ઘડતર વિના પ્રતિભા અધૂરી રહે છે, સંઘર્ષ, સંસ્કાર અને શિસ્ત જ છે સફળ જીવનનો મજબૂત પાયો
અમેરિકન રાજનીતિજ્ઞા કેમરનને એક પત્રક

અમેરિકન રાજનીતિજ્ઞા કેમરનને એક પત્રકારે પૂછયું, 'તમારો પુત્ર હોંશિયાર છે, તેજસ્વી છે છતાં આગળ કેમ નથી આવી શકતો?'
ત્યારે ક્રેમરને કહ્યું. 'કારણ કે જીવનના રસ્તામાં મને જેટલી અગવડતા નડી છે એટલી તેને નડી નથી. માણસ સાથે અણગમતું કે ખોટું થાય ત્યારે તેનાથી શું નુકસાન થાય તેનો અનુભવ પણ બાળકને થવો જોઈએ.'
રાજા પાંડુ વિચિત્રવીર્યના પુત્ર હતા. તે સિંહ સમાન પરાક્રમી, તેજસ્વી અને ન્યાયી હતા. તેમને બે પત્નીઓ હતી. કુંતી અને માદ્રી. ધૃતરાષ્ટ્ર અંધ હોવાથી હસ્તિનાપુરની રાજગાદી તે સંભાળતા હતા. ભીષ્મની સલાહ પ્રમાણે તેમણે નીતિથી ઘણા વર્ષો રાજ કર્યું. આ વર્ષો દરમ્યાન પાંડુએ દશાર્ણ, મગધ, મિથિલા, કાશી, સુહ્ય અને પુણ્ડ્ર જેવા અનેક રાજ્યો પર વિજય મેળવ્યો. અપાર સંપત્તિ હાંસિલ કરી. ત્યારબાદ મનની શાંતિ માટે તે પત્નીઓ સાથે વનમાં રહેવા ગયા. પ્રકૃતિના સાન્નિધ્યમાં નિરાંતે જીવન વીતતું હતું. એક દિવસ તે શિકાર કરવા ગયા. ત્યાં મૃગરૂપધારી મુનિ કિંદમ તેમની મૃગલી-પત્ની સાથે પ્રેમપાશમાં તરબોળ હતા ત્યારે પાંડુના તીક્ષ્ણ બાણથી વીંધાઈ ગયા. આ અચાનક બની ગયું. મુનિ પીડાથી તરફડતા હતા. કિંદમ મુનિએ પાંડુને શાપ આપ્યો. (તથા ત્વાં ચ સુખં પ્રાપ્તં દુ:ખમભ્યાગમિષ્યતિ - આદિપર્વ) 'હે પાપી, જ્યારે તું તારી પ્રિય પત્ની સાથે પ્રેમપાશમાં લીન થઈશ ત્યારે તરત જ તારું મૃત્યુ થશે !' મુનિ કિંદમના શાપને લીધે પાંડુ મનથી નાસીપાસ થઈ ગયા. હવે તેમના માટે સંતાનસુખ અપ્રાપ્ય થઈ ગયું હતું. વૈરાગ્યભાવના જાગી. કુંતીએ તેમના આમ નિરાશ થયેલા જોઈ કન્યાવસ્થામાં મળેલા વરદાનની વાત કરી. એકવાર કુંતીની નિ:સ્વાર્થ સેવાથી પ્રસન્ન થઈ દુર્વાસામુનિએ તેને તે ઇચ્છે ત્યારે પુત્રપ્રાપ્તિનું વરદાન આપ્યું હતું. રાજા પાંડુની રજા લઈ કુંતીએ મંત્રનું આહવાન કરી યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન - ત્રણ પુત્રો પ્રાપ્ત કર્યા. એ જ વરદાનની મંત્ર વિધિ માદ્રીને શીખવાડી. માદ્રીએ નકુલ અને સહદેવ - બે પુત્રોની પ્રાપ્તિ કરી. આ પાંચેય પાંડવોનું બાળપણ કઠિન હતું. એક કુશળ માળી બીજ રોપીને એ પાંગરે ત્યાં સુધી પ્રેમથી તેનું જતન કરે - એમ પાંડવોનો વનમાં ઉછેર થતો હતો. થોડા સમય પછી પાંડુ સાથે સૌ ગિરિરાજ હિમાલયના શતશૃંગ શિખર પર ગયા. ત્યાં પશુ-પક્ષી કે વૃક્ષ કશું નહોતું. બર્ફીલો પ્રદેશ હતો. ત્યાં શર્યાતિવંશના પુત્ર પુષતને શુક નામે ઓળખાતા હતા તેમને કુંતી મળી. અને પાંડવોને યોગ્ય શિક્ષા આપવા વિનંતી કરી. કુંતીની વિનંતી અને શુકની કૃપાથી અર્જુન ધનુર્વેદમાં પારંગત થઈ ગયો અને બીજા પાંડવો ગદા, તલવાર, તોમર (ભાલા જેવું આયુધ) ચલાવવાનું શીખી ગયા. પાંડવોને જાણે ખીલવા, ખુલવાને પાંગરવા મેદાન મળી ગયું. કુંતી તેમના વર્તન પર બારીકાઈથી નજર રાખતી. પાંડવોને ધર્મના માર્ગે ચલાવી ધીરજ, સહનશીલતા, સાહસ, પ્રામાણિકતા, શારીરિક અને માનસિક વિકાસ વડીલો સાથે આદરભાવ - જેવા સંસ્કાર આપતી. એવામાં એક દિવસ પાંડુ કિંદમ મુનિના શાપને લીધે ભાન ભૂલી ગયા. કામાસક્ત થઈ ગયા. માદ્રી સાથે પ્રેમપાશમાં લીન થતાં જ મૃત્યુ પામ્યા. સૌના માથે જાણે આભ તૂટી પડયું. માદ્રીને ખૂબ આઘાત લાગ્યો. તે આગ્રહ કરી પાંડુ સાથે સતી થઈ. હવે પાંચેય પાંડવોની જવાબદારી કુંતીની હતી.
હસ્તિનાપુર પાછી આવી ત્યારે રાજરાણી તરીકે આદર ના મળ્યો. રાજમહેલમાં કુંતી અને પાંચેય પાંડવો આશ્રિત હોય તેમ અનાથની માફક રહેતા. દુર્યોધને ભીમને ઝેર આપ્યું ત્યારે યુધિષ્ઠિરે અને ભીમના સારથિને ગળું દબાવી મારી નાખ્યો ત્યારે ધર્માત્મા વિદુરે પાંડવોને 'ચૂપ' કરાવી એ વાતને સહન કરી લેવા સમજાવ્યા હતા. આમ શારીરિક વિકાસ સાથે ઊર્મિઓનો પણ ઉછેલ થતો હતો. જેમ જેમ અડચણો વધતી એમ પાંડવોની ઝઝૂમવાની અને પ્રતિકાર કરવાની શક્તિ પણ વધતી. જેમ એક કુશળ શિલ્પી આકાર વગરના પથ્થરમાંથી નકામા લાગતા ભાગને છીણી છીણીને કાઢી એમને મનપસંદ આકાર આપે એમ કુંતીએ પાંડવોનું સારી રીતે ઘડતર કર્યું હતું. એટલે તેઓ છેવટે કુરુક્ષેત્રનું યુદ્ધ જીતી શક્યા હતા.
