બેડરૂમ બનશે હોટેલ જેવો લક્ઝુરિયસ: અપનાવો સજાવટની આ સરળ ટિપ્સ
આપણો આખા દિવસનો થાક ઘરમાં ક્યાંય પણ ઉતરતો હોય તો એ સ્થળ છે આપણો શયનખંડ. ક્યારેક આપણા

આપણો આખા દિવસનો થાક ઘરમાં ક્યાંય પણ ઉતરતો હોય તો એ સ્થળ છે આપણો શયનખંડ. ક્યારેક આપણા કુટુંબીજનો અથવા ખાસ મિત્રો સાથે નિરાંતનો સમય વ્યતીત કરવા માટે ઘરમાં શયનખંડનું ખાસ મહત્ત્વ છે. શયનખંડમાં જ, દિવસભરના શારીરિક તેમજ માનસિક પરિશ્રમથી થાકેલ કોઈપણ વ્યક્તિ પોતાના કામના કલાકો બાદ આરામપ્રદ તેમજ શાંતિમય વાતાવરણમાં સુખચેનથી સૂઈ શકે છે.
શયનખંડનું આંતરિક સુશોભન કરતાં પહેલાં તેની ઉપયોગિતા અને મહત્ત્વ સમજી લેવું તમારા માટે જરૂરી છે.
સૌ પ્રથમ તો ઘરના તમામ રૂમો પૈકી શયનખંડની જરૂરિયાતો સમજીને શયનખંડની પસંદગી કરવી જરૂરી છે. શયનખંડમાં મુખ્યત્વે પલંગ (ડબલ બેડ અથવા સિંગલ બેડ) સાઈડ ટેબલ, કબાટ, ડ્રેસીંગ ટેબલ હોય છે. તે ઉપરાંત જરૂરિયાત તેમજ રૂમની સાઈઝ મુજબ ક્યારેક બેસવા માટે નાના ટેબલ, સ્ટડી ટેબલ, ટેલિવિઝન રાખવા માટેના યુનિટની ગોઠવણ કરી શકાય.' બાળકો માટેનો શયનખંડ હોય તો રમવા માટેની થોડી ખુલ્લી જગ્યા તેમજ રમકડાં મૂકવા માટેના ખાસ કબાટની વ્યવસ્થા ગોઠવવી જોઈએ. તેમજ જો શયનખંડમાં ટેલિફોનની સુવિધા હોય તો તેના વાયરો સાઈડ ટેબલ સુધી પહોંચતા હોવા જરૂરી છે. જેથી આરામપ્રદ સ્થિતિમાં જ ટેલિફોન પર વાતચીત થઈ શકે.
શયનખંડ સારામાં સારી હવા ઉજાસવાળો હોવો જરૂરી છે. તેમજ તે ખંડ એટેચ્ડ ટોઈલેટ એટલે કે રૂમમાં જ બાથરૂમની વ્યવસ્થાવાળો અથવા નજીકમાં જ બાથરૂમની વ્યવસ્થાવાળો હોવો જોઈએ. ખંડમાં હવા તથા કુદરતી પ્રકાશની અવરજવર ધ્યાનમાં રાખી. દીવાલો તેમજ બારી-દરવાજામાં પણ જરૂરિયાત પ્રમાણે યોગ્ય ફેરફાર કરવો હિતાવહ છે. આ ફેરફાર વપરાશ તેમજ વાતાવરણને ધ્યાનમાં જ રાખીને કરવો જોઈએ. કે જેથી શિયાળામાં સવારનો તડકો સીધો જ શયનખંડમાં આવી શકે તે રીતે બારીઓની ગોઠવણ કરવી જોઈએ. ઉપરાંત દરવાજા ઓછામાં ઓછી જગ્યા રોકે તે રીતે ગોઠવવા જોઈએ.
શયનખંડમાં સામાન્ય રીતે સૌમ્ય તેમજ ખુલ્લા રંગોની પસંદગી દીવાલો તેમજ ફર્નીચર માટે કરવી જોઈએ, પરંતુ રંગો કેટલા આછા તેમજ ઘેરા પસંદ કરવા જોઈએ તેનો આધાર રૂમમાં આવતાં કુદરતી પ્રકાશના પ્રમાણ ઉપર રહેલો છે, તેમજ આંખોમાં ખૂંચે તેવા રંગોની પસંદગી ન થાય, તેની પણ ખાસ કાળજી રાખવી જોઈએ. છત ઉપરના રંગો ખુલ્લા હોય તો ખંડની વિશાળતા અનુભવાય છે. બારી ઉપરના પરદાની પસંદગી પણ દીવાલ પરના રંગોને અનુરૂપ હોવી જરૂરી છે.
