Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Will 'Queen' Kangana be able to rock the screen again! This time her performance will prove to be decisive?

Chitralok: શું 'ક્વીન' કંગના ફરી સ્ક્રીન ગજાવી શકશે! આ વખતનું પર્ફોર્મન્સ સાબિત થશે નિર્ણાયક

Timeછેલ્લું અપડેટ : 17 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Chitralok: શું 'ક્વીન' કંગના ફરી સ્ક્રીન ગજાવી શકશે! આ વખતનું પર્ફોર્મન્સ સાબિત થશે નિર્ણાયક
સોર્સ : GSTV

પોતાના અભિનયથી દર્શકોને પ્રભાવિત કરનાર કંગના રણૌત આમ તો તેની રાજકીય સફરમાં વ્યસ્ત છે. જો કે ફિલ્મ ઉદ્યોગમાં ચાલી રહેલી ચર્ચા મુજબ તે ટૂંક સમયમાં જ પુન: રૂપેરી પડદાને ગજવશે. અહેવાલો મુજબ કંગના ૨૦૧૩ની હિટ ફિલ્મ 'ક્વીન'ની સિક્વલ 'ક્વીન-ટુ' સાથે પોતાના સૌથી લોકપ્રિય પાત્ર રાણીને ફરી ભજવવા તત્પર છે. તાજગીભર્યા કથાનક અને મજબૂત નાયિકાપ્રધાન પાત્ર સાથે 'ક્વીન' બોલિવુડમાં એક સીમાચિહ્નરૂપ ફિલ્મ સાબિત થઈ છે.

App Store

વિકાસ બહલ દિગ્દર્શિત ૨૦૧૩ની ફિલ્મ 'ક્વીન'ની આત્મ-ઓળખ અને સ્વતંત્રતાની ઝંખના કરતી યુવતી તરીકેના ચિત્રણ માટે વ્યાપક પ્રશંસા થઈ હતી. લગ્નના મંડપમાં ઠુકરાવવામાં આવેલી અને પછી એકલી જ હનીમૂન પર નીકળી જનાર દિલ્હીની યુવતી તરીકે કંગનાના પરફોર્મન્સને સમગ્ર દેશના દર્શકોએ પસંદ કર્યો હતો. ફિલ્મને કમર્શિયલ સફળતા ઉપરાંત આલોચકોની પ્રશંસા પણ હાંસલ થઈ. ફિલ્મમાં રાજકુમાર રાવ અને લિસા હેડનના પરફોર્મન્સે પણ ફિલ્મના આકર્ષણમાં ઉમેરો કર્યો હતો. વર્ષો વીતતાં 'ક્વીન'એ એક કલ્ટ સ્ટેટસ હાંસલ કર્યું છે અને તેને ઘણીવાર બોલિવુડની સૌથી ઉત્તમ મહિલા- કેન્દ્રિત ફિલ્મો પૈકી એક તરીકે ગણવામાં આવે છે.

'ક્વીન'ની સિક્વલની સંભાવનાએ લાંબા સમયથી ચાહકોને રોમાંચિત કર્યા છે અને હવે એવું લાગે છે કે પ્રોજેક્ટ આખરે ગતિ પકડી રહ્યો છે. અહેવાલો મુજબ કંગના રણૌત અને વિકાસ બહેલ એપ્રિલના અંત સુધીમાં 'ક્વીન-ટુ'નું શૂટીંગ શરૂ કરે તેવી સંભાવના છે. સિક્વલમાં કથાકન સાવ નવું હશે. મૂળ ફિલ્મ સાથે તેનું સંધાન નામ પૂરતું જ હોવાનું. હા, પોતાના અસલી વ્યક્તિત્ત્વની ઓળખ અને સ્વતંત્રતાના સૂરને અકબંધ રાખવામાં આવ્યા છે. પ્રથમ ફિલ્મ જ્યાં પૂર્ણ થઈ ત્યાંથી શરૂ કરવાની બદલે રાણીની પુન:કલ્પિત આવૃત્તિ સાથે નવું કથાનક રજૂ કરવામાં આવશે.

