંત- ગર્ભશ્રીમંત પરિવારમાં જન્મ, બાર વર્ષની વયે યુગદિવાકર આ.ભ.શ્રી ધર્મસૂરીશ્વરજી મહારાજના પરિચયથી ચારિત્રના મનોરથ, એ સાકાર કરવા બારમાં વર્ષે ઘરેથી સત્તર સત્તર વાર ભાગીને ગુરુનિશ્રામાં પહોંચી જવાનું પરાક્રમ, અંતે ચાર વર્ષના ગુરુકુલવાસ બાદ વિ.સં.૨૦૦૪માં ગુપ્ત દીક્ષા, દીક્ષા બાદ પ્રબળ અભ્યાસ સાથે કલકત્તા યુનિવર્સીટીના ન્યાય-વ્યાકરણ- સાહિત્યની નવે નવ પરીક્ષામાં ફર્સ્ટ કલાસ ફર્સ્ટ ઉત્તીર્ણ થઈ ન્યાય-વ્યાકરણ- સાહિત્યતીર્થ પદવી પ્રાપ્તિ, પ્રાકરણિક-કાર્મગ્રન્થિક-આગમિક મૂળગ્રન્થો અને સંસ્કૃત-પ્રાકૃત ટીકાઓનો ગહન અભ્યાસ, એના દ્વારા પ્રકાંડ વિદ્વત્તા, યુગદિવાકરગુરુદેવનાં જીવનના અંતિમ શ્વાસ સુધી અર્થાત્ (૩૪+૪) ૩૮ વર્ષ અખંડ ગુરુકુલવાસ યુગદિવાકરશ્રીનાં શાસનકાર્યોમાં તન-મન-જીવનની તમામ શક્તિઓના વિનિયોગ દ્વારા અનુપમ ગુરુભક્તિ, ગુરુદેવની હયાતિ બાદ સ્વતન્ત્ર શાસનપ્રભાવનાઓમાં ૮૪ જિનાલય+ ઉપાશ્રયનિર્માણ-૮૦ પ્રતિષ્ઠાઓ-૧૯ અંજનશલાકાઓ-૧૫ પદયાત્રા સંઘો-૨૦ ઉપધાનતપ- જન્મભૂમિ દર્ભાવતીર્થનો રૂ.૧૩ ક્રોડના ખર્ચે સર્વાગીણ ઉદ્વાર, ધર્મધામનાગેશ્વરપાર્શ્વતીર્થના વિરાટ સર્જનાદિ અઢળક ધર્મકાર્યો, શતાધિક સંયમીઓનું યોગક્ષેમ, શિષ્યો સાથે કુલ ૧૧૧ ગ્રન્થો-પુસ્તકોનું પ્રકાશન, ૪૭ દીક્ષાપ્રદાન, આચાર્યદિપપ્રદાન, સ્વજીવનમાં નિત્ય સૂરિમન્ત્રાદિ વિવિધ જાપ અને નવપદઓળી-વીશસ્થાનક ઓળી-૨૪ તીર્થકરતપ ઇત્યાદિ તપસાધના, ૬૮ વર્ષના સંયમપર્યાય અને ૮૪ વર્ષના જીવનપર્યાયના અંતે વિ.સં.૨૦૭૧માં કાલધર્મ, સવા લાખની માનવમેદની અને ૨૯ કિ.મી. દીર્ઘ સંપૂર્ણ પગપાળા પાલખીયાત્રા, ભાયંદર-બાવનજિનાલયતીર્થપરિસરમાં અંતિમ સંસ્કાર, ૫૪ સ્થળે ગુરુમંદિરનિર્માણ, સાતસો પેજના વિરાટ કદના તમે સૂરજ થઈને ચમક્યા' જીવનગ્રન્થનું અને સંસ્કૃત-ઇંગ્લીશ-ગુજરાતી અન્ય છ જીવનપુસ્તકોનું પ્રકાશન : આ છે એમનાં જીવનની વિગતલક્ષી ઝલક.
