સમભાવ અને નિઃસ્પૃહતાનો અદ્વિતીય પાઠ શીખવતી ભક્ત પુરંદરદાસની કથા
વિચાર-વીથિકા-દેવેશ મહેતા સમદુ:ખસુખ: સ્વસ્થ: સમલોષ્ટાશ્મકાંચન: ।તુલ્

વિચાર-વીથિકા-દેવેશ મહેતા
સમદુ:ખસુખ: સ્વસ્થ: સમલોષ્ટાશ્મકાંચન: ।
તુલ્ય પ્રિયાપ્રિયો ધીરસ્તુલ્ય નિંદાત્મસંસ્તુતિ: ।।
જે નિરંતર આત્મભાવમાં સ્થિત છે, સુખ અને દુ:ખને સમાન સમજે છે, માટી, પથ્થર અને સોનામાં સમાન ભાવ રાખે છે, જે ધૈર્યવાન-જ્ઞાની છે, પ્રિય અને અપ્રિયને એક સમાન માને છે તથા પોતાની નિંદા કે સ્તુતિમાં પણ સમાન ભાવ રાખે છે તે પુરુષ ગુણાતીત કહેવાય છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતા, અધ્યાય 14, શ્લોક-24
ભક્ત પુરંદર દાસ એ ભારતીય ભક્તિ પરંપરાના મહાન સંત, કવિ, તત્વચિંતક અને કર્ણાટક સંગીતના પિતામહ હતા. તેમનો જન્મ તત્કાલીન વિજયનગર (આધુનિક કર્ણાટક) માં થયો હતો. તેમના શરૂઆતના જીવનમાં તે શ્રીનિવાસ નાયક નામના એક શ્રીમંત વ્યાપારી હતા. એક ચમત્કારિક ઘટના બાદ તે કંજૂસમાંથી ઉદાર દાની બની ગયા હતા. તેમણે પોતાની સમગ્ર સંપત્તિ દાન કરી દીધી હતી અને ભગવદ્ ભક્તિના માર્ગે વળી ગયા હતા. તે વ્યાસતીર્થ નામના ગુરુના શિષ્ય બન્યા હતા અને અભિનવ નામાભિધાન 'પુરંદરદાસ' પ્રાપ્ત કર્યું હતું. તેમણે કન્નડ અને સંસ્કૃત ભાષામાં હજારો કીર્તનો રચ્યા હતા.
પુરંદરદાસે વિજયનગર સામ્રાજ્ય અને મહારાષ્ટ્રના પંઢરપુરમાં યાત્રાઓ કરી અને ઇશ્વરની સ્તુતિમાં ભાવપૂર્ણ ગીતો રચ્યા અને ગાયા. તેમણે તેમના છેલ્લા વર્ષો હમ્પીમાં વિતાવ્યા અને રાજા કૃષ્ણદેવરાયના દરબારમાં પણ ગીતો ગાયા હતા. રાજા કૃષ્ણદેવરાયે એમની ભક્તિ અને નિ:સ્પૃહતાની કસોટી પણ કરી હતી. તેમણે એક દિવસ ભક્ત પુરંદરદાસને તેમના મહેલમાં બોલાવ્યા અને તેમને પ્રણામ કરી કહેવા લાગ્યા - તમે મારા તરફથી આપવામાં આવેલી ભિક્ષા ગ્રહણ કરો અને મને ધન્યભાગી બનાવો. તેમણે પુરંદરદાસની ભિક્ષાની ઝોળીમાં ચાર-પાંચ મુઠી ચોખા પધરાવ્યા. તેમની અને તેમની પત્ની સરસ્વતીબાઈની કસોટી કરવા રાજાએ અત્યંત મૂલ્યવાન હીરા ચોખામાં ભેળવી દીધા હતા. રાજાએ તેમને કહ્યું તમે ભિક્ષા લેવા મારે ત્યાં જરૂર પધારજો.
પુરંદરદાસની પત્ની સરસ્વતીબાઈએ ચોખામાં ભળેલા હીરા જોયા તો તેમના પતિને તેના વિશે વાત કહી. પુરંદરદાસ પૂર્વે ધનવાન વેપારી હતા, હીરાને તો બરાબર તો ઓળખે જ ને ! પણ હવે તો એ બની ગયા હતા સાચા ત્યાગી અને પૂરા ભગવદ્ ભક્ત ! તેમણે તેમની પત્નીને કહ્યું - 'આપણા માટે એ હીરા કશા કામના નથી. એમને કાંકરાની જેમ વીણી વીણીને ઘરની બહાર ફેંકી દો.' તેમની પત્નીએ એમ જ કર્યું. ઘરની બહાર કચરાનો એક નાનો ઢગલો હતો તેમાં તે હીરા ફેંકી દીધા.
પછી બીજે દિવસે અને એમ ઘણા દિવસો સુધી પુરંદરદાસ રાજા કૃષ્ણદેવરાયને ઘેર ભિક્ષા માંગવા જાય. રાજા પહેલાની જેમ ચોખા સાથે થોડા હીરા પણ એમાં ભેળવી દે. સરસવતીબાઈ દર વખતે હીરાને કાંકરાની જેમ ચોખામાંથી વીણીને ઘરની બહાર પેલા કચરાના ઢગલામાં ફેંકી દે. એક દિવસ રાજા કૃષ્ણદેવરાયથી રહેવાયું નહીં એટલે એમને પૂછી લીધું - હે ભક્તરાજ, હું ભિક્ષામાં જે ચોખા આપું છું તેમાં હીરા પણ ભેળવી દઉં છું જેથી તમારું દારિદ્રય દૂર થાય. તમે અથવા તમારા પત્ની એનું શું કરો છો ?
ભક્ત પુરંદરદાસે કહ્યું - 'મહારાજ, તમે મારી સાથે જ અત્યારે મારા ઘેર પધારો. તમે પ્રત્યક્ષ જુઓ કે એ ચોખા હું મારી પત્નીને આપું છું ત્યારે તે શું કરે છે ?' રાજા કૃષ્ણદેવરાયને એ જાણવાનું કુતૂહલ થયું એટલે તે પુરંદરદાસ સાથે ગયા. દરરોજની જેમ પુરંદરદાસે ભિક્ષાની ઝોળી એમની પત્નીને આપી. તેમણે તેમાંથી ચોખા બહાર કાઢયા અને હીરાને કાંકરાની જેમ વીણીને બહાર કચરામાં ફેંકી દીધા. ભક્ત પુરંદરદાસે રાજાને કહ્યું - 'મહારાજ, તમે પહેલેથી અત્યાર સુધી જેટલા હીરા ચોખામાં ભેળવીને આપ્યા હતા એ બધા આ ઘરની બહાર રહેલા કચરાના ઢગલામાં પડેલા છે. અમારા માટે હવે એમનું કોઈ મૂલ્ય નથી. તમારે માટે એનું મૂલ્ય હોય તો હું એ બધા આમાંથી વીણીને તમને પાછા આપી દઉં.'
રાજાએ કહ્યું - 'શું ખરેખર એ બધા આ કચરાના ઢગલામાં પડેલા છે ?' ભક્ત પુરંદરે તેમાંથી તે વીણીને રાજાને આપ્યા તો તેમના વિસ્મયનો પાર ના રહ્યો. તે બોલી ઉઠયા - 'ધન્ય છે ભક્ત પુરંદરદાસ તમને અને તમારી પત્ની છે. તમારો સંસારની મોહ-માયાનો ત્યાગ બેનમૂન છે. તમારી ભગવદ્ ભક્તિ બધાને માટે અનુકરણીય છે.'