અહેવાલ મુજબ 'ક્વીન-ટુ'માં રાણી આધુનિક શહેરી મહિલા તરીકે પેશ થશે, જે તેના મૂળ ફિલ્મના વ્યક્તિત્વથી વિપરીત છે. આ ફેરફાર છતાં પાત્ર તેની વિશિષ્ટ વિચિત્રતા અને ભાવનાત્મક ઊંડાણ જાળવી રાખશે. વાર્તામાં મહત્ત્વનો વળાંક ફરી તેને આત્મશોધની સફર પર મોકલી દેશે, પણ આ વખતે તેનો પ્રવાસ આંતરરાષ્ટ્રીય સ્થળોની બદલે ભારતના બહુવિધ શહેરોમાં થશે. સેટિંગમાં આ ફેરફારથી ફિલ્મને વધુ વાસ્તવિક અને વિવિધ સાંસ્કૃતિક રંગત મળશે. 

સિક્વલમાં વધુ એક મહત્વનો ફેરફાર છે તેનું કાસ્ટિંગ. લોકપ્રિય કાસ્ટથી ભરપૂર મૂળ ફિલ્મથી વિપરીત 'ક્વીન-ટુ'માં નવા સહાયક કલાકારો સામેલ કરાય તેવી સંભાવના છે, જેનાથી ફિલ્મને મૌલિક ઊર્જા મળશે. પ્રોડક્શન મુંબઈમાં શરૂ થશે જેમાં રાણીના ઘરને વ્યાપક ઉત્તર ભારતીય ઓપ આપવામાં આવશે. ત્યાર પછી ટીમની યોજના વિવિધ મેટ્રો શહેરોમાં પ્રવાસ કરીને ત્રણ મહિનાના ચુસ્ત સમયપત્રકમાં ફિલ્મનું શૂટ પૂર્ણ કરવાની છે.

પ્રથમ ફિલ્મ પછી પ્રોડક્શનનાં સમીકરણો પણ બદલાયાં છે. એક તરફ 'ક્વીન'ના નિર્માણમાં ફેન્ટમ ફિલ્મ્સ અને વાયાકોમ ૧૮ મોશન પિક્ચર્સ સામેલ હતા, તો સિક્વલમાં વિકાસ બહલની કંપની જ નિર્માણ કાર્ય સંભાળશે. મૂળ ફિલ્મનો સૂર અને દ્રશ્યતા જાળવી રાખવા બહેલ લેખનની જવાબદારી નિભાવે તેવી પણ સંભાવના છે.

કંગના માટે 'ક્વીન-ટુ' તેની અભિનય કારકિર્દીમાં મહત્વનો વળાંક સાબિત થઈ શકે છે. એની છેલ્લી ફિલ્મ 'ઈમરજન્સી' ભલે બોક્સઓફિસ પર ચાલી નહીં, પણ એમાં કંગનાના અભિનયની પ્રશંસા ખૂબ થઈ હતી. 'ક્વીન-ટુ' ઉપરાંત આનંદ એલ.રાયની 'તનુ વેડ્સ મનુ-૩' તેમજ  ૨૬-૧૧ના મુંબઈ હુમલા પર આધારિત 'ભારત ભાગ્ય વિધાતા' પણ પાઈપલાઈનમાં છે.

કંગનાની પોલિટિકલ કરીઅર હજુ બાલ્યાવસ્થામાં છે, પણ એની ખુદની ખરી ઓળખ તો સિનેમાની અભિનેત્રીની જ છે. તેથી જ કંગના માટે 'ક્વીન-ટુ'નું બોક્સઓફિસ પર્ફોર્મન્સ નિર્ણાયક સાબિત થશે.