હવે આપણે વિચારીએ ગુણમંડિત ઝલક. અંતિમ બે વર્ષોથી તેઓશ્રીના આ પુણ્યદિને 'સ્' અક્ષરથી શરૂ થતી સાત ગુણોની મેઘધનુષી હારમાળાના એકેક ગુણ એકેક લેખમાં આલેખવાનો ઉપક્રમ રાખ્યો છે. તેમાં પૂર્વે સત્ત્વશીલતા અને સમર્પણશીલતાના ગુણોનું વિશ્લેષણ થઈ ચૂક્યું છે. આજના લેખમાં આપણે તેઓશ્રીની સ્વાધ્યાયનિષ્ઠાને પ્રસંગોના માધ્યમે નિહાળીશું :
(૧) જૈન આવશ્યકવિધિમાં શ્રમણનાં વિશેષણરૂપે પંક્તિઓ લખાઈ છે કે 'જ્ઞાનાદિગુણયુતાનાં, નિત્યં સ્વાધ્યાયસંયમરતાનામ્.' ભાવાર્થ કે શ્રમણ જ્ઞાનાદિ ગુણોથી યુક્ત હોય અને સદા ય સ્વાધ્યાયમાં-સંયમમાં રત હોય. આ વિશેષણ ગુરુદેવનાં જીવનમાં કેવું સાર્થક નિહાળવા મળતું હતું તેની પ્રથમ ઝલક પૂજ્યશ્રીની દીક્ષાના પ્રથમ વર્ષે નિહાળવા મળે છે. વિ.સં.૨૦૦૪. યુગદિવાકર પરમગુરુદેવે નૂતન બાલમુનિને કહ્યું : 'તમારે પક્ખીસૂત્ર બે દિવસમાં કંઠસ્થ કરી આપવું.' બાલમુનિએ ગુરુવચન તહત્તિ કર્યું અને બે દિવસમાં પક્ખીસૂત્ર કંઠસ્થ કર્યું. ભલે કેટલાક પાઠ સરખા હોય. પરંતુ પક્ખીસૂત્રની ગાથા ૩૫૦ ગણાય છે. વિશેષતા આ કંઠસ્થીકરણની પ્રક્રિયામાં એ હતી કે માત્ર દિવસના ભાગમાં જ અભ્યાસ કરવાનો, રાત્રે અભ્યાસ નહિ કરવાનો. બીજી વિશેષતા એ કે પક્ખીસૂત્ર પૂર્ણ કર્યું એ દિવસે એક પણ ભૂલ વિના કડકડાટ સંભળાવવાનું. આજે ક્યાંક નિહાળવા મળે છે તેમ માત્ર ઝડપનો 'રેકોર્ડ' કરવા કાચો પાઠ યાદ રાખીને ય ગમે તે રીતે પક્ખીસૂત્ર પૂરું કરવાની વાત એમાં ન હતી.
થોડા દિવસો બાદ યુગદિવાકરશ્રીએ ગુરુદેવને કહ્યું : 'હવે આ જ રીતે સતત પુરુષાર્થથી ગુણસ્થાનસમારોહસૂત્ર કરવાનું.' એ સૂત્રના શ્લોક ૧૩૫ હતા. પરંતુ એક પણ પાઠ સરખો નહિ. તમામ શ્લોક અલગ. છતાં ગુરુદેવે દોઢ દિવસમાં તમામ શ્લોક કંઠસ્થ કરી એક પણ ભૂલ વિના સંભળાવી દીધા ! આ હતી બાલ્યવયની એમની અભ્યાસલગન.
