લિવર ખરાબ થવાના 5 શરૂઆતી સંકેત: સમયસર ઓળખો અને મોટા નુકસાનથી બચો!

માનવ શરીરનું સૌથી મોટું આંતરિક અંગ એટલે કે લિવર (યકૃત) શરીરમાં 500થી વધુ મહત્ત્વપૂર્ણ કાર્યો કરે છે. ડૉ.ના જણાવ્યા અનુસાર, લિવર પાચન સુધારવાથી લઈને શરીરમાંથી ઝેરી પદાર્થો દૂર કરવા અને પોષક તત્ત્વોનો સંગ્રહ કરવા સુધીની અનેક જવાબદારીઓ નિભાવે છે. જોકે, લિવરના કોષોમાં દુખાવો અનુભવતી ચેતા ઓછી હોવાથી શરૂઆતના તબક્કામાં લિવરની સમસ્યાઓમાં સ્પષ્ટ દુખાવો થતો નથી. તેથી શરીરમાં દેખાતાં અન્ય લક્ષણોને ઓળખવાં ખૂબ જરૂરી છે.
1. આંખો અને ત્વચાનો રંગ પીળો પડવો
લિવરની કાર્યક્ષમતા ઘટે ત્યારે લોહીમાં બિલિરુબિન નામનું પીળા રંગનું પદાર્થ જમા થવા લાગે છે. સ્વસ્થ લિવર આ પદાર્થને શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે. પરંતુ લિવરને નુકસાન પહોંચે ત્યારે બિલિરુબિનનું પ્રમાણ વધી શકે છે, જેના કારણે આંખોના સફેદ ભાગ, ત્વચા અને નખ પીળા દેખાવા લાગે છે. આ સ્થિતિને કમળો કહેવામાં આવે છે. આ ઉપરાંત, પેશાબનો રંગ ઘેરો પીળો અથવા ભૂરાશ પડતો થવો પણ કમળાનું એક મહત્ત્વનું લક્ષણ હોઈ શકે છે.
2. પેટના જમણા ઉપરના ભાગમાં દુખાવો અને સોજો
લિવર પેટના ઉપરના જમણા ભાગમાં આવેલું હોય છે. લિવરમાં ચરબી વધારે જમા થાય અથવા ચેપને કારણે સોજો આવે તો આ ભાગમાં સતત હળવો દુખાવો, ભાર અથવા અસ્વસ્થતા અનુભવાઈ શકે છે. લિવરને ગંભીર નુકસાન થાય ત્યારે પેટમાં પ્રવાહી જમા થવા લાગે છે, જેના કારણે પણ પેટ અસામાન્ય રીતે ફૂલી શકે છે. તબીબી ભાષામાં આ સ્થિતિને ‘એસાઇટિસ’ (Ascites) કહેવામાં આવે છે.
3. ત્વચામાં અસહ્ય ખંજવાળ અને લાલ નિશાન
કોઈ સ્પષ્ટ ચામડીના રોગ કે એલર્જી વિના આખા શરીરમાં સતત ખંજવાળ આવવી પણ લિવરની સમસ્યાનું સંકેત હોઈ શકે છે. લિવર પિત્તરસને યોગ્ય રીતે બહાર કાઢી શકતું ન હોય ત્યારે પિત્તરસમાં રહેલા કેટલાક પદાર્થો શરીરમાં જમા થઈ શકે છે, જેના કારણે ખંજવાળ થાય છે. આ ઉપરાંત, ત્વચા પર કરોળિયાના જાળા જેવા આકારની નાની લાલ રક્તવાહિનીઓ દેખાય તો તે પણ લિવરની કેટલીક બીમારીઓ સાથે સંકળાયેલું લક્ષણ હોઈ શકે છે.
4. પગ અને ઘૂંટીમાં વધારે સોજો
લિવરની કાર્યક્ષમતા ગંભીર રીતે ઘટે ત્યારે લોહીમાં ‘આલ્બ્યુમિન’ નામના પ્રોટીનનું પ્રમાણ ઓછું થઈ શકે છે. આ પ્રોટીન શરીરમાં પ્રવાહીનું સંતુલન જાળવવામાં મદદ કરે છે. તેનું પ્રમાણ ઘટતાં રક્તવાહિનીઓમાંથી પ્રવાહી આસપાસના પેશીઓમાં જમા થઈ શકે છે. પરિણામે પગ, પંજા અને ઘૂંટીમાં સોજો આવી શકે છે. કેટલીક વખત સોજાવાળી જગ્યા પર આંગળીથી દબાવતાં ખાડો પણ પડી જાય છે. આવું લક્ષણ દેખાય તો તબીબી તપાસ કરાવવી ખૂબ જ જરૂરી છે.
