Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Chikankari is the best way to look stylish and comfortable in the heat.

Sahiyar : સમર સ્પેશિયલ: ગરમીમાં સ્ટાઇલિશ અને આરામદાયક દેખાવા માટે શ્રેષ્ઠ છે ચીકનકારી

Timeછેલ્લું અપડેટ : 31 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Sahiyar : સમર સ્પેશિયલ: ગરમીમાં સ્ટાઇલિશ અને આરામદાયક દેખાવા માટે શ્રેષ્ઠ છે ચીકનકારી
સોર્સ : gstv

ગ્રીષ્મ ઋતુમાં હળવાં- હવાદાર વસ્ત્રો જ આરામદાયક  લાગે. પરંતુ જો તે સાવ સાદા હોય તો પહેરવાની શી મઝા. તેમાં કોઇક એવું વર્ક કરેલું હોવું જોઇએ જે વસ્ત્રોના વજનમાં વૃદ્ધિ ન કરે, છતાં અત્યંત આકર્ષક લાગે. અને આવા પોશાક માટે ચીકનકારીથી રૂડુ શું? તેથી જ ગરમીની મોસમમાં તમને ચીકનકારી વસ્ત્રો પહેરેલી માનુનીઓ સૌથી વધુ જોવા મળે. નોકરીએ જતી યુવતીઓ ચુડીદાર પર લોંગ કુરતી પહેરે અને ડેનિમ પર શોર્ટ. જો કે ચીકન વર્કના પંજાબી સુટ જેટલો આરામદાયક પોશાક બીજો કોઇ ન હોઇ શકે.

App Store

લખનઉનુ આ ભરતકામ ખાસ કરીને ગરમીના દિવસોમાં સમગ્ર દેશમાં પ્રિય થઇ પડે છે. પારદર્શક સુતરાઉ કાપડ પર મોટાભાગે સફેદ ધાગાથી ફૂલ-પાનની ડિઝાઇનનું ભરતકામ અંદર-બહાર બંને બાજુથી એકસમાન રીતે સુંદર દેખાય છે. આ એમ્બ્રોઇડરી પારદર્શક કાપડ પર જ  કરવામાં આવતી હોવાથી તેની અંદરની તરફ થતું ત્રાંસી ચોકડી આકારનું ભરતકામ અને બહારની તરફ સીધી સીધી ચાલી આવતી ધાગાની લાઇન ગજબનું આકર્ષણ પેદા કરે છે.

જો કે સમયાંતરે બદલાતી ફેશનમાંથી ચીકનકારી પણ બાકાત નથી. એક સમય એવો હતો જ્યારે ચીકન વર્કમાં મોટાભાગે કુરતી અને પંજાબી સુટ ઉપરાંત સાદી સાડીઓ પહેરાતી. પરંતુ બદલાતા ફેશન  ટ્રેન્ડમાં આધુનિક ડિઝાઇનના વસ્ત્રોમાં પણ ચીકનકારીએ આગવું સ્થાન જમાવી લીધું છે. ફેશન ડિઝાઇનરો આ વર્કમાં ગાઉન, કફતાન, પેન્ટ, ડિઝાઇનર પોશાક અને બ્રાઇડલવેઅર  સુધ્ધાં બનાવે છે. અલબત્ત, તેને આધુનિક અને ગ્લેમરસ સ્પર્શ આપીને.

