મુખ્ય સામગ્રી પર જાઓ
મેગેઝિન

વિધવા વિવાહ: સમાજના ટોણા સામે એક નવી જિંદગીની હિંમતભરી શરૂઆત

- સેલિબ્રેશન-ચિંતન બુચ ૭ ડિસેમ્બર ૧૮૫૬. કલકતામાં રાજકૃષ્ણ બંદ્યોપાધ્યાયના નિવાસસ્થાનની આસપા

વિધવા વિવાહ: સમાજના ટોણા સામે એક નવી જિંદગીની હિંમતભરી શરૂઆત
આ સમાચાર સાંભળો

- સેલિબ્રેશન-ચિંતન બુચ

૭ ડિસેમ્બર ૧૮૫૬. કલકતામાં રાજકૃષ્ણ બંદ્યોપાધ્યાયના નિવાસસ્થાનની આસપાસ સેંકડો લોકો ઉમટી પડયા હતા. કોઇકની આંખોમાં ભારે ગુસ્સો, કોઇકની આંખમાં અણગમો તો કેટલાક લોકો સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવી રહ્યા હતા.  અનેક એવા પણ હતા જેમની આંખોમાં કંઇક સારું પરિવર્તન થઇ રહ્યું છે તેનો સંતોષ હતો. વાત એમ હતી કે, એ જમાના પ્રમાણે એક અનોખા લગ્ન થવા જઇ રહ્યા હતા. અનોખા એટલા માટે કેમકે શ્રીશચંદ્ર વિદ્યારત્ન જેમની સાથે લગ્નનાં તાંતણે બંધાવવા જઇ રહ્યાં હતાં તે કાલીમતી દેવી વિધવા હતા. ૨૬ જુલાઇ ૧૮૫૬ના હિંદુ વિધવા પુનર્વિવાહ અધિનિયમ પસાર થયા બાદ ભારતમાં વિધવાના લગ્નની આ સૌપ્રથમ ઘટના હતી. 

ભારતના સામાજિક સુધારણા ઇતિહાસમાં વિધવા પુનર્વિવાહ આંદોલન એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. ૧૯મી સદી દરમિયાન ભારતીય સમાજમાં વિધવાઓની સ્થિતિ અત્યંત કરુણ હતી. બાળલગ્નના કારણે ઘણી છોકરીઓ નાની ઉંમરે જ વિધવા બનતી અને ત્યારબાદ આખું જીવન સામાજિક તિરસ્કાર, કઠોર નિયમો અને અસમાનતાનો ભોગ બનતી. જેમાં મહિલાને ફરજીયાત સફેદ વસ્ત્ર પહેરવા પડતા, આભૂષણનો ત્યાગ કરવો પડતો, શુભપ્રસંગોમાં ભાગ લેવાની મનાઇ હતી, શિક્ષણ-સ્વતંત્ર જીવનની તક પણ મળતી નહોતી. 

આવા સમયમાં કેટલાક સમાજસુધારકોએ વિધવાઓને ફરીથી લગ્ન કરવાનો અધિકાર મળે તે માટે જોરદાર આંદોલન શરૂ કર્યું. જેમાં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનું સૌથી મોટું યોગદાન હતું. કોઇ વિધવા પુર્નવિવાહની વાત કરે તો એમ કહીને તેમને ચૂપ કરી દેવાતા કે હિંદુ શાસ્ત્રમાં તેની અનુમતી નથી. પરંતુ આવી સંકુચિત માનસિક્તા ધરાવનારા સામે વિદ્યાસાગરે બાંયો ચઢાવી અને તેમણે હિંદુ ધર્મગ્રંથોનો અભ્યાસ કરીને એવી તર્કબદ્ધ દલીલ કરી કે શાસ્ત્રોમાં પુર્નવિવાહ પર પ્રતિબંધ નથી. તેમણે પુસ્તકો, લેખો, અરજીઓ દ્વારા જનમત ઊભો કર્યો. આ કાયદાની મુખ્ય જોગવાઇમાં હિંદુ વિધવાઓને પુર્નવિવાહનો કાનૂની અધિકાર મળવો, આ લગ્નને કાયદેસર માન્યતા આપવી, સમાજના વિરોધ છતાં કાયદાકીય રક્ષણ મળવાનો સમાવેશ થતો હતો. વિધવા પુનર્વિવાહ આંદોલન માત્ર લગ્નનો પ્રશ્ન નહોતા, તે સ્ત્રીઓના માનવ અધિકાર, સમાનતા અને ગૌરવ માટેનો સંઘર્ષ હતો. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર અને અન્ય સમાજસુધારકોના પ્રયાસોથી ભારતીય સમાજમાં એક નવી વિચારધારાનો જન્મ થયો. ૧૮૫૬નો વિધવા પુનર્વિવાહ કાયદો અને કાલીમતી દેવી-શ્રીશચંદ્ર વિદ્યારત્નના ઐતિહાસિક લગ્ન ભારતીય સમાજસુધારણાના ઇતિહાસમાં આજે પણ પ્રેરણાસ્ત્રોત તરીકે યાદ કરવામાં આવે છે. આ કાયદો પસાર થયા પછી પણ સ્થિતિ આપોઆપ પાટે ચઢવા લાગી તેવું પણ નહોતું. વિધવા પુર્નવિવાહ કરનારાનો સામાજિક બહિષ્કાર કરાતો, કોઇ વિધવા પુર્નવિવાહમાં ભાગ પણ લે તો તેની સામે પણ વિરોધ થતો. ગુજરાતની વાત કરવામાં આવે તો મૂર્ધન્ય સાહિત્યકાર નર્મદે વિધવા પુર્નવિવાહનું ખુલ્લેઆમ સમર્થન કર્યું હતું. તેમણે પોતાના લેખ અને ભાષણમાં સમાજની રૂઢિઓનો વિરોધ કર્યો હતો. આ ઉપરાંત દુર્ગારામ મહેતા, કરસનદાસ મૂળજીએ પણ વિધવા પુર્નવિવાહ માટે લડત ચલાવી હતી. 