5. ભૂખ ઓછી લાગવી, ઊબકા આવવા અને કારણ વિના વજન ઘટવું
લિવરને નુકસાન થવાના સંકેતોમાં આ સંકેત પણ ખૂબ જ ધ્યાન રાખવા જેવું છે. ખોરાકમાં રહેલી ચરબીના પાચન માટે લિવર પિત્તરસ બનાવે છે. લિવરની કાર્યક્ષમતા ઘટે ત્યારે પાચનતંત્ર પર અસર પડી શકે છે. આવી સ્થિતિમાં ખોરાક જોઈને ઊબકા આવવા, થોડું ખાધા પછી પણ પેટ ભરાઈ ગયું હોય એવું લાગવું અને ભૂખ ઓછી થવી જેવા લક્ષણો જોવા મળી શકે છે. કેટલાક કિસ્સામાં કોઈ સ્પષ્ટ કારણ વિના વજન પણ ઘટવા લાગે છે.
લિવરને નુકસાન થવાનાં મુખ્ય કારણો
વધુ પડતું દારૂ પીવાથી લિવરના કોષોને નુકસાન થઈ શકે છે અને લાંબા ગાળે આલ્કોહોલિક હેપેટાઇટિસ અથવા લિવર સિરોસિસ જેવી ગંભીર બીમારીઓ થઈ શકે છે. જોકે, ફક્ત દારૂ પીતા લોકોને જ લિવરની સમસ્યા થાય તેવું વહેમ ન રાખતા. બિનઆરોગ્યપ્રદ આહાર, વધારે કેલરીવાળો ખોરાક, મેદસ્વિતા અને શારીરિક પ્રવૃત્તિના અભાવથી પણ લિવરમાં ચરબી જમા થઈ શકે છે. આ ઉપરાંત, હેપેટાઇટિસ B અને C જેવા વાયરલ ચેપ તથા કેટલીક દવાઓનો અયોગ્ય અથવા બિનજરૂરી ઉપયોગ પણ લિવરને નુકસાન પહોંચાડી શકે છે.
લિવરને સ્વસ્થ રાખવા માટે શું કરવું?
લિવરની તંદુરસ્તી જાળવવા માટે દારૂથી દૂર રહેવું અને સંતુલિત આહાર લેવો મહત્ત્વપૂર્ણ છે. જમવામાં લીલા પાંદડાંવાળી શાકભાજી, લસણ અને બેરીઝ જેવા પોષક તત્ત્વો ધરાવતા ખોરાકનો સમાવેશ કરી શકાય છે. ગ્રીન ટી પીવી પસંદ હોય તો તેનું સેવન પણ સંતુલિત માત્રામાં કરી શકાય છે, પરંતુ કોઈ એક ખોરાક કે પીણું લિવરની બીમારીની સારવાર નથી. ખાંડ, મેંદો અને વધુ પડતા તળેલા ખોરાકનું સેવન ઘટાડવું જોઈએ. નિયમિત કસરત કરવી, શરીરનું વજન નિયંત્રણમાં રાખવું અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવી પણ જરૂરી છે. દરરોજ 45 મિનિટ કસરત કરવાનું લક્ષ્ય પણ રાખી શકાય છે.
સમયસર તપાસ કરાવીને લિવરને ગંભીર નુકસાનથી બચાવો - લિવરની સમસ્યાઓ ઘણી વખત શરૂઆતમાં સ્પષ્ટ લક્ષણો આપતી નથી. તેથી આંખો કે ત્વચા પીળી થવી, પેટમાં સોજો આવવો, સતત ખંજવાળ, પગમાં સોજો અથવા કારણ વિના વજન ઘટવા જેવાં લક્ષણો દેખાય તો ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. લિવર ફંક્શન ટેસ્ટ (LFT), લિવર અલ્ટ્રાસાઉન્ડ અથવા ફાઇબ્રોસ્કેન જેવી તપાસો ડૉક્ટરની સલાહ મુજબ કરાવી શકાય છે. આ તપાસોથી લિવરની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં મદદ મળે છે અને જરૂર પડે તો સમયસર સારવાર શરૂ કરી શકાય છે.








