Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : A confluence of taste and health for daughterA confluence of taste

Sahiyar : શું તમારી લાડકી દીકરી પણ સોફ્ટ ડ્રિંક્સ અને ફાસ્ટ ફૂડની શિકાર બની રહી છે?

Timeછેલ્લું અપડેટ : 31 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Sahiyar : શું તમારી લાડકી દીકરી પણ સોફ્ટ ડ્રિંક્સ અને ફાસ્ટ ફૂડની શિકાર બની રહી છે?
સોર્સ : gstv

ટી.વી.ના પડદે ચાલી રહેલી એક જાહેરખબરમાં પતિ-પત્ની અને દસેક વર્ષની સુંદર પુત્રીનો પરિવાર છે. પતિને ભૂખ લાગે છે, તેથી તે હોટેલમાંથી પિત્ઝા મગાવવાનો પ્રસ્તાવ મૂકે છે, પણ પત્ની અને પુત્રી તેની જ મદદ વડે ઝપાટાભેર શાક સમારીને થોડી મિનિટોમાં 'હોટેલ જેવું' પિત્ઝા ઘરમાં જ તૈયાર કરી લે છે. ત્રણે જણ ભેગાં બેસીને મોજથી પિત્ઝા આરોગે છે અને કહે છે કે જો રેસ્ટોરાં જેવું જ પિત્ઝા ઘરમાં સોેંઘા ભાવે તૈયાર થતું હોય તોે બહારથી શા માટે મંગાવવું? આવી જ એક અન્ય જાહેરાતમાં ચાઈનીઝ સુપ ફટાફટ તૈયાર થઈ જાય છે. બિલકુલ હોટેલ જેવું જ. આ એડવર્ટાઈઝમાં  સુપી અને ધરાયેલો બારેક વર્ષનો પુત્ર માતાને કહે છે 'કલ કે લિએ ભી ટેબલ બુક કર લેં કયાં?'

App Store

આ પ્રકારની જાહેરાતો દ્વારા ચોક્કસ પ્રકારના તથ્યો બહાર આવે છે. એક તો માત્ર બાળકોમાં જ નહીં, માતા-પિતામાં પણ ફાસ્ટ ફૂડ ખાવાનો ચસ્કો મોટા પ્રમાણમાં વ્યાપી રહ્યો છે. તેમને જોઈને બાળકોને પણ ચટપટી વાનગીઓ ખાવાની ટેવ પડે છે. આ ઉપરાંત આ પ્રકારની જાહેરાતોેમાં હેતુપૂર્વક કરાતો તરૂણોનો ઉપયોગ અત્યંત નોેંધનીય બાબત છે. પોષણવિહોણા, માત્ર સ્વાદેન્દ્રિયને પોષતા અને શરીરને વ્યાપક નુકસાન કરતાં ફાસ્ટ ફુડનો વાયરો છેલ્લાં થોડાં  વર્ષો દરમિયાન તેના નામની જેમ જ ઝપાટાભેર વ્યાપ્યો છે. તે આપણી આવી રહેલી પેઢી માટે ઘાતક પુરવાર થઈ રહ્યો છે. ખાસ કરીને છોકરીઓ માટે. કારણ કે આજની તરૂણીઓ આવતી કાલની માતાઓ છે. જો તેમનું શરીર સગીર વયમાં જ સ્થૂળ અને માંદલું થઈ જશે તો ભાવિ પેઢી કેવી અવતરશે તેની કલ્પના કરવી મુશ્કેલ નથી. બહેતર છે કે આજની  પેઢીની માતાઓ હમણાંથી ચેતી જાય. તેમને પૌષ્ટિક છતાં સ્વાદિષ્ટ આહાર ખાવાની ટેવ પડે અને ખાનપાનની કુટેવોેથી બચાવે.