બેડરૂમમાંની સામાન્ય પ્રકાશ વ્યવસ્થા સૌમ્ય પ્રકાશ આપતી હોવી જોઈએ, ઉપરાંત પલંગની બાજુ પરની રીડીંગ લાઈટ ડ્રેસીંગ ટેબલ પરની લાઈટ તેમ સ્ટડી ટેબલ માટેની લાઈટનંુ આયોજન એ રીતે થવું જોઈએ કે જેથી રૂમમાંથી અન્ય વ્યક્તિને ખલેલ ન પહોંચે. નાઈટ લેમ્પની ગોઠવણી દીવાલ પર નીચેના લેવલે હોવી જરૂરી છે. જેથી રૂમના તળિયે આછો પ્રકાશ રહેશે અને ઉંઘમાં પણ ખલેલ નહીં પડે. પંખો તેમજ એક લેમ્પની, એક ટુ-વે સ્વીચ પલંગની બાજુમાં ગોઠવવાથી સૂતા-સૂતા લાઈટ તેમજ પંખો જરૂર મુજબ ચાલુ કે બંધ કરી શકાય.
બેડરૂમના સુશોભન માટે, ઉપર પ્રમાણે જણાવેલ મુદ્દાઓ ધ્યાનમાં રાખીને, તમે તમારા બજેટ પ્રમાણે બજારમાં મળતી ચીજ-વસ્તુઓનો ઉપયોગ કરીને તમારી રૂચિ અને દ્રષ્ટિ મુજબ સુવિધાજનક અને આરામદાયક મનગમતો બેડરૂમ તમે તૈયાર કરી શકશો.
બેડરૂમની બારીઓને લેસવાળા પડદા સુંદર લાગે છે. લેસવાળા પડદા બેડરૂમની સુંદરતામાં વધારો કરે છે. સામાન્ય રીતે સ્કાયબ્લ્યુ અથવા લાઈટ કલરના શેડવાળા પડદા બેડરૂમમાં સારા લાગે છે. નેટવાળા પડદા બેડરૂમમાં લગાડવા યોગ્ય નથી કારણ કે તે પારદર્શક હોય છે.
બેડરૂમના પલંગની સજાવટ પણ એટલી જ મહત્ત્વની છે. પલંગ માટે સામાન્ય રીતે સફેદ બેડશીટ જ પસંદ કરાય છે. અથવા ફૂલપાનની ડિઝાઈનવાળી અથવા ભૌમિતિક ડિઝાઈનવાળા કાપડની પસંદગી થતી હોય છે. સસ્તામાં સસ્તી બેડશીટ રૃા. ૧૦૦થી ૨૦૦ અને ડબલ બેડની રૃા. ૩૦૦થી ૪૫૦માં વેચાય છે. કચ્છ અને રાજસ્થાનની પણ સુંદર બેડશીટો કાપડ બજારમાં મળે છે.
આ ઉપરાંત અનેક કાપડ બનાવતી કંપનીઓએ પણ ઊંચી જાતની ટકાઉ અને સુંદર બેડશીટ કાઢી છે. જાણીતી કંપનીની ખૂબ જ સુંદર અને વૈભવશાળી બેડશીટની વેરાયટી બજારમાં મળે છે. ઔરંગાબાદની બેડશીટો પણ વ્યાજબી ભાવની પણ દેખાવમાં અતિસુંદર હોય છે. એજ પ્રમાણે બેડ પર બેડકવર પણ જુદી જુદી જાતના પેચવર્ક કરેલાં અથવા બાંધણીની ડિઝાઈનના કરેલા બેડ ઉપર નાખવાથી સુંદર લાગે છે.
તાજેતરમાં કેટલાક ઉત્પાદકોએ નવી શૈલીની ચાદર, ઓશિકાના કવર, કાર્પેટ બજારમાં મુખ્યા છે. સ્વીડનની એક કંપનીએ તો ચાદર અને બેડ સ્પ્રેડ વગેરેમાં શેતંજ, એસ્ટર, બ્રિસ, મજ, એલન વગેરે નવી વિભાવના રજુ કરી છે. પલંગની બે બાજુએ કે પગ પડે ત્યાં નીચે પાથરવા આકર્ષક કાર્પેટ પણ બજારમાં મૂક્યા છે.
બેડરૂમમાં જમીન ઉપર ગોળાકાર ઉન જેવા ગુચ્છા લગાડેલ કાર્પેટ અતિ સુંદર લાગે છે. આવા કારપેટ ડિપોર્ટમેન્ટલ સ્ટોર્સમાં સુંદરસસ્તી અને સૌના બજેટ પ્રમાણે બજારમાં મળી રહી છે. તમારા બેડરૂમમાં કારપેટ, પડદાઓ, પલંગ માટેની બેડશીટ, ગાદલાઓ ઓશીકાઓ કયા પ્રકારના વાપરવા વગેરે તમારી આવક અને શોખ પર આધાર રાખે છે. એટલું ધ્યાન રાખો કે બેડરૂમ તો આરામદાયક, સ્વચ્છ, સુઘડ અને શાંતિ આપનારો જ હોવો જોઈએ.
કેતકી








