મુખ્ય સામગ્રી પર જાઓ
મેગેઝિન

કોમેડી ક્વીન લિલી સિંહનો નવો અંદાજ! હવે માત્ર હસાવવા માટે નહીં, પણ આવી કોમેડી કરવા માગે છે સુપરવુમન

કન્ટેન્ટ ક્રીએટર તરીકે કારકિર્દીનો આરંભ કરનાર કોમેડિયન-અભિનેત્રી લિલી સિંહે પછીથી હોલિવુડમાં મોડ

કોમેડી ક્વીન લિલી સિંહનો નવો અંદાજ! હવે માત્ર હસાવવા માટે નહીં, પણ આવી કોમેડી કરવા માગે છે સુપરવુમન
આ સમાચાર સાંભળો

કન્ટેન્ટ ક્રીએટર તરીકે કારકિર્દીનો આરંભ કરનાર કોમેડિયન-અભિનેત્રી લિલી સિંહે પછીથી હોલિવુડમાં મોડી રાતના શોનું સંચાલન કરવા માંડેલું. સાથે સાથે તેને અભિનય ક્ષેત્ર પણ નાના-મોટા રોલ મળવા લાગ્યાં. તાજેતરમાં લિલી 'દિલી બાય્ઝ-૨'માં જોવા મળી. તે કહે છે કે જેમ જેમ મારું કામ વિસ્તરતું ગયું, ભારતીયોની મારા વિશેની વિચારસરણી બદલાઈ છે.

અભિનેત્રી વધુમાં કહે છે કે વર્ષો અગાઉ હું ભારત જતી ત્યારે ભારતીયો મને જોઈને ઉત્સાહમાં આવી જતાં. આનું કારણ આપતાં લિલી કહે છે તે વખતે હું યુ ટયુબ પર કોમેડી કરતી હતી. પરંતુ હવે ભારતના લોકોનો મારા તરફનો દ્રષ્ટિકોણ બદલાયો છે. તેઓ મને કહે છે કે પશ્ચિમમાં તમારી હાજરી નોંધનીય છે. તે વધુમાં કહે છે કે તમે જે વાર્તાલાપ કરો છો તે ખરેખર મહત્વપૂર્ણ અને સરાહનીય હોય છે. તેમનો આ પ્રકારનો પ્રતિભાવ જોઈને હું ગદ્ગદિત થઈ જાઉં છું.

લિલી વધુમાં કહે છે કે રમૂજ કરવી, લોકોને હસાવવા એ સારી વાત છે. પરંતુ હસતાં-હસાવતાં કોઈક મહત્વનો મુદ્દો રજૂ કરવો, કોઈક અગત્યની અને અર્થપૂર્ણ ચર્ચા શરૂ કરવી એ અત્યાવશ્યક છે. હું હવે ભારત આવું છું ત્યારે લોકો મને મારા છેડેલા મુદ્દાઓને લઈને ઓળખે છે.

અદાકારા પોતાના વ્યાવસાયિક અભિગમ વિશે કહે છે કે જે વખતે હું વિવિધ પ્રકારના સ્કેચ આપતી હતી ત્યારે અનેક મુદ્દા આવરી લીધાં હતાં. તેમાંય મને જે વાત રમૂજી લાગતી તે હું સ્કેચ દ્વારા અચૂક રજૂ કરતી. આ રીતે હું મારા વિચારોને વાચા આપતી. પરંતુ જ્યારે તમે અન્ય કોઈનું કામ હાથમાં લો ત્યારે તમારી સર્જનાત્મકતા ખિલે. તે વખતે તમારું મગજ વૈવિધ્ય પામવા ઝડપથી દોડવા લાગે. આમ તમારી સર્જનાત્મકતાને નવા આયામો મળે. તમે વધુ સારા પરફોર્મર બની શકો.

જોકે લિલી માટે અભિનય એટલે સતત કાંઈક નવું શીખવાની પ્રક્રિયા. તે કહે છે કે જ્યારે હું યુટયુબ પર હતી ત્યારે મારા ઉપર તેમાં આવતી કમેન્ટ્સની બાજ નજર રહેતી હોય એવો તાલ સર્જાતો. મારા દિલોદિમાગ પર આ કમેન્ટ્સની ઘેરી અસર પડતી. હું યુટયુબ પર જે રજૂ કરતી તે જાણે કે ટિપ્પણીઓનો વિચાર કરીને કરતી હોઉં એવો માહોલ સર્જાયો હતો. મારી વાતનો વિરોધ કરતી ટિપ્પણીઓ મને વિચલિત કરી મૂકતી. પણ હવે મારી પાસે એટલું વૈવિધ્યસભર કામ છે કે કમેન્ટ્સમાં શું કહેવામાં આવે છે તેનો વિચાર કરવાનો સમય જ નથી બચતો. હું મારી જાત પર ગર્વ અનુભવું છું. સ્વાભાવિક રીતે જ મારો આત્મવિશ્વાસ બુલંદ બન્યો છે.

આ સમાચાર શેર કરો