Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Learn about your personality through your purse

Sahiyar: પર્સ દ્વારા તમારી પર્સનાલિટી વિશે જાણો

Timeછેલ્લું અપડેટ : 20 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Sahiyar: પર્સ દ્વારા તમારી પર્સનાલિટી વિશે જાણો
સોર્સ : GSTV

કહેવાય છે કે વાતચીત અને દીર્ધ પરિચય એ માનવ સ્વભાવ અને તેના વ્યવહારને જાણવાની સૌથી સારી રીત છે. પણ માનવમસ્તિષ્ક અને તેની પ્રકૃતિના જીજ્ઞાાસુ શોધાર્થી પોતાની નિત નવી શોધો પ્રસ્તુત કરીને આ  તથ્યને નકારવા લાગ્યા છે. તેમના મતાનુસાર વાતચીત અને પરિચય કોઈ વ્યક્તિ વિશે જાણવાનો એક આસાન ઉપાય જરૂર છે પણ એકમાત્ર રીત નથી. મનુષ્યસાથે જોડાયેલી તમામ નાની-મોટી વાતો તેના વિશે ઘણું બધું કહી દે છે.એની મૂંગી ભાષાને સાંભળવા માટે ધૈર્યપૂર્ણ સૂક્ષ્મ અવલોકન અને નિરીક્ષણની આવશ્યક્તા છે.

App Store

રોજીંદા જીવનમાં તમે જે વસ્તુઓ તમારા માટે વાપરો છો એ જોઈને પણ તમારા સ્વભાવ અને વ્યક્તિત્વનો ખ્યાલ આવી શકે છે. તમારી સાથે  રહેતા પર્સને જ લઈ લો. આજે મનોવૈજ્ઞાાનિકો એ એક ચમત્કારી શોધ કરી છે. તેઓનું કહેવું છે કે સ્ત્રીના ખભા પર ઝુલતું પર્સ તેના આત્મવિશ્વાસનું દ્યોતક હોય છે. એટલું જ નહીં, એ તેના વ્યક્તિત્વનો પરિચય પણ આપે છે.

કેટલીક મહિલાઓ સદાય અનેક ખિસ્સાવાળું મોટું પર્સ પોતાની સાથે રાખવાનું પસંદ કરે છે, પછી ભલે એ અડધું ખાલી રહેતું હોય. મનોચિકિત્સકોના મતે આવી મહિલાઓ સ્વભાવે આડંબરી અને મહત્ત્વાકાંક્ષી હોય છે. તેઓ પરિચિતો તેમ જ  અપરિચિતોમાં પોતાની વિશેષ ઓળખ ઊભી કરવાની ઈચ્છુક હોય છે.   આવી મહિલાઓ દીવાસ્વપ્નોમાં  રાચવાનું વધુ પસંદ કરે છે. અને જીવનની પ્રત્યેક પરિસ્થિતિમાં સકારાત્મક દ્દષ્ટિકોણ અપનાવવાની કળા પણ જાણે છે.  આનાથી  વિપરીત નાનુ પર્સ રાખનારી સ્ત્રીઓ સંકુચિત માનસ ધરાવતી અને પોતાના જીવનથી પૂર્ણ રીતે સંતુષ્ટ અને સ્વભાવે સંતોષી હોય છે. તેઓ દેખાડા અને આત્મપ્રદર્શનથી દૂર રહે છે.

આ સિવાય કેટલીક મહિલાઓ એવી પણ હોય છે જેને માટે પર્સ કંઈ ખાસ મહત્ત્વનું નથી. પોતાની જરૂર પ્રમાણે નાનું-મોટું ગમે તેવું પર્સ, જે સમયસર અને સહજતાથી ઉપલબ્ધ થાય એવું સાથે લઈ જાય છે. આવી મહિલાઓ અત્યંત વિવેકી હોય છે. ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ સહજતાથી તાલમેલ બેસાડવાની એક અદ્ભુત વિશેષતા આવી મહિલાઓમાં જોવા મળે છે. અને આવી મહિલાઓ બીજાના વિશે વિચાર કરનારી તેમ જ અન્યની પ્રસન્નતા માટે પોતાની આકાંક્ષાઓ સમર્પિત કરવા માટે હમેશાં તત્પર  રહે છે.

ફેશનને અનુરૂપ નવી સ્ટાઈલના પર્સ પ્રત્યે મોહ રાખનારી સ્ત્રીઓ અત્યંત ફેશનેબલ અને ફેશન કોન્શિયસ હોય છે. ગતિ બદલતી જિંદગી સાથે તાલ મેળવીને ચાલવાની ગહન આકાંક્ષા તેમને અત્યંત આત્મવિશ્વાસુ બનાવી દે છે. આવી સ્ત્રીઓ પોતાના 'સ્વત્વ'ના વિકાસ માટે પ્રત્યેક પરિસ્થિતિમાં સંઘર્ષ કરવાની હિંમત ધરાવે છે.  સામાન્ય રીતે તેઓ આર્થિક ધોરણે સ્વાવલંબી હોય છે અને જીવનમાં રચનાત્મક અને કલાત્મક કાર્ય કરતા રહેવાની શોખીન હોય છે. આવી મહિલાઓમાં લોકોના આકર્ષણનું કેન્દ્ર બનવા માટેના બધાં જ ગુણો હોય છે.

