દુનિયા એક જીવંત રંગમંચ છે, જ્યાં અભિનયમાં નહીં પરંતુ સાચા જીવન અને સદ્કર્મોમાં છુપાયેલી છે સફળતા

દુનિયા બનાનેવાલે ક્યા તેરે મનમેં સમાઈ, તુંને કાહેકો દુનિયા બાનાઈ… મુકેશે ગાયેલું આ ગીત સાબિત કરે છે કે પરમેશ્વર, કુદરત, ભગવાન કે જે કહો તે, આ દુનિયાનો નિર્માતા, દિગ્દર્શક અને સંગીતકાર છે. આપણે સૌ એની પસંદગીના પાત્રો છીએ. આપણે અદાકારી એવી કરવી જોઈએ કે પ્રભુ ખુશ થાય.
આપણે તો મરીએ ત્યાં સુધી અભિનય જ કરવાનો છે. નવા નવા પાત્રો તો આવતાં-જતાં રહેવાના. તમે હો કે ના હો સિરિયલ તો ચાલતી રહેવાની. પરિવાર સમાજ, ઓફિસ હોય કે રાજકારણ હોય કે પછી ધર્મક્ષેત્ર હોય બધે જ એકિટીંગની જ બોલબાલા છે. કોઈ પ્રેમનું નાટક કરે છે. કોઈ દંભ કે આડંબરમાં માહિર છે. તો કોઈ ઈર્ષા, અહંકાર અને મોટાઈમાં પાવરધો છે. કોઈ વિલન બની ભ્રષ્ટાચારી, ચીટર લુચ્ચો, લફંગો બની ખટપટ, કાવાદાવામાં વ્યસ્ત હોય છે. મૂળ વાત એ છે કે આપણે સૌ છીએ કલાકાર.
પહેલી પાઠશાળા એટલે ઘર. આપણા સંતાનો પણ આપણું જોઈને જ શીખવાના. કુવામાં હોય એવું જ હવાડામાં આવે. મા એવી દિકરી અને બાપ એવા બેટા એવી કહેવત અમથી નથી પડી. આપણું ઘર એ અભિનય શીખવાની સંસ્થા જ છે. મા-બાપનો સ્વભાવ, ઘરમાં થતી વાતચિતો મા-બાપની વાણી, વર્તન અને વ્યવહાર સંતાનોમાં ઉતરે જ છે. પુખ્તવયના સંતાનોના પ્રશ્નો માટે મા-બાપ જવાબદાર છે. આપણે સૌ દુનિયાની આ જીવંત ધારાવાહિકના પ્રેક્ષક પણ છીએ. અરસપરસ સૌ મોકો મળે એટલે ઈઘર-ઉધર ડોકિયાં પણ કરી લઈએ છીએ કે ક્યાં શું ચાલી રહ્યું છે. મજા પણ લઈએ છીએ. પ્રહારો, પ્રતિભાવો અને મંતવ્યો આપ્યા જ રાખીએ છીએ.
પણ મૂળ વાત છે નિર્માતાને ખુશ કરવાની આપણો ઈશ્વર આપણો પ્રભુ, આપણો સર્જનહાર આપણાથી રાજી રહે અને આપણો મનખો લેખે લાગે એવા કર્મો કરીશું તો પરમેશ્વરની કૃપા હરહમેંશ આપણી સાથે જ રહેવાની.
આપણે સૌ ટીવીમાં જે વિવિધ સિરીયલો જોઈએ છીએ તે આપણે જ આપેલી છે. જે જોવાય છે તે આપણામાં જ ક્યાંક ભજવાય છે. સિરિયલો એ સમાજનું પ્રતિબિંબ જ છે. લોકોની માનસિકતા ધ્યાનમાં રાખીને જ મનોરંજન પીરસાય છે.
હવે ધ્યાન એ રાખવાનું છે કે આપણે આપણા પાત્રને યોગ્ય ન્યાય આપીએ. જીવવાનો અંદાજ બધાથી થોડો અલગ હોવો જોઈએ. કોઈને નડતરરૂપ કે અડચણરૂપ ન બનીને કોઈ ઉમદા ધ્યેય સાથે પરમાનંદ નિજાનંદની શોધમાં ચાલો સાચું જીવીએ, સાચું રડીએ અને સાચું હસીએ
- દિલીપ રાવલ

