સાવધાન! ચાના નામે તમે કેમિકલ તો નથી પી રહ્યા ને? FSSAI એ જાહેર કરી નકલી ચા ઓળખવાની 3 રીત
ઉત્તર પ્રદેશના બારાબંકીમાં STF દ્વારા ચા પા

ઉત્તર પ્રદેશના બારાબંકીમાં STF દ્વારા ચા પાવડરમાં સિન્થેટિક કલર ભેળવવાનું કૌભાંડ ઝડપાયું છે. ગુજરાતના હિંમતનગર અને સાબરકાંઠામાં પણ નકલી ચા ફેક્ટરીઓ પકડાઈ હતી. ભેળસેળિયાઓ ચામાં લાકડાનો વહેર, ચામડું, કેમિકલવાળી ડાઈ ભેળવે છે. FSSAI એ ઘરે નકલી ચા ઓળખવા 3 સરળ ટેસ્ટ જણાવ્યા છે: ઠંડા પાણી, બ્લોટિંગ પેપર અને હાથથી ઘસવાનો ટેસ્ટ.
Leaves: આપણા દેશમાં મોટા ભાગના ઘરોમાં સવારની શરૂઆત ચાના કપ વિના અધૂરી ગણાય છે. પરંતુ, શું તમે જાણો છો કે જે ચા તમને સ્ફૂર્તિ આપે છે, તે કદાચ તમારા સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડી રહી હોય? હાલમાં જ ઉત્તર પ્રદેશના બારાબંકીમાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) દ્વારા એક આઘાતજનક રેકેટનો પર્દાફાશ કરાયો, જેમાં ચા પાવડરમાં હાનિકારક સિન્થેટિક કલર અને કેમિકલ ભેળવીને બજારમાં વેચાણ માટે મૂકી દેવાતી હતી. જો કે, દેશના વિવિધ રાજ્યોમાં આ પ્રકારના કૌભાંડ બહાર આવી ચૂક્યા છે.
ગુજરાતમાં પણ નકલી ચાની ફેક્ટરીઓ ઝડપાઈ ચૂકી છે
ખોરાકમાં ભેળસેળના આવા કિસ્સા આખા દેશ સહિત ગુજરાતમાં પણ અવારનવાર સામે આવતા રહે છે. હિંમતનગર અને સાબરકાંઠા જેવા વિસ્તારોમાં અગાઉ બ્રાન્ડેડ પ્રોડક્ટ્સના નામે નકલી ચા અને અન્ય નકલી સામગ્રી બનાવતી ફેક્ટરીઓ ઝડપાઈ ચૂકી છે. નફાખોરીના ચક્કરમાં ભેળસેળિયાઓ ચાની પત્તીમાં લાકડાનો વહેર, ચામડું, નકામી કેમિકલવાળી ડાઈ અને અગાઉ વપરાઈ ગયેલી ચાની પત્તીને રંગીને બજારમાં વેચી દે છે. આ કેમિકલયુક્ત નકલી ચા પીવાથી લિવર, કિડની અને પેટની ગંભીર બીમારીઓ થઈ શકે છે.
ચિંતાની વાત એ છે કે સામાન્ય આંખે જોતા અસલી અને નકલી ચા વચ્ચેનો તફાવત ખબર પડતો નથી. પરંતુ ફૂડ સેફ્ટી એક્સપર્ટ્સ અને FSSAI (ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા) એ કેટલીક એવી સરળ રીતો જણાવી છે, જેનાથી તમે ઘરે જ મિનિટોમાં જાણી શકશો કે તમારી ચા શુદ્ધ છે કે ઝેર.
ઘરે જ આ 3 સરળ ટેસ્ટ કરીને ઓળખો નકલી ચા
ઠંડા પાણીનો જાદુઈ ટેસ્ટ (કોલ્ડ વોટર ટેસ્ટ)
અસલી ચાની પત્તી હંમેશા ગરમ પાણીમાં જ પોતાનો રંગ છોડે છે. એક કાચના ગ્લાસમાં સાદું ઠંડું પાણી લો અને તેમાં એક ચમચી ચાની પત્તી નાખો. જો પત્તી પાણીમાં પડતાની સાથે જ તરત જ પાણીનો રંગ લાલ, પીળો કે કથ્થઈ કરવા લાગે, તો સમજી લેવું કે તેમાં કૃત્રિમ કલર (સિન્થેટિક ડાઈ) ભેળવવામાં આવ્યો છે. અસલી ચા ઠંડા પાણીમાં બહુ જ ધીમેથી અથવા નહીંવત રંગ છોડે છે.
બ્લોટિંગ પેપર અથવા ટિશ્યુ પેપર ટેસ્ટ
એક ટિશ્યુ પેપર અથવા સાદો સફેદ કાગળ લો અને તેને પાણીથી થોડો ભીનો કરી લો. હવે આ ભીના કાગળ પર થોડી ચા પત્તી છાંટો. થોડીવાર પછી કાગળ પરથી ચાની પત્તી હટાવી લો. જો કાગળ પર ઘાટા કથ્થઈ કે લાલ રંગના ડાઘા પડી ગયા હોય, તો એ સ્પષ્ટ સંકેત છે કે ચામાં ભેળસેળ છે. અસલી ચા કાગળ પર આવા કોઈ કલરના ડાઘ છોડતી નથી.
હાથથી ઘસવાનો દેશી પ્રયોગ
થોડી ચા પત્તીને હથેળીમાં લો અને તેને અંગૂઠાની મદદથી જોરથી ઘસો. જો ઘસવાથી તમારા હાથ પર કૃત્રિમ કલર કે કાળો-લાલ રંગ ચોંટી જાય, તો તે ચા કેમિકલવાળી છે. વળી, અસલી ચાની પત્તી નખથી દબાવતા કે ઘસતા પાવડર જેવી થઈ જાય છે, જ્યારે લાકડાનો વહેર કે અન્ય ભેળસેળવાળી ચા કડક લાગે છે.
નોંધનીય છે કે, બજારમાં સસ્તી મળતી ખુલ્લી ચા ખરીદવાનું ટાળો. હંમેશા ભરોસાપાત્ર અને રજિસ્ટર્ડ બ્રાન્ડની જ ચા ખરીદવાનો આગ્રહ રાખો, કારણ કે સાવચેતી જ સ્વાસ્થ્યની ચાવી છે.








