Chitralok : ડેવિડ ધવનનો બોલિવૂડ ઇન્ડસ્ટ્રી પર મોટો ખુલાસો: "એક્ટર્સ કદી કોઈના સગા નથી હોતા!"

પોતાને મનમોહન દેસાઈના ચેલા ગણાવતા વેટરન ડિરેક્ટર ડેવિડ ધવને ૪૫ ફિલ્મો બનાવ્યા બાદ છેક હવે એમને સમ્માન મળ્યું છે. પીવીઆર આયનોકસે 'ડેવિડ ધવન ફિલ્મ ફેસ્ટિવલ'નું આયોજન કર્યું છે. શનિવાર, ૨૩ મે, ૨૦૨૬ ધવન ફેમિલી માટે એક યાદગાર દિન બની રહ્યો. એ દિવસે ડેવિડની ડિરેક્ટર તરીકે છેલ્લી મનાતી ફિલ્મ 'હૈ જવાની તો ઇશ્ક હોના હૈ'નું ટ્રેલર લોન્ચ થયું. ફિલ્મમાં એમનો નાનો પુત્ર વરુણ ધવન લીડ રોલમાં છે અને એમાં એને બબ્બે હિરોઈનો મૃણાલ ઠાકુર અને પૂજા હેગડેનો સંગાથ મળ્યો છે. ટ્રેલર લોન્ચિંગમાંથી પિતા-પુત્ર સીધા ડેવિડ ધવન ફિલ્મ ફેસ્ટિવલના ઉદ્ઘાટનમાં પહોંચ્યા.
ઉદ્ઘાટન પ્રસંગે ડેવિડ અને વરુણ ધવને સલમાન ખાન, કરણ જોહર, અર્જુન કપૂર, સાજિદ નડિયાદવાલા, ચન્કી પાંડે ઉપરાંત ગોવિન્દાના સંતાનો યશવર્ધન અને ટીના આહુજા જેવા અગ્રણીઓની હાજરીમમાં મજાનો વાર્તાલાપ કર્યો. બંને એ વખતે પિતા-પુત્ર વચ્ચેનો ઔપચારિક સંબંધ ભૂલાવી દઈને એકબીજાની ખિલ્લી ઉડાડતા મશ્કરા મિત્રો બની ગયા. દાખલા તરીકે, વરુણે પોતાના પિતાની ફિલ્મોના રમુજી અને વિવાદાસ્પદ હિટ ગીતો બદલ એમની મજાક ઉડાડતા પૂછ્યું, 'મુઝે યે જાનને મેં ખુશી હોંગી કિ આપકે હિન્દી ટીચર કૌન થે? સરકાઈલે ખટિયા કે જાડા લગે જેવા ગીતો તમે કઈ રીતે મંજુર કર્યા?' એનો સ્મિત સાતે જવાબ આપતા ડેવિડે કહ્યું, 'બસ મુખડા કેચી હોના ચાહિયે. ઓડિયંસ કો સોંગ કી શુરુ કી દો-તીન લાઈન અપીલ કરની ચાહિયે. મેં ગીતો માટે આ જ માપદંડ રાક્યો હતો.'
પછી થોડીક અંગત પૃચ્છા કરતા વરુણે પોતાના ડેડીને પૂચ્યું, 'તમારું નામ ડેવિડ કઈ રીતે પડયું?' એ વિશે ખુલાસો કરતા ૭૪ વરસના ફિલ્મમેકરે કહ્યું, 'મારો જન્મ ત્રિપુરાના શહેર અગરતલામાં થયો હતો. અનિલ ધવન અને અશોક મારા મોટા ભાઈઓ ચે. મારા અંકલ એટલે કે પિતાના મોટાભાઈને કોઈ સંતાન નહોતું. એટલે હું કોલકત્તામાં મારા કાકા-કાકીના ઘરે મોટો થયો. ત્યાં પાડોશમાં જ્યુ (યહુદી) પરિવારો રહેતા. હું એમના ઘરોમાં રમ્યા કરતો અને મને એમની વાનગીઓ બહુ ભાવતી. એમણે પ્રેમથી મારું હુલામણું નામ ડેવિડ પાડી દીધું. જ્યારે મારું સાચુ નામ રાજિન્દર ધવન છે. હું પૂનાની ફિલ્મ એન્ડ ટેલિવિજન ઇન્સ્ટિટયુટ ઓફ ઇન્ડિયા (એફટીઆઈઆઈ)માં જોડાયો અને પછીથી મુંબઈ આવ્યો ત્યારે મારા ફાધરે મને ડેવિડ નામ જાળવી રાખવા સૂચન કર્યું હતું.'
