ઘરે સરળતાથી બનાવી શકો છો ક્રિસ્પી આઈસ્ક્રીમ કોન, નોંધી લો તેની રેસીપી
આઈસ્ક્રીમ લગભગ દરેક વ્યક્તિને ભાવે છે, ઘણા લોકો માત્ર ઉનાળામાં જ નહીં પરંતુ શિયાળામાં પણ આઈસ્ક્રીમ ખાવાનું પસંદ કરે છે

આઈસ્ક્રીમ લગભગ દરેક વ્યક્તિને ભાવે છે, ઘણા લોકો માત્ર ઉનાળામાં જ નહીં પરંતુ શિયાળામાં પણ આઈસ્ક્રીમ ખાવાનું પસંદ કરે છે. ડીનર પછી હોય કે રાત્રે સૂતા પહેલા, બપોરે ગરમી હોય કે સાંજની ક્રેવીંગ હોય, લોકો ગમે ત્યારે આઈસ્ક્રીમ ખાઈ શકે છે. ઘણા લોકો ઉનાળામાં ઘરે આઈસ્ક્રીમ બનાવે છે. તમે ઘરે સરળતાથી આઈસ્ક્રીમ બનાવી શકો છો, પરંતુ શું તમે જાણો છો કે આઈસ્ક્રીમનો કોન કેવી રીતે બનાવાય છે? આઈસ્ક્રીમ કોન જે બજારમાં રૂ. 10-20માં મળે છે. તમે તેને ઘરે ખૂબ જ સરળતાથી બનાવી શકો છો, આજના લેખમાં અમે તમને ક્રિસ્પી અને ક્રન્ચી કોન બનાવવાની રીત અને તેને સ્ટોર કરવાની ટિપ્સ જણાવીશું.
સામગ્રી
- 2 ચમચી દરેલી ખાંડ
- 2 ચમચી માખણ ઓગળેલું
- 1/4 કપ દૂધ
- 1/4 ચમચી વેનીલા એસેન્સ
- 1/4 કપ મેંદો
બનાવવાની રીત
- કોન બનાવવા માટે, એક બાઉલમાં દરેલી ખાંડ અને ઓગળેલું ઘી અથવા માખણ ઉમેરી સારી રીતે મિક્સ કરો.
- બંનેને સારી રીતે મિક્સ કર્યા પછી, ખાંડ અને માખણના મિશ્રણમાં દૂધ ઉમેરો.
- હવે આ મિશ્રણમાં વેનીલા એસેન્સ અને મેંદો ઉમેરો અને સારી રીતે મિક્સ કરો, જેથી કોઈ લમ્પસ ના રહે.
- હવે આ કોન બેટરને વેફલ કોન મશીનમાં મૂકો અને તેને બંને બાજુથી સારી રીતે બેક કરો.
- જ્યારે કોન ગોલ્ડન થઈ જાય ત્યારે તેને પ્લેટમાં કાઢી લો અને તરત જ કોન શેપરની મદદથી કોન બનાવી લો.
- થોડા સમય પછી, જ્યારે કોન ઠંડો થઈ જાય, ત્યારે તેમાં આઈસ્ક્રીમ ઉમેરીને સર્વ કરો.
કોન બનાવતી વખતે આ ટિપ્સ અનુસરો
- કોનના બેટરમાં દરેક સામગ્રી રેસીપીમાં જણાવ્યા મુજબ જ લેવી, નહીં તો કોન નરમ થઈ શકે છે.
- વેફલ કોન મેકરમાંથી કોન કાઢી લીધા પછી તરત જ શેપરની મદદથી કોન બનાવી લો, નહીં તો કોન શેપ મેળવતા પહેલા જ ક્રિસ્પી થઈ જશે.
- મિશ્રણને વેફલ મશીનમાં નાખતા પહેલા તેને સારી રીતે ફેટી લો, નહીં તો લમ્પસ રહી જશે, અને તે કોનને બગાડી શકે છે.
આ રીતે કોન સ્ટોર કરો
- કોન બનાવ્યા પછી, તેને એર ટાઈટ ડબ્બામાં સ્ટોર કરો, નહીં તો કોન હવાઈ જશે.
- જો સ્ટોર કરેલા કોન હવાઈ જાય, તો તમે તેને માઇક્રોવેવમાં થોડા સમય માટે ગરમ કરી શકો છો.








