શું તમે પણ ઘરે આવીને ઓફિસનું ટેન્શન સાથે લાવો છો? આ સરળ આદતોથી મેળવો માનસિક શાંતિ

ઓફિસથી નીકળતી વખતે ભલે લેપટોપ બેગમાં બંધ થઈ જાય, પણ શું તમારું મગજ હજી પણ મીટિંગ, ઈમેલ, ડેડલાઈન અને પછીના દિવસના કામમાં અટવાયેલું રહે છે? જો એવું હોય તો તમે એકલા નથી. કામનો તણાવ ઘણીવાર ઓફિસની ચાર દિવાલમાંથી નીકળીને ઘર સુધી પહોંચી જાય છે. આની અસર સાંજના આરામ, પરિવાર સાથેના સમય અને ઊંઘ પર પણ પડી શકે છે.
વાસ્તવમાં, કામ પૂરું થવા અને માનસિક રીતે કામથી અલગ થવામાં ફરક છે. શરીર ઓફિસથી ઘરે આવી જાય છે, પણ મગજ જો સતત કામ સાથે જોડાયેલી વાતો જ વિચારતું રહે તો આરામનો સમય પણ તણાવમાં વિતી શકે છે. એવામાં જરૂરી છે કે ઓફિસ અને અંગત જીવન વચ્ચે એક નાનો 'મેન્ટલ સ્વીચ' (માનસિક વિરામ) બનાવવામાં આવે.
આના માટે હંમેશાં મોટા ફેરફારો કરવાની જરૂર નથી હોતી. કેટલીક નાની અને સરળ ટેવો અપનાવીને મગજને સંકેત આપી શકાય છે કે હવે કામનો સમય પૂરો થઈ ચૂક્યો છે. વોક કરવી, થોડીવાર સ્ક્રીનથી અંતર જાળવવું, પછીના દિવસના જરૂરી કામ લખી દેવા અથવા ઘરે પહોંચ્યા પછી થોડો સમય મનપસંદ પ્રવૃત્તિ માટે ફાળવવો આ ફેરફારમાં મદદરૂપ થઈ શકે છે.
ઓફિસ પૂરું થતાં જ કામથી થોડા ડિસ્કનેક્ટ થાઓ
જો ઓફિસનું કામ પૂરું થયા પછી પણ સતત ઈમેલ અને મેસેજ ચેક કરતા રહેશો, તો મગજને આરામનો સંકેત મળવો મુશ્કેલ થઈ શકે છે. તેથી શક્ય હોય તો કામ સંબંધિત નોટિફિકેશનને થોડા સમય માટે બંધ કરો અને જરૂરી કામોની યાદી પછીના દિવસ માટે લખીને છોડી દો. આનાથી 'અરે, પેલું કામ કરવાનું તો ભુલાઈ નથી ગયું ને?' એવું વારંવાર વિચારવાની જરૂર ઘટી શકે છે.
ઘરે પહોંચતા પહેલાં લો એક નાનો બ્રેક
ઓફિસથી સીધા ઘરે પહોંચીને ઘરની જવાબદારીઓમાં લાગી જવાને બદલે રસ્તામાં કે ઘરે પહોંચ્યા પછી થોડી મિનિટો પોતાના માટે કાઢો. હળવી વોક, શાંત સંગીત સાંભળવું કે થોડીવાર ઊંડા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું એ દિવસના તણાવથી મુક્ત થવા માટે એક નાનો સંક્રમણ કાળ (ટ્રાન્ઝિશન) બની શકે છે. આના માટે મોટું ધ્યાન (મેડિટેશન) સેશન જ કરવું જરૂરી નથી, થોડી શાંત મિનિટો પણ તમારી દિનચર્યામાં મોટો ફેરફાર લાવી શકે છે.
મગજમાં ચાલતી વાતોને કાગળ પર લખી દો
ઘણીવાર તણાવ એટલા માટે જળવાઈ રહે છે કારણ કે મગજ વારંવાર અધૂરાં કામ યાદ કરાવ્યા કરે છે. એવામાં એક નાની નોટબુક કે નોટ્સ એપમાં પછીના દિવસના જરૂરી કામ લખી દો. ઉદાહરણ તરીકે, 'સવારે 10 વાગે રિપોર્ટ જોવાનો છે', 'ક્લાયન્ટને મેઇલ કરવાનો છે' જેવી બાબતો લખી દેવાથી તેને સતત યાદ રાખવાનું માનસિક દબાણ ઘટી જાય છે.
ઘરે એક રિલૅક્સેશન રૂટિન બનાવો
ઘરે પહોંચ્યા પછી રોજ એક નાની દિનચર્યા નક્કી કરો. જેમ કે કપડાં બદલવા, નાહવું, ચા પીવી, બાલ્કનિમાં બેસવું, પુસ્તક વાંચવું કે પરિવાર સાથે વાતચીત કરવી. એકસરખી દિનચર્યા મગજને એ સંકેત આપવામાં મદદ કરે છે કે હવે વર્ક મોડમાંથી પર્સનલ મોડમાં આવવાનો સમય થઈ ગયો છે.
દરેક સમયે પ્રોડક્ટિવિટી પાછળ ન ભાગો
કામ પછીના નવરાશના સમયને પણ કોઈ ને કોઈ કામથી ભરી દેવો જરૂરી નથી. જો આખો દિવસ મીટિંગ્સ અને ડેડલાઈન્સમાં વિત્યો હોય, તો સાંજનો થોડો હિસ્સો કોઈ પણ પ્રોડક્ટિવિટી ગોલ વગર પણ વિતાવી શકાય છે. ફિલ્મ જોવી, સંગીત સાંભળવું, રસોઈ બનાવવી, છોડની સંભાળ રાખવી કે બસ આરામ કરવો — જે પ્રવૃત્તિ તમને સહજ અને હળવાશ અનુભવડાવે, તેને સમય આપો.
ઊંઘતા પહેલાં કામના વિચારો પર પૂર્ણવિરામ મૂકો
જો રાત્રે પથારીમાં જતાં જ પછીના દિવસની મીટિંગ કે પેન્ડિંગ કામ યાદ આવવા લાગે, તો સૂતા પહેલાં એક નાનું 'બ્રેન ડમ્પ' (મગજના વિચારો કાગળ પર લખી લેવા) કરી શકો છો. પછીના દિવસના જરૂરી ટાસ્ક લખી લો અને પછી પોતાને યાદ અપાવો કે હવે તેના પર કાલે જ કામ કરવામાં આવશે.
સાથે જ, સૂતા પહેલાં જ કામ સંબંધિત ઈમેલ કે ઓફિસ ચેટ જોવાની ટેવ ઓછી કરવી પણ ખૂબ ઉપયોગી નીવડી શકે છે.