વાર્તાલાપમાં અનિલ કપૂરનો ખાસ ઉલ્લેખ કરતા ડેવિડે કહ્યું, 'એફટીઆઈઆઈમાંથી આવ્યા બાદ મેં અનિલના પ્રોડયુસર પિતા સુરિન્દર કપૂરને એક ફિલ્મ બનાવી મને એમાં તક આપવાની વિનંતી કરી. એ વખતે અનિલ પણ સ્ટ્રગલ કરતો હતો. મારા સ્કુટર પર અમે બંને આખા મુંબઈમાં ફરતા. એ એક્ટર અને હું ફિલ્મ એડીટર હતો. અનિલને 'લૈલા' (૧૯૮૪) ફિલ્મ અપાવવામાં હું નિમિત્ત બન્યો હતો. મેં એનો ડિરેક્ટર સાવન કુમાર સાતે પરિચય કરાવ્યો હતો.'
પછી વરુણે પોતાના ડેડીના કરિઅરમાં સુનિલ દત્ત અને સંજય દત્તે કેટલો મહત્ત્વનો ભાગ ભજવ્યો એની વાત શરૂ કરી. એ વાતનો દોર પોતાના હાથમાં લેતા ડેવિડ ધવને કહ્યું, 'દત્ત સાહબ મહાન ઇન્સાન થે, સંજુ ઉનકો મિલતા નહીં થા તો વો મુઝસે પૂછતે, તેરા દોસ્ત કિથે હૈ? હું એમને કહેતો, મૈંનું ભી નહીં માલુમ. ક્યારેક મને પાકી માહિતી હોય તો હું એમને જાણ કરતો, વો શુટિંગ કર રહા હૈ. સંજુએ મને ડિરેક્ટર તરીકે પહેલો બ્રેક અપાવ્યો. એ અરસામાં હું મહેશ ભટ્ટની ફિલ્મ નામનું એડીટિંગ કરતો હતો. ફિલ્મમાં સંજુનો લીડ રોલ હોવાથી એ એડીટિંગ રૂમમાં મારી સાથે બેસતો. એક દિવસ અચાનક એણે મને કહ્યું કે તું આટલું સરસ એડીટિંગ કરે છે તો ડિરેક્ટર કેમ નથી બની જતો? મેં હામી ભરતા કહ્યું કે પરંતુ મને ડિરેક્ટર તરીકે ફિલ્મ કોણ આપશે? ત્યારે સંજુએ ધડાકો કર્યો કે મેં હમણાં જ એક ફિલ્મ સાઈન કરી છે. હું એના પ્રોડયુસરને આગ્રહ કરીશ કે તું જ એ ફિલ્મ ડિરેક્ટ કરે. બીજા દિવસે એણે પ્રોડયુસર્સને મને મળવા મોકલ્યા. આ રીતે હું તાકતવર (૧૯૮૯) નામની ફિલ્મથી ડિરેક્ટર બની ગયો. એમાં ગોવિન્દા પણ હતો.'