પોતાના ડ્રેસ અને મેકઅપને અનુરૂપ રોજ અલગ અલગ મેચિંગ પર્સ ધારણ કરનારી સ્ત્રીઓ કલાત્મક પ્રતિભા ધરાવે છે. આવી સ્ત્રીઓ સંવાદ કળામાં પાવરધી હોય છે. લોકોના ટોળામાં સૌથી અલગ દેખાવાની  અને પોતાની વિશિષ્ટ ઓળખ ઊભી કરવાની આકાંક્ષા તેમનામાં  હોય છે. જીવનના પ્રત્યેક રંગો  પ્રત્યે પ્રેમ રાખનારી, સંવેદનશીલ અને સ્વાભિમાન સાથે જીવનારી હોય છે. જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં એકરૂપતા શોધે છે.

કોઈ ખાસ રંગ કે વિશેષ આકૃતિનું પર્સ રાખનારી મહિલાઓ વિશે મનોવૈજ્ઞાાનિકોનું કહેવું છે કે તેઓ અત્યંત અંધવિશ્વાસી હોય છે. આત્મવિશ્વાસનો અભાવ તેમની યોગ્યતા અને બુદ્ધિમતાનો વિકાસ જ નથી થવા દેતા. સફળ થવાની ઈચ્છા તેમને કર્મની બદલે ભાગ્યવાદી બનાવી દે છે.

કેટલીક મહિલાઓ તો એવી પણ હોય છે જે વર્ષો સુધી એક જ પર્સ વાપરે છે. પર્સ ફાટી જાય, ખરાબ થઈ જાય અથવા જુનું દેખાય તો પણ તેમને કોઈ ફરક પડતો નથી. આવી સ્ત્રીઓ અત્યંત દ્દઢ સંકલ્પવાળી, અન્યો દ્વારા થતી પોતાની નિંદા કે ટીકાની પરવા ન કરનારી, બૌદ્ધિક ક્ષમતા અને આત્મવિશ્વાસથી પૂર્ણ પ્રાચીન મૂલ્યો, પરંપરાઓ, સંસ્કારો પ્રત્યે આદરભાવ રાખનારી, નવીનતા પ્રત્યે વિદ્રોહભાવ ધરાવનારી, અત્યંત ભાવુક અને કોઈપણ બાબત સાથે ઊંડાણપૂર્વક જોડાઈ જાય એવી સંવેદનશીલ પ્રકૃતિની હોય છે.

આવી  રસપ્રદ શોધ દરમ્યાન શોધાર્થીઓએ બીજાં પણ કેટલાંક વિસ્મયકારક તથ્યો પ્રસ્તુત કર્યા. શોધકર્તાઓએ જાણ્યું કે અનેક મહિલાઓના પર્સમાં મેક-અપની વસ્તુઓથી લઈને ખાવા-પીવાની ચીજો સુધીનો સંસાર સમાયેલો હોય છે. આવી મહિલાઓ અત્યંત જાગૃત, સચેત, દૂરદર્શી, સમજી-વિચારીને નિર્ણય લેનારી, દરેક પરિસ્થિતિઓનો સામનો કરવાની હિંમત ધરાવતી, રચનાત્મક, ક્રિયાત્મક અને કલાત્મક રુચિથી સંપન્ન હોય છે. મિત્ર બનાવવાની કળામાં પણ નિપુણ અને અત્યંત વ્યવહાર કુશળ હોય છે.

એવી જ રીતે કેટલીક મહિલાઓ એવી પણ હોય છે જે પોતાના પર્સમાં બીજાં નાનાં નાનાં પર્સ પણ રાખતી હોય છે. મનોવિજ્ઞાાન કહે છે કે આ પ્રવૃત્તિ વ્યક્તિની સુરક્ષા પ્રત્યે આવશ્યક્તા કરતા વધારે જાગૃતતા અને અસુરક્ષિતતાની ભાવના વ્યક્ત કરે છે. આવી સ્ત્રીઓ શંકાશીલ અને રહસ્યપૂર્ણ જીવન જીવનારી હોય છે.

પર્સ એકવાર ખોલવું, કારણ વગર તેમાં હાથ નાખવો,  ખભા પર લટકતું હોય ત્યારે વારંવાર તેને અડયા કરવું વગેરે આદતો સંકોચી પ્રકૃતિ અને આત્મવિશ્વાસની ઉણપ દર્શાવે છે. પોતાના પર્સમાં રહેલી વસ્તુઓ ગમે ત્યાં ફેલાવીને બેસી જતી સ્ત્રીઓ સરળ સ્વભાવની હોય છે. એ જેવી છે  એવી જ બીજાની સામે પોતાને પ્રસ્તુત કરે છે. મહિલાઓની આવી આદત તેમના પ્રદર્શનકારી હોવાનો સંકેત આપે છે.