શિયાળામાં ગરમ પાણી પીવાના 5 મોટા ફાયદા, જાણો કયા સમયે પીવું અને કોણે રાખવી સાવચેતી

શિયાળાની શરૂઆત થતાં જ લોકો પોતાની ખાણીપીણી અને દિનચર્યામાં ફેરફાર કરવા લાગે છે. ઠંડીની ઋતુમાં ચા, કોફી અને ગરમ પીણાંનું સેવન વધે છે. જોકે, સ્વાસ્થ્યની દૃષ્ટિએ નવશેકું પાણી પીવાની આદત પણ ફાયદાકારક માનવામાં આવે છે. આયુર્વેદમાં ગરમ પાણીને ‘ઉષ્ણોદક’ કહેવામાં આવ્યું છે. આયુર્વેદિક માન્યતા મુજબ, શિયાળામાં શરીરની પાચનશક્તિ એટલે કે જઠરાગ્નિ પ્રબળ બને છે, પરંતુ વાયુ અને કફ દોષ વધવાની શક્યતા પણ રહે છે. આવી સ્થિતિમાં નવશેકું પાણી શરીરને સંતુલિત રાખવામાં મદદરૂપ થઈ શકે છે.
આયુર્વેદના ગ્રંથોમાં ગરમ પાણીનું મહત્ત્વ
આયુર્વેદના પ્રાચીન ગ્રંથ ‘અષ્ટાંગ હૃદય’ના ઋતુચર્યા અધ્યાયમાં હેમંત ઋતુ દરમિયાન જઠરાગ્નિ બળવાન થવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઋતુમાં ભૂખ વધુ લાગતી હોવાથી પૌષ્ટિક અને ઘી-તેલયુક્ત ખોરાક લેવાની સલાહ આપવામાં આવે છે. તેની સાથે ગરમ પાણીનું સેવન પણ હિતકારી માનવામાં આવ્યું છે. ‘ભાવપ્રકાશ’ ગ્રંથમાં પણ ગરમ પાણીને પાચન માટે ઉપયોગી, ગળા માટે હિતકારી અને ભૂખ વધારવામાં મદદરૂપ ગણાવાયું છે. પરંપરાગત આયુર્વેદિક માન્યતા મુજબ તે આફરો, ઉધરસ અને તાવ જેવી સમસ્યાઓમાં પણ રાહત આપી શકે છે.
ગરમ પાણી પીવાનો યોગ્ય સમય કયો?
-
સવારે ખાલી પેટે: ઊંઘમાંથી જાગ્યા બાદ એકથી બે ગ્લાસ નવશેકું પાણી પીવાથી શરીરને હાઇડ્રેટ રાખવામાં અને આંતરડાની નિયમિત કામગીરીમાં મદદ મળી શકે છે. કબજિયાતમાં પણ કેટલાક લોકોને રાહત મળે છે.
-
ભોજન દરમિયાન: જમતી વખતે જરૂરિયાત મુજબ થોડું નવશેકું પાણી પી શકાય છે. જોકે, એકસાથે વધુ પડતું પાણી પીવાનું ટાળવું.
-
રાત્રે સૂતાં પહેલાં: સૂવાના 30થી 45 મિનિટ પહેલાં એક કપ નવશેકું પાણી પીવાથી શરીરમાં પાણીનું પ્રમાણ જાળવવામાં મદદ મળે છે.
-
ઠંડીમાંથી આવ્યા બાદ: ઠંડા વાતાવરણમાંથી આવ્યા પછી નવશેકું પાણી પીવાથી ગળાને આરામ મળી શકે છે.
શિયાળામાં ગરમ પાણી પીવાના 5 ફાયદા
1. પાચનતંત્ર માટે ઉપયોગી: શિયાળામાં અડદિયા, ગુંદરપાક અને વસાણા જેવા ભારે ખોરાકનું સેવન વધે છે. પૂરતું પાણી પીવાથી પાચનતંત્રની સામાન્ય કામગીરી જાળવવામાં મદદ મળે છે.