(૨) વિ.સં.૨૦૦૮. દીક્ષાના ચાર વર્ષ પૂર્ણ કરી તેઓ પાંચમા વર્ષમાં પ્રવેશી ચૂક્યા હતા. ત્યાં સુધીમાં તેઓએ 'સિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસનલઘુવૃત્તિ' આ સંસ્કૃત વ્યાકરણ કંઠસ્થ કરી લીધું હતું. બપોરની ગોચરી દૂર દૂર સુધી જવાનું નિત્ય થાય અને શ્રમણસમુદાય મોટો. એથી ગોચરીમાં દોઢથી બે કલાક થાય. નિત્ય તેઓ ગોચરી માટે ઉપાશ્રયના પગથિયાં ઉતરે ત્યારથી બિલકુલ મૌનપણે માનસ સ્વાધ્યાયરૂપે 'અર્હં…સિદ્ધિ : સ્યાદ્વાદાત્' આ પ્રથમ સૂત્રથી શરૂઆત કરે અને ગોચરીથી પરત આવતાં ઉપાશ્રયના પગથિયાં ચડે ત્યારે છેલ્લું ૩૫૬૬મું સૂત્ર આવે ! આ રીતે નિત્ય વૃત્તિરહિત માત્ર ૩૫૬૬ સૂત્રો એક ગોચરીચર્યામાં માનસ સ્વાધ્યાયરૂપે યાદ કરે. કેવી સ્મરણશક્તિ અને કેવી સ્વાધ્યાયલગન !
(૩) વિ.સં. ૨૦૧૨. તે પૂર્વેના અંતિમ ચાતુર્માસમાં ગુરુદેવ, યુગદિવાકરશ્રીહસ્તકના ઉપધાનતપ વગેરે શાસનપ્રભાવનાઓમાં વધુ સંલગ્ન થયા હોવાથી તે વર્ષની કલકત્તાયુરનિવર્સીટીની પરીક્ષાની તૈયારીમાં સમય ઓછો પડે તેવી સમસ્યા સર્જાઈ. 'અત્યાર સુધીની સંસ્કૃતવ્યાકરણ-ન્યાય-સાહિત્યની દરેક પરીક્ષામાં આવતી 'ફર્સ્ટ કલાસ ફર્સ્ટ' ની રેન્કમાં કોઈ ફર્ક ન આવવો જોઈએ.' અને સાથે 'પરીક્ષામાં આ વર્ષે બ્રેક નથી લેવો આ બન્ને વિચારોમાં તેઓ દૃઢ હતા. આ માટે તેઓ માત્ર બે જ શ્રમણભગવંતો અભ્યાસના લક્ષ્યથી નવસારીની નિકટના કાલિયાવાડી ગામમાં સુડતાળીશ દિવસ રહ્યા અને નિત્ય અઢાર-અઢાર કલાક અભ્યાસ કરી ત્રેવીશ કઠિન ગ્રન્થોનું પંડિતની સહાય વિના સ્વયમેવ પરીક્ષાલક્ષી અધ્યયન કર્યું ! લગભગ દર બે દિવસે એક ગ્રન્થ એમણે પૂર્ણ કર્યા. એમાં 'કાદંબરી' જેવો અતિશય કઠિન સાહિત્યક ગ્રન્થ પણ હતો. તેઓશ્રી કહેતા કે સંઘના રિવાજ મુજબ સેવક રોજ સાંજે દાદર પાસે દીવો મૂકે. એ દીવાના પ્રકાશે દરવાજાની આડશમાં આખી આખી રાત ગ્રન્થોનું વાંચન ચાલ્યા કરે. અને… એ વર્ષની પરીક્ષાનું પરિણામ આવ્યું ત્યારે તેઓ એમાં પણ 'ફર્સ્ટ કલાસ ફર્સ્ટ' ઉત્તીર્ણ હતા ! અધ્યયન ક્ષેત્રે શિરમોર બની રહે તેવો છે આ પ્રસંગ !