૧૮૬૮માં અમદાવાદમાં સ્થપાયેલ 'પુનર્લગ્ન એસોસિયેશન'ના નેજા હેઠળ  ૧૮૭૮થી ૧૯૩૪ દરમિયાન આવાં કુલ ૨૧૪ લગ્નો નોંધાયાં હતાં. તેમાં બ્રાહ્મણ-૯૮, વાણિયા-૪૦, જૈન - ૩૪, સોની-૧૨, પાટીદાર-૯, ગરાસિયા-૮, નાગર બ્રાહ્મણ-૬, લુહાણા-૧, સુથાર-૧, કંસારા-૧, બારોટ-૧, ઘાંચી-૧ અને ઠાકરડા-૧નો સમાવેશ થતો હતો. વિધવાવિવાહની સમાજસુધારાની પ્રવૃત્તિઓની અસરના પગલે પગલે લખાયેલી ગોવર્ધનરામ ત્રિપાઠીની નવલકથા 'સરસ્વતીચંદ્ર' અને વીસમી સદીના પ્રારંભે રમણભાઈ નીલકંઠનું 'રાઈનો પર્વત' નાટક યાદગાર ઉદાહરણો છે.

વિધવાઓ સાથે જોડાયેલી સૌથી કઠોર પરંપરાઓમાંની એક હતી મુંડન પ્રથા. પતિના મૃત્યુ પછી વિધવાના માથાના વાળ ઉતારવામાં આવતા. આ પાછળનો વિચાર એવો હતો કે વિધવાએ શણગાર અને સૌંદર્યનો ત્યાગ કરી દેવો જોઈએ.મુંડન પછી તેને સફેદ સાડી પહેરવાની ફરજ પાડવામાં આવતી. રંગીન કપડાં, આભૂષણો અને સામાજિક આનંદથી તેને દૂર રાખવામાં આવતી. વાસ્તવમાં આ પ્રથા સ્ત્રીના વ્યક્તિત્વ અને સ્વતંત્રતા પર નિયંત્રણનું પ્રતીક હતી.વિધવા જીવનની કઠોરતા વચ્ચે એક બીજી ભયાનક પ્રથા પણ અસ્તિત્વમાં હતી- સતી પ્રથા.આ પ્રથામાં પતિના મૃત્યુ પછી પત્ની પણ પતિની ચિતા પર બેસીને અગ્નિમાં સમાઈ જતી અથવા તેને સમાવી દેવામાં આવતી. સતી થયેલી સ્ત્રીને સમાજમાં પૂજનીય ગણવામાં આવતી, પરંતુ હકીકતમાં આ પ્રથા અસંખ્ય સ્ત્રીઓના જીવનનો અંત લાવતી હતી.

ઇતિહાસકારો માને છે કે સતી પ્રથા કોઈ એક વ્યક્તિએ શરૂ કરી નહોતી. તે સદીઓ દરમિયાન વિકસેલી સામાજિક અને સાંસ્કૃતિક માન્યતાઓનું પરિણામ હતી. કેટલાક વિસ્તારોમાં તેને પતિ પ્રત્યેની પરમ નિાનું પ્રતીક માનવામાં આવતું, તો કેટલાક કિસ્સાઓમાં સમાજ અને પરિવારના દબાણની પણ મોટી ભૂમિકા હતી.

૧૯મી સદીમાં સમાજ સુધારક રાજા રામ મોહન રાયે  સતી પ્રથા સામે પ્રચંડ અભિયાન શરૂ કર્યુ હતું. તેમના પ્રયાસોના પરિણામે ૧૮૨૯માં ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટિન્કે સતી પ્રથા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ ભારતીય સમાજના ઇતિહાસમાં સ્ત્રી અધિકારો માટેનો એક મહત્ત્વપૂર્ણ વળાંક હતો. 

પતિના અવસાન બાદ પત્નીની સામાજિક સ્થિતિને કફિલ આજર અમરોહવીએ તેમના શબ્દોમાં અને જગજીતસિંહે તેમના અવાજ દ્વારા બખૂબી વર્ણવી છે....

બાત નિકલેગી તો ફિર દૂર તલક જાએગી, લોગ બે-વજહ ઉદાસી કા સબબ પૂછેંગે, યે ભી પૂછેંગે કિ તુમ ઈતની પરેશાન ક્યોં હો? ઉંગલિયાં ઉઠેંગી સૂખે હુએ બાલોં કી તરફ, ઈક નજર દેખેંગે ગુજરે હુએ સાલોં કી તરફ, ચૂડિયોં પર ભી કંઈ તંજ કિએ જાએેંગે, કાંપતે હાથોં પે ભી ફિકરે કસે જાએેંગે.. લોગ જાલિમ હૈં, હક ઈક બાત કા તાના દેંગે,બાતોં-બાતોં મેં મેરા જિક્ર ભી લે આએંગે, ઉનકી બાતોં કા જરા-સા ભી અસર મત લેના, વરના ચેહરે કે તઅસ્સુર સે સમજ જાએંગે...

આ સમાચાર શેર કરો