ઘડતર વસ્તુનું મૂલ્ય વધારી દે છે જેની ખાસ કિંમત નથી હોતી એવા ઘાસને વાવવું પડતું નથી એ એમ જ ગમે ત્યાં ઊગી જાય છે. પણ શેરડી, દાડમ કે આંબાને વાવ્યા પછીયે તેનું જતન કરવું પડે છે. વાડ બાંધી સંભાળ રાખવી પડે છે. ખાતર, પાણી, પ્રકાશની વ્યવસ્થા કરવી પડે છે. આદિત્ય બિરલાએ તેમના પુત્ર કુમાર મંગલમનો ઉછેર શિસ્તબદ્ધ 'પ્રેમ'થી કર્યો હતો. કડકાઈ ગુરૂ જેવી વહાલ પિતા જેવું. તે કુમારની સ્કુલના દરેક કાર્યક્રમમાં હાજર રહેતા. એકવાર કુમાર બિમાર પડયો. ત્યારે પિતાએ દરેક ધંધાકીય મિટિંગો કેન્સલ કરી. બહારગામની કે પરદેશની ટુરની તારીખો બદલાવી. ખાસ અગત્યનું કામ હોય તો સેક્રેટરી ઘેર આવતો. જરૂરિયાત મુજબ સુચના લઈ વિદાય થયો. આવું એક-બે દિવસ નહીં બે મહિના ચાલ્યું હતું. પિતૃપ્રેમનું આ ઉમદા ઉદાહરણ હતું. કુમાર પંદર વરસનો થયો ત્યારથી તેને બિઝનેસ મિટિંગમાં લઈ જતા. ત્યાં રજૂ થતા વિચારોની કુમાર સાથે ચર્ચા કરતા. બાવીસ વર્ષની ઉંમર પહેલાં કુમારે ગ્રેજ્યુએશન સાથે સી.એની પરીક્ષા પાસ કરી હતી. ત્યારબાદ એમ.બી.એ. કરવા લંડન ગયા ત્યારે ક્લાસમાં તે સૌથી નાની ઉંમરના વિદ્યાર્થી હતા. આવો નક્કર, શિસ્તબદ્ધ, લાગણીસભર ઉછેર એટલા માટે કે આદિત્ય બિરલા જાણતા હતા કે આગળ જતાં પુત્રને જ ડ્રાઈવીંગ સીટ ઉપર બેસીને કારોબાર સંભાળવાનો હતો. અને કુમાર મંગલમ એટલા સુંદર રીતે ઘડાઈ ગયા કે તેમણે જવાબદારી સંભાળી લીધી.
હંસના બચ્ચાં ઉડવા માટે પાંખો ફેલાવવાની શરૂઆત કરે ત્યારે ઉડ્ડયન શક્તિ કેળવાય માટે હંસ અને હંસલી તેમના માટે બનાવેલો પીંછાનો મુલાયમ માળો અસ્તવ્યસ્ત કરી નાખે છે અને બચ્ચાંને ઉડવા માટે બહાર ધકેલી દે છે. આ બચ્ચાંને દુ:ખ આપવા માટે નહિ પણ તેમની શક્તિ ખીલવવા માટે આવું કરે છે. આમ કરવાથી બચ્ચાં સામે એક ચેલેન્જ-પડકાર ઊભો થાય છે જેથી તેઓ મજબૂત, નીડર અને હિંમતવાન બને. કસોટી ના થાય ત્યાં સુધી સોનું અંકાતું નથી. અને પથ્થરથી બરાબર પીસાય નહિ ત્યાં સુધી મેંદીનો રંગ આવતો નથી.
અમેરિકન રાજનીતિજ્ઞા કેમરનને એક પત્રકારે પૂછયું, 'તમારો પુત્ર હોંશિયાર છે, તેજસ્વી છે છતાં આગળ કેમ નથી આવી શકતો ?' ત્યારે ક્રેમરને કહ્યું. 'કારણ કે જીવનના રસ્તામાં મને જેટલી અગવડતા નડી છે એટલી તેને નડી નથી. અગવડતા, અડચણ, હતાશા, ગરીબી - એ ખાતર અને વરસાદની ગરજ સારે છે. માણસ સાથે અણગમતું કે ખોટું થાય ત્યારે તેનાથી શું નુકસાન થાય તેનો અનુભવ પણ બાળકને થવો જોઈએ.'
વૃક્ષનું એક બીજ જુઓ. કોઈપણ કુદરતી વસ્તુઓની સરખામણીમા નાનું દેખાશે. એ બીજ તોડી અંદર નજર નાખીએ તો કશું નહીં દેખાય. પણ જો એ બીજને અનુકૂળ જમીનમાં વાવી દેવાય, યોગ્ય સમયે ખાતર, પાણી અને સૂર્યપ્રકાશની વ્યવસ્થા કરાય તો તેમાં રહેલી ઇશ્વરની રહસ્યમય અનન્ય શક્તિનો પ્રભાવ જોવા મળે છે. નાનકડા બીજમાં રહેલી આ પ્રચંડ શક્તિનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો મળતો નથી પણ તેનું ફળ હાથમાં આવતાં જ શક્તિનો અનુભવ થાય છે. આ ઘડતરની કુશળતાનો કમાલ છે.
- સુરેન્દ્ર શાહ