ગોવિન્દા, અનિલ કપૂર અને જુહી ચાવલાને લઈને પોતે બનાવેલી ફિલ્મ 'દીવાના મસ્તાના' (૧૯૯૭)નો કાસ ઉલ્લેખ કરતા સિનીયર ધવને કહ્યું, 'અનિલ અને ગોવિન્દાની કામ કરવાની સ્ટાઈલ એકબીજાથી સાવ જુદી છે. અનિલને સેટ પર હોમવર્ક કરીને આવવું ગમે છે જ્યારે ગોવિન્દા સીનના ઇમ્પ્રોવાઈનમાં માસ્ટર છે. એટલે 'દીવાના મસ્તાના'માં એમના માટે એકબીજા સાથે મેળ પાડવો આસાન નહોતો. એટલે મને ફિલ્મ પુરી કરતા પુરા બે વરસ લાગ્યા.'
સંજય દત્ત સાથેની પોતાની ગાઢ અને નિખાલસ મૈત્રીનો પુરાવો આપવા ડેવિડે એક પ્રસંગ વાગોળ્યો, 'વરુણની ફિલ્મ કલંક (૨૦૧૯) બોક્સ ઓફિસ પર પિટાઈ જતા હું બહુ હતાશ થઈ ગયો હતો. ફિલ્મના પ્રોડયુસર કરણ જોહરે એમાં ગજા બહારનું રોકાણ કર્યું હતું એક્ટર તરીકે વરુણની ઉપરાઉપરી ૧૧ ફિલ્મો સફળ થયા બાદ એ તેની પહેલી ફ્લોપ ફિલ્મ હતી. અભિષેક વર્મન દિગ્દર્શિત ફિલ્મમાં આલિયા ભટ્ટ, આદિત્ય રોય કપૂર, માધુરી દીક્ષિત અને સંજય દત્ત પણ હતા. છતાં ફિલ્મ ચાલી નહિ. એટલે મેં સંજુને એકવાર પૂછ્યું, તું ક્યોં કિયા યે પિક્ચર? માધુરી દીક્ષિત થી ઈસીલિયે? આની રમુજી વાત કરી ધવન ૧૯૯૦ના દશકમાં સંજય દત્ત અને માધુરીના ચગેલા રોમાંસને વાગોળ્યો. બંને વચ્ચે 'સાજન' અને 'ખલનાયક' જેવી ફિલ્મોના શુટિંગ દરમિયાન પ્રેમ પાંગર્યો હતો, જેના પર ૧૯૯૩માં સંજુની ધરપકડને પગલે પડદો પડી ગયો.'
સમાપનમાં બોલિવુડના પોતાના અનુભવોનો નિચોડ આપતા ડેવિડે કહ્યું, 'સફળતાએ મને કદી ઉદ્ધત કે તુંડમિજાજી નથી બનાવ્યો. એટલી ઉપરવાળાની મહેરબાની છે. આ એવું ક્ષેત્ર છે જ્યાં તમે ધારી લો કે આ ફિલ્મ સારી ચાલશે તો એ નહિ ચાલે. મને જે ફિલ્મ હિટ થવાની પુરેપુરી ખાતરી હતી એ ન ચાલી. એટલે તમે ક્યારેય ઓવર કોન્ફિડન્ટ ન બની શકો. એક બીજી સાચી વાત કરું. એકટર્સ કિસી કે નહીં હોતે. તમારી ફિલ્મો ચાલતી ન હોય ત્યારે એમને મોઢુ ફેરવી લેતા વાર નથી લાગતી.' પીઢ ફિલ્મમેકરે બીજી એક ભાવુક પળ યાદ કરતા કહ્યું, 'વરુણની ડેબ્યુ ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર' (૨૦૧૨) રિલિઝ થઈ ત્યારે ઘણાંએ મને અભિનંદન આપ્યા હતા. એમાં એક અમિતાભ બચ્ચનનો મેસેજ પણ સામેલ હતો, જેમાં એમણે વરુણ માટે એવી કમેન્ટ કરી હતી કે યે લંબી રેસ કા ઘોડા હૈ.'

