મુખ્ય સામગ્રી પર જાઓ
મેગેઝિન

Ravi Purti: કબીરજીના કાશીમાં ભસ્મની ધુળેટી

- લેન્ડસ્કેપ - સુભાષ ભટ્ટ દુલહિન ગાવો મંગલચાર. હમરે ઘર આયે રામ ભતાર. (હે નવવધુ! મંગળગીત ગાવો આપણે ત્ય

Ravi Purti: કબીરજીના કાશીમાં ભસ્મની ધુળેટી

- લેન્ડસ્કેપ

- સુભાષ ભટ્ટ

દુલહિન ગાવો મંગલચાર. 

હમરે ઘર આયે રામ ભતાર.

(હે નવવધુ! મંગળગીત ગાવો આપણે ત્યાં ભગવાન જ ભરથાર રૂપે પધાર્યા છે.)

- કબીરદાસજી 

ભારતીય ચૈતન્યનો આત્મા છે તેના હકાર, સ્વીકાર અને આવકારમાં. આપણું જીવન અને દર્શન અનંત આયામી છે તેને રંગ, રસ, સુર, સ્વર, શબ્દ, ઋતુઓ, ભાવો, ગાયન, વાદન, નર્તનનો કોઈ છોછ નથી. આપણાં ધર્મ, અધ્યાત્મ, શાસ્ત્રો, દર્શનો, સંહિતાઓમાં બધા વિરોધાભાસો સમાવિષ્ટ છે. કબીરજીનો ત્યાગ-વૈરાગ્ય  અને કવિવર રવીન્દ્રનાથનો રાગ-અનુરાગ એક જ પરમ ચૈતન્યનાં વિસ્તારો છે. ભારતીયતામાં  બધું જ એકમેકમાં હળી, મળી, ભળી અને ગળી જાય છે. તેથી જ કબીરજીના કાશીમાં ભસ્મની ધુળેટી તો કવિવર રવિન્દ્રનાથના શાંતિનિકેતનમાં રંગોની ધુળેટી રમાય છે. આ બન્ને  ભારતીયતાના જ સનાતન આયામો છે. વિશ્વભરની સંસ્કૃતિઓ અને સભ્યતાઓમાં ભારતનું આ એક અપૂર્વ અને અનન્ય સાહસ છે. ભારતીય દર્શન  એટલે ચિત્તની વિવિધતા, જીવનની અપારતા, ચૈતન્યની અસીમતા,  પરમ અસ્તિત્વની અઢડળકતાનું ઝળહળતું દ્રષ્ટાંત!

આપણે ખંડોમાં અખંડને,  સીમમાં અસીમને, સ્થૂળમાં સૂક્ષ્મને અને મરણમાં જીવનને પામીએ છીએ. આપણે પૃથ્વી પરના બધા પ્રાગટયોમાં પરમ અપ્રગટને ઓળખીએ, સમજીએ, જીવીએ અને ઉજવીએ છીએ. આવો, આપણે કવિ કબીરજીના દ્રષ્ટાંતોમાં જોઈએ કે ફાગણ બહારનો અને અંદરનો, રંગોની છોળ બહારની અને અંદરની કેવી હોય! છોળ આવે છે અને ફાગણ આવે છે કે   ફાગણ આવે છે અને છોળ આવે  છે? આવો, આપણે સ્વયં કબીરજીના જ દ્રષ્ટાંતો જોઈએ.   

***

હમસે રહા ન જાય

મુરલિયાકૈ ધુન સુનકે 

બિના બસંત ફુલ ઇક ફૂલૈ

ભંવર સદા બોલાય 

***

મન મિલી પિતમવા ખેલો હોરી 

સંસય સકલ જાત છિન માહિ 

આવા-ગવન કે ફંદા તોરી.

***

ખેલો નિત મંગલ હોરી 

નિત બસંત નિત મંગલ હોરી

ભક્તિ ભાવ છિડકો સાહિલ પૈ 

સુફલ જન્મ નરનારી.

કબીરજી આ રીતે શરત રાખે છે;

મૈં તો વા  દિન  ફાગ મચૈ હોં  

જા દિન પ્રિય મોરે દ્વાર ઐહૈં  

અને પછી તેઓ ગાય છે;

મેરે સાહબ આયે આજ

ખેલન ફાગ  રી 

***

કૌન રંગરેજ્વા રંગે મોરી ચુંદરી 

પાંચ તત્વ કે બની ચુંદરીયા. 

અને જ્યારે આ અંદર અને બહાર ફાગણની સીમા ઓગળીને એકરસ થાય છે ત્યારે કબીરજી અહોભાવ અને આનંદવશ ગાય છે: 

માનુષ તન પાયો બડે ભાગ 

સબ બિચારકે ખેલો ફાગ.

બિન જીહવા ગાવૈ  ગુણ રસાલ 

બિન ચરણ નાચૈ  અહદ  ચાલ.

બિન કર બાજા બજૈ જે બૈન  

નિરખ દેખ જહું  બિના નૈન.

અને તેઓ એમ પણ ગાય છે;

સુખ સાગર અસનાન કિયો હૈ 

ફગુવા પાયો કબીર રી!

અર્થાત, પાર વિનાનો ખેલ જામ્યો છે, આનંદના સાગરમાં આજે સ્નાન કર્યું છે, કબીર વસંતને પામ્યા છે.

આ સમાચાર શેર કરો