શેરડીનો રસ vs નારિયેળ પાણી, ઉનાળામાં એનર્જી અને હાઇડ્રેશન માટે શ્રેષ્ઠ છે આ પીણું
ઉનાળાની સીઝન શરૂ થતાની સાથે જ શરીરને હાઇડ્રેટ રાખવું સૌથી વધુ જરૂરી

ઉનાળાની સીઝન શરૂ થતાની સાથે જ શરીરને હાઇડ્રેટ રાખવું સૌથી વધુ જરૂરી બની જાય છે. પરંતુ શરીરનું હાઇડ્રેશન માત્ર પાણીથી પૂરું થતું નથી, કારણ કે પાણીની સાથે શરીરને સોડિયમ અને પોટેશિયમની પણ જરૂર હોય છે, જેથી બોડીનું ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ જળવાઈ રહે. ગરમીને કારણે શરીરમાંથી પરસેવો ઝડપથી નીકળે છે અને સોડિયમનું પ્રમાણ ઘટવા લાગે છે. શરીરને હાઇડ્રેટ કરવા માટે દેશી પીણાં ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. સામાન્ય રીતે લોકોને લાગે છે કે નારિયેળ પાણી હાઇડ્રેશન માટે શ્રેષ્ઠ છે, પરંતુ શેરડીનો રસ પણ ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ પૂરું કરી શકે છે, જેને લોકો અવારનવાર અવગણતા હોય છે. ચાલો જાણીએ, હાઇડ્રેશન માટે નારિયેળ પાણી અને શેરડીના રસમાંથી શું શ્રેષ્ઠ છે.
ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ
નારિયેળ પાણી: આમાં સોડિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમનું પ્રમાણ ખૂબ જ સંતુલિત હોય છે. જેના કારણે તે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સની ઉણપ પૂરી કરવા અને ડિહાઇડ્રેશન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.
શેરડીનો રસ: આમાં મિનરલ્સ તો ભરપૂર હોય છે, પરંતુ પોટેશિયમ, મેગ્નેશિયમ અને સોડિયમનું યોગ્ય સંતુલન હોતું નથી. આ કારણોસર તે શરીરમાં પ્રવાહીની ઉણપને સંપૂર્ણપણે પૂરી કરી શકતું નથી.
હાઇડ્રેશનમાં કોણ વધુ ઝડપી?
ગરમી, કસરત કે બીમારીને કારણે શરીરમાંથી જે પ્રવાહી ઓછું થાય છે, તેની પૂર્તિ માટે નારિયેળ પાણી વધુ અસરકારક છે. બીજી તરફ, શેરડીનો રસ રિફ્રેશિંગ તો છે, પણ શરીરને રી-હાઇડ્રેટ કરવામાં ધીમો છે, કારણ કે તેમાં શુગર લેવલ વધારે હોય છે.
ડિટોક્સિફિકેશન અને રિકવરી
શેરડીનો રસ: તેમાં એન્ટીઓક્સિડન્ટ્સ અને પ્રોટીન હોય છે જે લીવરના સ્વાસ્થ્યને સપોર્ટ કરે છે અને સ્નાયુઓની રિકવરીમાં મદદ કરે છે.
નારિયેળ પાણી: તેનું આલ્કલાઇન pH અને બાયોએક્ટિવ એન્ઝાઇમ પાચનમાં મદદ કરે છે અને શરીરમાં બનતા એસિડને ન્યુટ્રિલાઇઝ કરે છે.
શું પીવું જોઈએ: શેરડીનો રસ કે નારિયેળ પાણી?
તમારે તમારી સુવિધા અને જરૂરિયાત મુજબ પસંદગી કરવી જોઈએ:
1. રોજિંદા વપરાશ માટે: નારિયેળ પાણી બેસ્ટ છે. તે હલકું છે, ગરમીથી થતા ડિહાઇડ્રેશનને દૂર કરે છે અને વર્કઆઉટ પછી શરીરને હાઇડ્રેટ કરે છે. ઓછી શુગર અને હાઈ ઇલેક્ટ્રોલાઇટને કારણે તે શ્રેષ્ઠ વિકલ્પ છે.
2. ઇન્સ્ટન્ટ એનર્જી માટે: જો તમને તરત જ ઉર્જાની જરૂર હોય, તો શેરડીનો રસ શ્રેષ્ઠ છે. તેમાં રહેલી કુદરતી શુગર લોહીમાં ભળીને તરત જ શક્તિ આપે છે.