૪) ઉપરોક્ત પૈકીના દ્વિતીય ક્રમાંકના પ્રસંગમાં ગુરુદેવની અદ્ભુત સ્મૃતિશક્તિની પ્રતીતિ એમાં થાય છે કે તેઓ ગ્રન્થની સહાય વિના ૩૫૬૬ સૂત્રો કડકડાટ બોલી શકતા હતા. આનું એક કારણ હતું અધ્યયન સમયની એમની એકાગ્રતા. આવી જ એકાગ્રતા વાંચનસમયમાં એમની હતી. આ એકાગ્રતાએ એમની સ્મૃતિશક્તિને કેવી લા-જવાબ ઝળહળાવી એનો એક વિસ્મયજનક પ્રસંગ
નિહાળીએ :
વિ.સં.૨૦૫૬. અમે મુંબઈથી ગુજરાત તરફના વિહારમાં મનોર પાસેના (આજના ધર્મધામ-નાગેશ્વર પાશ્વતીર્થ નિકટના) મહાલક્ષ્મી પેટ્રોલપંપ પર એક દિવસની સ્થિરતા કરી. ત્યાં વિહારમાં પધારતા સંયમીઓ માટે સ્થિરતાની ગોચરી આદિની જરૂર પૂરતી સુવિધા હતી. બપોરે પેટ્રોલપંપના માલિક જયંતિભાઈ ગુરુદેવ સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા. વાતવાતમાં જયંતિભાઈએ એમના નાનકડા બગીચા તરફ હાથ કરીને કહ્યું : 'સાહેબજી ! હવે વિજ્ઞાને એવી પ્રગતિ કરી છે કે વનસ્પતિના વર્ણ ઇચ્છા મુજબ બદલી શકાય. અમે અહીં લાલ-પીળા-કાળા મરચા ઉગાડીએ છીએ.' ગુરુદેવે ક્ષણના વિલંબ વિના પ્રત્યુત્તર આપ્યો કે 'આમાં કોઈ નવીનતા નથી. નવસોથી વધુ વર્ષો પૂર્વે જન્મ ધરાવનાર કલિકાલસર્વજ્ઞા હેમચન્દ્રાચાર્યે એમનાં સંસ્કૃતવ્યાકરણ સિદ્ધહેમચન્દ્ર શબ્દાનુશાસન બૃહદવૃત્તિમાં, ધાતુ અને ઉપસર્ગના સંબંધથી થતા ધાતુના અલગ અલગ અર્થો અંગે, તેવા પ્રકારના દ્રવ્યોના બીજકાલીન સંબંધથી વનસ્પતિમાં વિવિધ વર્ણાદિ પરિણામો પ્રગટતા હોવાનું ઉદાહરણ આપ્યું જ છે. અને પછી તેઓ તુર્ત પચાસ વર્ષ પૂર્વે માત્ર વાંચેલ (હા, ફક્ત વાંચેલ, કંઠસ્થ કરેલ નહિ) બે શ્લોકો સડસડાટ બોલી ગયા કે :
'બીજકાલેષુ સંબદ્ધાં યથા લાક્ષારસાદય;
વર્ણાદિપરિણામેન, ફલાનામુપકુર્વતે.
બુદ્ધિસ્યાદભિસંબંધા,- તથા ધાતૂપસર્ગયો,
અભ્યન્તરીકૃતો ભેદ, પદકાલે પ્રકાશ્યતે.
થોડે જ દૂર બેસીને લખતા અમે આ વાર્તાલાપ અક્ષરશ : સાંભળી આશ્ચર્યસ્તબ્ધ થઈ ગયા કે પચાસ વર્ષ પૂર્વે વાંચેલ શ્લોકો આ હદે કંઠસ્થ કઈ રીતે હોઈ શકે ! ગુરુદેવની સ્વાધ્યાયશીલતાની ઝલકો સમાપ્ત કરતા અંતરથી કહીએ ગુરુદેવને કે :
ગુરુ હી હમારી શાન હૈ, ગુરુ હી હમારી પહેંચાન હૈ,
ગુરુ હી હમારી મુસ્કાન હૈ, ગુરુકા હી હૃદયમેં સ્થાન હૈ…








