પહેલી વખત બ્લડ ડોનેટ કરવા જઈ રહ્યા છો? યાદ રાખો આ મહત્ત્વપૂર્ણ બાબતો
રક્તદાન (બ્લડ ડોનેશન) એ ઉમદા કાર્ય છે. બીજાનો જીવ બચાવવાનો આ એક સરળ રસ્તો છે. પરંત

રક્તદાન (બ્લડ ડોનેશન) એ ઉમદા કાર્ય છે. બીજાનો જીવ બચાવવાનો આ એક સરળ રસ્તો છે. પરંતુ પહેલીવાર બ્લડ ડોનેટ કરવાનો વિચાર આવતા જ તમારા મનમાં અનેક સવાલો ઉભા થઈ શકે છે. રક્તદાન કરતી વખતે કે રક્તડાન કર્યા બાદ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? આજે અમે તેના વિશે જણાવીશું.
રક્તદાન કરતા પહેલા
રક્તદાન કરતા પહેલા એ જાણવું જરૂરી છે કે તમે તેના માટે યોગ્ય છો કે નહીં. ઉંમર, વજન અને સામાન્ય સ્વાસ્થ્ય જેવી મૂળભૂત પાત્રતાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખવામાં આવે છે. તમે રક્તદાન કેન્દ્રનો સંપર્ક કરીને તમારી યોગ્યતાની પુષ્ટિ કરી શકો છો.
રક્તદાન કરતા પહેલા અને પછી શરીરમાં ડિહાઇડ્રેશન ન થવા દો. રક્તદાનના એક દિવસ પહેલા અને રક્તદાન કરો તે દિવસે પણ પુષ્કળ પાણી પીવો. લોહી બનાવવા માટે આયર્ન સમૃદ્ધ ખોરાક જરૂરી છે. રક્તદાન કરતા પહેલા પાલક અને કઠોળ જેવા આહાર લો.
રક્તદાનની આગલી રાત્રે સારી ઊંઘ લેવી જરૂરી છે. તેનાથી તમે તાજગી અનુભવશો અને રક્તદાનની પ્રક્રિયા સરળ બનશે. ઢીલા-ફિટિંગ કપડા પહેરો, ખાસ કરીને લુઝ સ્લીવવાળા શર્ટ પહેરો જેથી તેને સરળતાથી ફોલ્ડ કરી શકાય.
રક્તદાનના દિવસે અમુક ટેસ્ટ કરવામાં આવે છે. આ ટેસ્ટ તે જાણવા માટે કરવામાં આવે છે કે તમે રક્તદાન કરવા માટે સ્વસ્થ છો કે નહીં. આ ઉપરાંત તે પણ ચેક કરવામાં આવે છે કે તમે એવી કોઈ દવા તો નથી લેતા જે રક્તદાન કરવા માટે યોગ્ય નથી. જો તમે આવી દવા લેતા હોવ તો ડોક્ટરને જરૂર જણાવો.
રક્તદાન દરમિયાન
સ્ક્રીનીંગ દરમિયાન પૂછવામાં આવેલા સ્વાસ્થ્ય સંબંધિત પ્રશ્નોના પ્રામાણિકપણે જવાબ આપો. આ તમારા અને દર્દીના સ્વાસ્થ્યનું રક્ષણ કરશે.
રક્તદાન દરમિયાન શાંત અને તણાવમુક્ત રહો. પુસ્તક વાંચો અથવા સંગીતથ સાંભળો. જો તમને કોઈપણ સમયે અસ્વસ્થતા લાગે, ચક્કર આવે અથવા થાક લાગે, તો તાત્કાલિક સ્ટાફને જાણ કરો.
રક્તદાન પછી
રક્તદાન કર્યા પછી, ઓછામાં ઓછા 10-15 મિનિટ બેસો અને આરામ કરો. રક્તદાન કેન્દ્ર દ્વારા આપવામાં આવેલ નાસ્તો ખાઈ લો અથવા જ્યુસ આપવામાં આવે તો તે પી લો. તેનાથી બ્લડ સુગર લેવલ સંતુલિત રહેશે.
આગામી 24થી 48 કલાક સુધી પુષ્કળ પાણી પીતા રહો. શરીરમાં પાણીની કમી ન થવા દો. રક્તદાનના દિવસે ભારે વસ્તુ ઉપાડવાનું અથવા કસરત કરવાનું ટાળો. રક્તદાન કર્યા પછી તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. જો તમને કોઈ અસામાન્ય લક્ષણો દેખાય, તો રક્તદાન કેન્દ્રનો સંપર્ક કરો.
કેટલીક વધારાની ટીપ્સ
- રક્તદાન કેન્દ્ર પર જતી વખતે તમારું માન્ય ઓળખપત્ર તમારી સાથે લઈ જાવ.
- લાંબુ વેઇટિંગ ટાળવા માટે, જો શક્ય હોય તો, અગાઉથી રક્તદાન માટે એપોઇન્ટમેન્ટ લો.
- જો તમે નર્વસ અનુભવો છો, તો કોઈ મિત્ર અથવા કુટુંબના સભ્યને સાથે લઈ જાવ. તેમની કંપની તમને આરામદાયક અનુભવ કરાવશે.
- પુરૂષો દર 12 અઠવાડિયે અને સ્ત્રીઓ દર 16 અઠવાડિયે રક્તદાન કરી શકે છે.