પરંતુ આમ કરવું સહેલું નથી. દિવસભર ટચૂકડા પડદે ચાલતો રહેતો જંક ફૂડની  જાહેરાતોનો મારો, શહેરોમાં રોજબરોજ ખુલી  રહેલાં જંકફૂડ રેસ્ટોરાં, સ્ટેટસ સિમ્બોલ બની ગયેલી આવા રેસ્ટોરાંની મુલાકાત  આપણી નવી પેઢીના સ્વાસ્થ્યનું નિકંદન કાઢી રહી છે ત્યારે માતાઓ માટે એ પ્રશ્ન માથાનો દુખાવો બની ગયો છે કે તેમની વહાલસોયી પુત્રીઓને આ બધાથી બચાવવી શી રીતે?

આહારશાસ્ત્રીઓ આ સંદર્ભમાં જણાવે છે કે બે-ચાર મહિને એકાદ વખત ફાસ્ટ  ફૂડ ખાવાનો શોેખ પૂરો કરવામાં કાંઈ ખોેટું નથી. પરંતુ જો રોજેરોજ આવોે ખોરાક આપવામાં આવે તે મેદસ્વિતા, પેટનોે દુખાવો, ચહેરો પીળો પડી જવો, કબજિયાત અને અનિયમિત માસિક જેવી કેટલીય વ્યાધિઓનો ભોગ બનતાં તમારી દીકરીને વાર નહીં લાગે. તેઓ કહે છે કે જંક ફૂડથી શરીરમાં માત્ર બાળકોના મગજનોે વિકાસ કરતા વિટામીન, ખનિજ અને આવશ્યક ફેટી એસિડનોે અભાવ જ નથી સર્જાતો, બલ્કે તેનાથી શરીરના પોષક પદાર્થોનું રાસાયણિક પરિવર્તન પણ થાય છે, જેની બાળકના સ્વાસ્થ્ય પર અત્યંત ખરાબ અસર પડે છે.

 કોેક, પેપ્સી, લિમ્કા કે થમ્સ અપ જેવા ઠંડા પીણાં (સોફ્ટ ડ્રીંક) બાળકોના શરીરમાં રહેલા કેલ્શિયમનો નાશ કરે છે. (આ વાત પુખ્ત વયના લોકોેને પણ એટલી જ લાગુ પડે છે) આનું કારણ સમજાવતાં આહાર શાસ્ત્રીઓ જણાવે છે કે આવા પીણાંઓમાં રહેલું ફોસ્ફોરિક એસિડ હાડકામાં રહેલા કેલ્શિયમનો નાશ કરે છે, પરિણામે નાની વયમાં જ હાડકાં નબળાં પડી જવાથી હાથ-પગ દુખવાની ફરિયાદ શરૂ થઈ જાય છે.

 સામાન્ય રીતે સ્ત્રીઓમાં કેલ્શિયમની ઉણપ મેનોપોઝ પિરિયડ બાદ અથવા  પ્રસૂતિ પછી સર્જાય છે, પરંતુ નિયમિત રીતે ઠંડા પીણાં પીતી સગીર છોકરીઓમાં આ અછત તરૂણાવસ્થામાં ડગ માંડતા વેંત જ ઊભી થાય છે. જો આવતી કાલની માતાઓનું સ્વાસ્થ્ય હમણાંથીજ આટલું નબળું હશે તો ભાવિ પેઢી કેટલી માયકાંગલી હશે તેનો અંદાજ લગાવી શકાય છે. આ ઉપરાંત મેદસ્વી બની ગયેલી છોકરી જ્યારે  એકવડો બાંધો ધરાવતી તેની સખીને જુએ છે ત્યારે દેખાદેખી ખાતર પણ આડેધડ ડાયેટીંગ કરવા લાગે છે, જેની સ્વાસ્થ્ય પર અવળી અસર પડે છે.

