ભારતીય પ્રવાસીઓને નવેમ્બર સુધી આ દેશમાં મળશે વિઝા ફ્રી એન્ટ્રી, પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે લેવાયો નિર્ણય
શ્રીલંકાએ તાજેતરમાં દેશમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા અને દેશની અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે

શ્રીલંકાએ તાજેતરમાં દેશમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા અને દેશની અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે વિઝા ફ્રી એક્સેસ પોલિસીના સમયગાળામાં વધારો કર્યો છે. તેમજ થાઈલેન્ડે પણ વિઝા ફ્રી પોલિસીને આગામી 6 મહિના સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. થાઈલેન્ડે ભારત અને તાઈવાનના પ્રવાસીઓ માટે તેના વિઝા ફ્રી પ્રોગ્રામને આગામી 6 મહિના સુધી લંબાવ્યો છે.
આગામી 6 મહિના સુધી ભારતીય પ્રવાસીઓને વિઝાની જરૂર નહીં પડે
ભારતીય પર્યટકોને 11 નવેમ્બર 2024 સુધી વિઝા વગર દેશમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. થાઈલેન્ડની અર્થવ્યવસ્થા સૌથી વધુ પર્યટન પર આધાર રાખે છે, તેથી અર્થવ્યવસ્થાને વેગ આપવા તેમજ વધુ વિદેશી પ્રવાસીઓને આકર્ષવા માટે થાઈલેન્ડે આ નિર્ણય લીધો છે.
આ કાર્યક્રમ નવેમ્બર 2023માં શરૂ થયો હતો
બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ, મંગળવારે કેબિનેટની બેઠક બાદ થાઈ વડાપ્રધાન શ્રેથા થવિસિને ભારત અને તાઈવાનના પ્રવાસીઓને વિઝા ફ્રી પ્રોગ્રામ હેઠળ 1 મહિના સુધી રહેવાની છૂટ આપવાની જાહેરાત કરી હતી.
થાઈલેન્ડે ગયા વર્ષે નવેમ્બરમાં આ પ્રોગ્રામ શરૂ કર્યો હતો, જે અંતર્ગત ભારત અને તાઈવાનના પ્રવાસીઓને 15 દિવસ માટે વિઝા ફ્રી એન્ટ્રી આપવામાં આવી રહી હતી. થાઈ સરકારના કાર્યક્રમના સારા પરિણામો બાદ તેને આગામી 6 મહિના સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ વર્ષે થાઈલેન્ડનું 28 મિલિયન ટુરિસ્ટનું લક્ષ્ય
2024ના પ્રથમ ચાર મહિનામાં, થાઈલેન્ડમાં 12 મિલિયનથી વધુ વિદેશી પ્રવાસીઓ આવ્યા, જે ગયા વર્ષ કરતા 39 ટકા વધુ છે. પ્રવાસન અને રમત મંત્રાલયે જણાવ્યું હતું કે, થાઈલેન્ડમાં સૌથી વધુ પ્રવાસીઓ ચીન, મલેશિયા, રશિયા, દક્ષિણ કોરિયા અને ભારતથી આવે છે.








