Chitralok : લાઈમલાઈટ પાછળનું અંધારું: શું કરણ જોહર ખરેખર એકલો છે?

કરણ જોહર. હિન્દી ફિલ્મ જગતનો જાણીતો ચહેરો. ફિલ્મનું નિર્માણ, દિગ્દર્શન, અભિનય, ફિલ્મફેર એવોર્ડ સમારોહ, કરણ જોહરની હાજરી જરૂર હોય. એમ કહેવાય છે કે કરણ જોહર બોલિવુડનો હરતો ફરતો રેડિયો છે. એવી ચર્ચા પણ થાય છે કે કરણને તમિલ ,તેલુગુ, મલયાલમ, કન્નડ, પંજાબી, ભોજપુરી, ગુજરાતી વગેરે પ્રાદેશિક ભાષાની ફિલ્મો વિશે પણ બધી માહિતી હોય છે.
કરણ જોહર (એમનું સાચું નામ રાહુલ જોહર છે. કરણ જોહરની અમુક ફિલ્મોમાં હીરોનું નામ રાહુલ હોય છે) નિર્માતા અને દિગ્દર્શક તરીકે સુપરહીટ છે. સાથોસાથ બોલીવુડમાં અને બોલીવુડ બહાર પણ તેનું મિત્ર વર્તુળ જબરું બહોળું છે. તે સતત કંઇક ને કંઇક નવું નવું કરતો રહે છે.
હિન્દી ફિલ્મ જગતના જાણીતા ધર્મા પ્રોડક્શનના માલિક યશ જોહર અને હીરુ જોહરનો દીકરો અને મુંબઇની એચ.આર.કોલેજ ઓફ કોમર્સમાં ભણેલો કરણ કહે છે, મેં થોડા દિવસ પહેલાં સોશિયલ મિડિયા પર મારી સિંગલ લાઇફ (લગ્ન નહીં કરીને એકલા રહેવા) વિશે હલકીફૂલકી પોસ્ટ કરી છે. પોસ્ટમાં કરણે લખ્યું છે , સિંગલ રહેવું એ જ મારી જિંદગી છે. મેં ઇન્સ્ટાગ્રામ રીલ્સને જ મારો સાથીદાર બનાવ્યો છે.
હવે કરણ જોહરની આવી પોસ્ટ વિશે તેનાં મિત્રો અને ચાહકો જબરી મજાક -મશ્કરી પણ કરી રહ્યાં છે. કરણ જોહરે ઇન્સ્ટાગ્રામ પર થોડીક મિરર સેલ્ફી પોસ્ટ કરી છે. કરણ મજાનો સ્ટાઇલીશ લાગે છે. તેણે ગોલ્ડન બટનવાળી ગ્રે કલરનું જેકેટ, કાળા રંગનો ટ્રાઉઝર પહેર્યાં છે. તેની પાસે લેધર બેગ પણ છે. બીજા ફોટોગ્રાફમાં કરણ જોહર ફર કોટ, આકર્ષક ચશ્મા, માથા પર હેટ સાથે છે.
વાત જાણે કે એમ છે કે કરણ જોહરે કુછ કુછ હોતા હૈ, કભી ખુશી કભી ગમ, કભી અલવિદા ના કહેના વગેરે સુપરહીટ રોમેન્ટિક ફિલ્મોનું નિર્માણ કરી છે. જોકે ખુદ કરણે લગ્ન નથી કર્યાં કે તેની કોઇ લવ સ્ટોરી પણ નથી.
જોકે ખુદ કરણ જોહરે સોશિયલ મિડિયા પર એવો સંદેશો વહેતો કર્યો છે, પ્યારની મોસમ શરૂ થવાની છે. ઠંડી ઠંડી હવા છે. દિલમાં આછેરી હૂંફ છે. આ બધી વાતો તો બસ એમ જ કવિતાના સ્વરૂપમાં કરી છે કારણ કે સિંગલ રહેવું એટલે કે લગ્ન કર્યા વગર અને જીવનસાથી વગર એકલાં રહેવું એજ મારું જીવન છે. હું તો બસ, આવી પોસ્ટ કરીને મારાં મન- હૃદય બે ઘડી હળવાં કરું છું. હું આવો સંદેશો વહેતો કરીને મારા જીવનનો ખાલીપો ભરવાનો પ્રયાસ કરું છું. ઇન્સ્ટાગ્રામ જ મારી ઉદાસીનો અરીસો બને છે. હવે તો રીલ્સ જ મારાં જીવનસાથી બની ગયાં છે.
ધર્મા પ્રોડક્શનનાં નિર્માણ તરીકે રાઝી, બ્રહ્માસ્ત્ર : શિવા : ભાગ : ૧, રોકી ઔર રાની કી પ્રેમ કહાની વગેરે ફિલ્મો રજૂ કરનારા કરણ જોહરે પોતાની પોસ્ટમાં લખ્યું છે, કવિતા ભલે સાધારણ લાગે પણ તેની સાથે સત્ય જોડાયેલું છે. હવે વધુ કાંઇ જ નહીં કહું. નહીં તો તમે મને પાગલ કહેશો. આ સંદેશાથી સ્પષ્ટ થાય છે કે કરણ જોહરને પોતાની સિંગલ લાઇફમાં ક્યારેક ક્યારેક એકલવાયું લાગે છે. પોતાની આ એકલતાને કરણ હળવી શૈલીમાં વ્યક્ત પણ કરે છે. કરણ જોહરે લગ્ન તો નથી કર્યાં પણ તે સરોગસી પદ્ધતિથી બે સંતાનોનો પિતા છે. દીકરો યશ, અને દીકરી રુહી. કરણે તેના પિતા યશ જોહરની સ્મૃતિમાં પુત્રનું નામ યશ , જ્યારે માતા હીરુની સ્મૃતિમાં દીકરીનું નામ રુહી રાખ્યું છે.
ટેલિવિઝન શો : કોફી વીથ કરણ : અને રેડિયો કાર્યક્રમ : કોલિંગ કરણ : રજૂ કરનારા કરણ જોહરની આવી પોસ્ટનો પ્રતિસાદ પણ તેનાં મિત્રોએ આપ્યો છે.
શાલિની પાસીએ કહ્યું છે, વાહ. લોકપ્રિય ટીવી હોસ્ટ અને મોડેલ મિની માથુરે કહ્યું છે, પ્રિય કરણ, તારો શિયાળો ભલે ઠંડો હોય પણ તારી અલમારી તો જબરી કમાલની છે. જેકેટ, ચશ્મા, અને બેગ, જે હવે તું નથી પહેરતો. હું ઇચ્છું છું કે તે બધું મારી પાસે આવી જાય. હું તેને પહેરું અને ખુશ થઇને બધાંને કહું, જુઓ. કરણ , આટલો બધો ઉદાસ ન થા.મોસમની ઠંડકની નિરાશા છોડી દે. તારું હાસ્ય જ આખા રૂમને ઝળહળતો કરી શકે છે.
કોરિયોગ્રાફર અને દિગ્દર્શિકા ફરાહ ખાને કહ્યું છે, કરણ, તું ઓ ફોટોગ્રાફ્સ તારી બિલ્ડિંંગની લિફ્ટમાં જઇને લઇ રહ્યો છે ?