તમારી દીકરી ખોટો ખોરાક લેવાની ટેવનોે શિકાર બને તે પહેલાં જ તેમના માટે પોષક તત્વોેથી ભરપૂર, સ્વાદિષ્ટ મેનુનું આયોજન કરો. આને માટે માતાએ પણ પોતાની સ્વાદેન્દ્રિયને કાબૂમાં રાખવી પડશે. બોટલમાં મળતાં ઠંડા પીણાંને સ્થાને લીંબુનું શરબત કે વિવિધ ફળોેથી બનતા મિલ્કશેક અને ફળોનો રસ પણ આપી શકાય. દૂધમાં તેને ભાવતી ફ્લેવર ભેળવી આપીને કેલ્શિયમની કમી પૂરી કરી શકાય. સવારના નાસ્તામાં ગરમ રોટલી અને શાક અથવા સ્ટફ પરોઠા સાથે એક ગ્લાસ દૂધ આપવાથી બાળક અભ્યાસમાં સારી રીતે ધ્યાન આપી શકે છે એ સંશોધન દ્વારા સિદ્ધ થયેલું સત્ય છે. બપોરના ભોેજનમાં વેજીટેબલ પુલાવ અથવા સેંડવીચ સાથે ફણગાવેલાં કઠોળનું રાયતું, સાંજે વેજીટેબલ ઈડલી, પનીર ટિક્કા અને મિલ્ક શેક યોગ્ય આહાર ગણાશે. રાત્રિના ભોજનમાં શાક-રોટલી, પુલાવ,દહીં અને ગ્રીન સલાડ તેમ જ રાત્રે સૂતી વખતે એક ગ્લાસ દૂધ આપવાથી બાળકને દરેક જાતના પોેષક તત્વો પૂરતા પ્રમાણમાં મળી રહે છે. વળી આ ભોજનને સુંદર રીતે સજાવીને પીરસવાથી તે જોઈને જ બાળકને ખાવાની ઈચ્છા થાય છે. જે છોકરીઓને દૂધ ન ભાવતું હોય તેમની કેલ્શિયમની કમી પૂરી કરવા દહીં અને છાશ સારા વિકલ્પોે છે.

માસિક ધર્મ દરમિયાન છોકરીઓને સ્વભાવ ચિડચિડિયો થઈ જાય છે. તેને ભોેજન પ્રત્યે અરુચિ પેદા થાય છે. આવી સ્થિતિમાં સરળતાથી પચી જાય એવો હળવો ખોરાક લેવાની સલાહ સ્ત્રી રોગતજજ્ઞાો આપે છે. માસિક દરમિયાન છોકરીઓના બદલાતા મૂડ પર અભ્યાસ કર્યા પછી આહાર શાસ્ત્રીઓ એવા તારણ પર આવ્યાં છે કે તેમને માટે ફળોનો રસ, દાળ-ભાત, શાક, દૂધ અને અન્ય પોષક તેમ જ હળવી વાનગીઓ યોગ્ય ખોરાક ગણાશે. સંશોધનમાં એમ પણ જાણવા મળ્યું હતું કે આ સમય દરમિયાન કેલ્શિયમ સપ્લીમેન્ટ આપવાથી માસિક પીડા અને ચિડિયાપણામાં રાહત મળે છે. જો કેલ્શિયમ સાથે વિટામીન 'ડી' પણ  આપવામાં આવે  તો 'પ્રી મેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ' (માસિક પહેલા આવતી અકળામણ) પર કાબૂ મેળવી શકાય છે. 

હાર્વડ સ્કુલ ઓફ પબ્લિક હેલ્થ દ્વારા કરવામાં આવેલા એક સંશોધનમાં જણાઈ આવ્યું હતું કે  જે છોકરીઓના આહારમાં નિયમિત રીતે દૂધ, દહીં અને છાશને સામેલ કરવામાં આવે છે, તો તરૂણીઓ અને યુવતીઓને માસિક દરમિયાન થતી માનસિક તાણમાં રાહત મળે છે. આટલું જાણ્યા પછી તમે પણ તમારી લાડકી દીકરીને શુદ્ધ, સુપાચ્ય, સ્વાદિષ્ટ અને પોષક તત્વો પ્રચૂર આહાર આપીને 'પુત્રીને ખાવા શું આપવુ' ની ચિંતામાંથી મુક્ત થઈ શકો છો. એટલું જ નહીં સ્વસ્થ ભાવિ માતાઓની પેઢી પણ તૈયાર કરી શકો છો.