એક સમયે સામાન્ય રીતે કોટન ફેબ્રિક પર કરવામાં આવતું ચીકનકારી વર્ક હવે ઓરગેન્ઝા, જ્યોર્જટ, સિલ્ક, મલમલ, લીનન,  શિફોન જેવા વિવિધ મટિરિયલ પર પણ કરવામાં આવે છે. ફેશન ડિઝાઇનરો કહે છે કે હવે તો નવવધુઓ પણ પોતાના ગાઉન જેવા પોશાકમાં ચીકનકારી વર્ક પસંદ કરવા લાગી છે. જો કે તેમાં થ્રેડવર્ક ઉપરાંત સિકવન અને જરદોશી, ગોલ્ડન-સિલ્વર બીડ્સ ઇત્યાદિનો ઉમેરો કરવામાં આવે છે. બ્રાઇડલવેઅર માટે સિલ્ક કે ઓરગેન્ઝા જેવું ફેબ્રિક વૈભવી લુક આપે છે. વળી તેમાં પરંપરાગત રીતે કરવામાં આવતી ફૂલ- પાનની ડિઝાઇન ઉપરાંત ભૌગોલિક તેમજ અન્ય ડિઝાઇનોનો સમાવેશ પણ કરવામાં આવે છે. તેઓ વધુમાં કહે છે કે ચીકનકારી વર્ક માટે ગુલાબી, પીળા, આસમાની, પોપટી, બદામી, રાખોડી, પીચ, ગાજરી, ક્રીમ કે સફેદ જેવા રંગો પસંદ કરવામાં આવે છે. પેજ થ્રી સેલિબ્રિટીઓ હવે ચીકનકારી વર્કના અમ્બ્રેલા પેટર્નના સ્કર્ટ પણ પહેરવા લાગી છે. અલ્ટ્રામોડર્ન માનુનીઓમાં ચીકન વર્કના વન પીસ  પણ માનીતા થઇ પડયાં છે. તેમાં બનાવવામાં આવતી સંખ્યાબંધ પેટર્નને કારણે આ લખનવી વર્કના વસ્ત્રો સામાન્ય યુવતીઓથી લઇને બોલીવૂડની તારિકાઓ સુદ્ધામાં પ્રિય થઇ પડયાં છે. આ સીઝનમાં કરીના કપૂરથી લઇને દીપિકા પાદુકોણ, જ્હાન્વી કપૂર, સારા અલી ખાન, સોનાલી બેન્દ્રે જેવી ઘણી અભિનેત્રીઓ ચીકનકારી વર્ક કરેલા વિવિધ પેટર્નના પોશાકમાં જોવા મળી છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે  ચીકનકારી ૩૨ પ્રકારની હોય છે. જો કે સામાન્ય રીતે તેમાં જાળી વર્ક (આપણે અગાઉ વર્ણવ્યું એવું) જ જાણીતું છે. 

જો કે ચીકનકારીની માગ વધવા સાથે તેમાં મશીન વર્ક પણ થવા લાગ્યું છે. વાસ્તવમાં આ એક હસ્તકળા છે. પરંતુ તેનું કામ અત્યંત બારીક અને ગીચ હોવાથી તે પુષ્કળ સમય અને શ્રમ માગી લે છે. આવી સ્થિતિમાં તેની કિંમત પણ અનેકગણી વધી જાય છે. ફેશન ડિઝાઇનરો કહે છે કે જો તમને રીઅલ ચીકન વર્ક કરેલું કાપડ લેવું હોય તો લખનૌ કે અવધનું લેવું. તેના સિવાયના ચીકનકારી વસ્ત્રોની ગુણવત્તા અહીંના ચીકનના પોશાક જેવી નહીં જ હોય.

હવે ચીકનકારીના ઇતિહાસ પર એક નજર નાખીએ તો ગ્રીક પ્રવાસી મેગેસ્થીનસે કરેલા ઉલ્લેખ મુજબ ઇ.સ. પૂર્વે ત્રીજી સદીમાં ભારતીયો મલમલના કપડા પર આવું  ભરતકામ કરેલાં વસ્ત્રો પહેરતા.

મોગલ સમ્રાટ જ્હાંગીરની પત્ની નૂરજહાંએ આ કળાને પુષ્કળ પ્રોત્સાહન આપ્યું હતું.

ચીકનકારીમાં ટાઇપ્ચી, બખિયા અથવા શેડો વર્ક, ફાંડા અથવા બાજરીના ડોડા જેવા, મુર્રી (ચોખાના આકારના અત્યંત સૂક્ષ્મ ટાંકા), જાળી, કીલ કંગન, ફૂલ જેવા અનેક પ્રકારના ટાંકા લેવામાં આવે છે.

ચીકનકારી ઉદ્યોગ ૨.૫ લાખ લોકોને રોજગારી આપે છે.

રીઅલ ચીકનકારી વર્ક ભારે જહેમત, ધીરજ અને સમય માગી લેતું હોવાથી તે ખાસ્સુ મોંઘુ હોય છે. તેથી સોંઘુ ચીકનકારી મશીનથી બનેલું જ હોય એ ખાતરીપૂર્વક કહી શકાય.