Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : A journey from acting to introspection

Chitralok : સૌરભ શુકલાની જીવનયાત્રા: અભિનયથી આત્મચિંતન સુધીની સફર

Timeછેલ્લું અપડેટ : 17 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Chitralok : સૌરભ શુકલાની જીવનયાત્રા: અભિનયથી આત્મચિંતન સુધીની સફર
સોર્સ : gstv

આશરે ૪૦ વરસથી બોલિવુડમાં સક્રિય સૌરભ શુકલા એક મલ્ટીટેલેન્ટેડ પર્સનાલિટી છે. તેઓ એક્ટર છે, સ્ક્રીનપ્લે રાઇટર છે અને ડિરેક્ટર પણ છે. શુકલાજી આજકાલ બે મોટા કારણોસર ન્યુસમાં છે. એક, અનિલ કપૂરનો લીડ રોલ ધરાવતી 'સુબેદાર'માં એમના મિત્ર તરીકેની એમની ભૂમિકાની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે અને બીજુ, એમણે ડિરેક્ટ કરેલી ફિલ્મ 'જબ ખુલી કિતાબ' તાજેતરમાં ઓટીટી પર રિલીઝ થઈ છે. પંકજ કપૂર, ડિમ્પલ કાપડિયા અને અપારશક્તિ ખુરાના જેવી ઇમ્પ્રેસિવ કાસ્ટ ધરાવતી પોતાની ફિલ્મનું સૌરભે જાતે જ આછુ-પાતળુ પ્રમોશન કર્યું હતું. એમણે અમુક પસંદગીના મીડિયાને ઇન્ટરવ્યુ આપ્યા હતા.

App Store

અગાઉ ૪ મૂવીઝ ડિરેક્ટ કરી ચુકેલા શુકલાજી કહે છે, 'મુઝે નહીં લગતા કિ એક્ટર ડિરેક્ટર બને ઉસસે કોઈ નુકસાન હોતા હૈ, ફાયદા હી હોતા હૈ. એક તો એ કે હું પોતે એક્ટર હોવાથી મારી કાસ્ટની મુશ્કેલીઓ સમજી શકું છું. હું અહીં એક જનરલ સલાહ આપવા ઇચ્છીશ કે ડિરેક્ટરે પોતાના એક્ટરને સેટ પર સીન ભજવીને ન બતાવવો જોઈએ. હું એવી ભૂલ કદી નથી કરતો. તમે કોઈ આર્ટિસ્ટને સેટ પર અભિનય કરી દેખાડો છો ત્યારે એને અપમાન જેવુ લાગે છે. એ એવુ વિચારે છે કે તમે એને પોતાની કોપી (નકલ) કરવાનું કહો છો.'

પછી શુકલાજીને મીડિયામાંથી બીજી પૃચ્છા થાય છે, 'ડિમ્પલ કાપડિયા સાથે કામ કરવાનો તમારો અનુભવ કેવો રહ્યો?' ૬૩ વરસના કસબી વિના સંકોચ કબુલે છે, 'સાચુ કહું તો ડિમ્પલજી મારી ફિલ્મમાં કામ કરશે એવું મેં વિચાર્યું જ નહોતું. તેઓ એક મોટાં સ્ટાર છે. છતાં મેં એમને સ્ક્રીપ્ટ મોકલી અને એના ત્રીજા જ દિવસે એમનો ફોન આવ્યો કે આ પાત્ર તો હું જ ભજવીશ. ડિમ્પલજી સાથે કામ કરવાનો અનુભવ યાદગાર બની રહ્યો.'

નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (એનએસડી)માં અભિનયની તાલિમ લીધા બાદ સૌરભે થિયેટરથી કરિઅર શરૂ કરી. નાના બજેટની આર્ટ ફિલ્મોમાં રોલ કર્યા બાદ તેઓ રામગોપાલ વર્માની ગેંગસ્ટર ફિલ્મ 'સત્યા'માં કલ્લુ મામાનું પાત્ર ભજવ્યા બાદ લાઈમ લાઈટમાં આવ્યા. નવાઈની વાત એ છે કે આવો પોપ્યુલર રોલ કર્યા બાદ પણ ઇન્ડસ્ટ્રીમાં શુકલાજીની સ્ટ્રગલ પુરી નહોતી થઈ. એ દોરને યાદ કરતા તેઓ કહે છે, 'કલ્લુ મામાનો રોલ કર્યા બાદ મને એવું લાગ્યું હતું કે હવે તો મને એકથી એક ચડિયાતા રોલ્સ મળશે. પરંતુ એવું ન થયું. કામ તો ઘણું મળ્યું પણ મને મારી ઇચ્છા પ્રમાણેના રોલ્સ ન મળ્યા, મને એવી નાની નાની ભૂમિકાઓ ઓફર થતી, જેમનો કોઈ અર્થ નહોતો. લોકો એવી ટકોર પણ કરતા કે તમે સારા એક્ટર છો છતાં તમને આવા કેમિયો જ કેમ મળે છે? એક સમય એવો આવ્યો કે મેં ઇન્ડસ્ટ્રીમાં એવું કહેવા માંડયું કે હું ફક્ત એક્ટર નથી, રાઇટર પણ છું. હકીકતમાં એ પોતાને બચાવવાનો એક નુસખો હતો. મેં લાંબા સમય સુધી રાઇટિંગ પણ કર્યું. એ દોર પુરો થયો જ્યારે મને અનુરાગ બાસુની ફિલ્મ 'બર્ફી' મળી. એના પછી મારી ગાડી સડસડાટ ચાલી નીકળી.'

શુકલાજી અને મનોજ બાજપેયી વરસોથી ગાઢ મિત્રો છે. બંને વચ્ચે સંઘર્ષના દોર દરમિયાન દોસ્તી થઈ હતી. એ વિશે વાત કરતા સૌરભ કહે છે, 'મારા જીવનમાં મનોજનું મોટું યોગદાન છે. મારી પર્સનલ લાઈફમાં પણ મનોજે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. મારા લગ્ન થયા ત્યારે મનોજે જ મારી પત્ની (બર્નાલીરે)ને કહ્યું હતું કે આનાથી સારો છોકરો તને ક્યાંય નહિ મળે. સૌરભ સમજુ છે, કમિટેડ છે અને સારું ગાઈ પણ લે છે. મનોજ મેરા ઐસા યાર હૈ, ભાઈ!'

શુકલાજીને પોતાની પત્ની બર્નાલી રે માટે બહુ માન છે. એટલા માટે કે એમનું પોતાનું એક સ્વતંત્ર ક્રિએટીવ વ્યક્તિત્વ છે, તેઓ એક સારા કવયિત્રી, લેખિકા અને દિગ્દર્શિકા છે. પતિની મદદ વિના બર્નાલીએ પોતાના દમ પર સારી ફિલ્મો અને અર્થપૂર્ણ ડોક્યુમેન્ટ્રીજ બનાવી છે. 'જુન' નામની એમની એક સુંદર મૂવી ઓટીટી પર રિલિઝ થઈ હતી, જેના રાઇટર, પ્રોડયુસર અને ડિરેક્ટર તેઓ પોતે જ હતા.

૨૦૧૩માં શુકલાજીને એમણે 'જોલી એલએલબી'માં ભજવેલી જજ સુંદરલાલ ત્રિપાઠીની યાદગાર ભૂમિકા બદલ બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. એ પ્રસંગને આનંદથી યાદ કરતા દિગ્ગજ કલાકાર કહે છે, 'સૌ જાણે છે કે નેશનલ એવોર્ડ બધાને રાષ્ટ્રપતિના હસ્તે જ અપાય છે. એ એવોર્ડ વિતરણ સમારંભમાં એવો પ્રોટોકોલ હોય છે કે તમે એવોર્ડ સ્વીકારો ત્યારે રાષ્ટ્રપતિ સાથે હાથ ન મિલાવી શકો. એ સમયે પ્રણવ મુખરજી રાષ્ટ્રપતિ હતા. હું એવોર્ડ લેવા સ્ટેજ પર ગયો ત્યારે તેઓ મને જોઈને હસ્યા અને કહ્યું કે ફક્ત તમારા માટે મેં એ ફિલ્મ બે વાર જોઈ છે. એ સાંભળી મારી હિંમત વધી અને મેં એમને ફટ દઈને કહ્યું કે જો એવું છે તો એ વાત પર આપણે હાથ મિલાવીએ, પ્રણવદાએ તરત હાથ લંબાવ્યો અને મેં પ્રોટોકોલ તોડી રાષ્ટ્રપતિ સાથે શેક હેન્ડ કરી લીધું.'