2. ગળાને આપે રાહત: નવશેકું પાણી પીવાથી ગળાની ખરાશ અને અસ્વસ્થતામાં રાહત મળી શકે છે. કફની સમસ્યામાં પણ હૂંફાળું પાણી આરામદાયક બની શકે છે.
3. સાંધાની જકડનથી રાહત: શિયાળામાં કેટલાક લોકોને સાંધામાં જકડન અને દુખાવાની સમસ્યા થાય છે. શરીરમાં પૂરતું પાણી જાળવવું એકંદર સ્વાસ્થ્ય માટે જરૂરી છે.
4. હાઇડ્રેશન જાળવે: ઠંડીમાં તરસ ઓછી લાગતી હોવા છતાં શરીરને પાણીની જરૂરિયાત રહે છે. નવશેકું પાણી પીવાથી શરીરમાં પાણીનું પ્રમાણ જાળવવામાં મદદ મળે છે.
5. કબજિયાતમાં મદદરૂપ: સવારે પાણી પીવાથી આંતરડાની કામગીરીને પ્રોત્સાહન મળી શકે છે અને નિયમિત મળત્યાગમાં મદદ મળી શકે છે.
આ લોકોએ ગરમ પાણી પીવામાં સાવચેતી રાખવી
દરેક વ્યક્તિના શરીરની પ્રકૃતિ અને સ્વાસ્થ્યની સ્થિતિ અલગ હોય છે. આયુર્વેદમાં પિત્ત પ્રકૃતિ ધરાવતા લોકોને ગરમ પાણીના સેવન અંગે સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે. ખાસ કરીને નીચેની સમસ્યાઓ ધરાવતા લોકોએ તબીબની સલાહ લેવી જોઈએ:
-
પિત્ત પ્રકૃતિ ધરાવતા લોકો: જેમને શરીરમાં વધુ ગરમી, હાથ-પગના તળિયામાં બળતરા કે વારંવાર મોઢામાં ચાંદાં પડવાની સમસ્યા હોય.
-
એસિડિટી અને અલ્સરના દર્દીઓ: વારંવાર ખાટા ઓડકાર, છાતીમાં બળતરા કે પેટમાં અલ્સરની તકલીફ હોય તેવા લોકોએ વ્યક્તિગત તબીબી સલાહ લેવી.
-
રક્તસ્ત્રાવની સમસ્યા ધરાવતા લોકો: નાકમાંથી લોહી નીકળવું, હરસ-મસામાંથી લોહી પડવું કે માસિક દરમિયાન વધુ રક્તસ્ત્રાવ થતો હોય તો તબીબી માર્ગદર્શન લેવું.
-
ચક્કર અને નબળાઈની સમસ્યા: વારંવાર ચક્કર આવતાં હોય કે અતિશય નબળાઈ અનુભવાતી હોય તો પોતાની સ્થિતિ પ્રમાણે પાણીનું સેવન કરવું.
ધ્યાન રાખો: ઉકળતું પાણી નહીં, નવશેકું પાણી પીવો
ગરમ પાણી પીતી વખતે તેનું તાપમાન સૌથી મહત્ત્વનું છે. ખૂબ જ ઉકળતું પાણી પીવાથી મોઢું, ગળું અને અન્નનળી દાઝી શકે છે. તેથી પાણીને ઉકાળ્યા બાદ થોડું ઠંડું થવા દઈને નવશેકું હોય ત્યારે જ પીવું જોઈએ. શિયાળામાં નિયમિત અને જરૂરિયાત મુજબ પાણી પીવાની આદત શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદરૂપ બની શકે છે. જોકે, ગરમ પાણી કોઈ બીમારીનો ઇલાજ નથી અને સ્વાસ્થ્યની સમસ્યા હોય તો તબીબી સલાહ લેવી જરૂરી છે.








