બહરાઈચ હિંસાના આરોપીઓના ઘર ઉપર નહીં ચાલે યોગીનું બુલડોઝર, સુપ્રીમ કોર્ટે લગાવી બ્રેક
સુપ્રીમ કોર્ટે ફરી એકવાર યોગી સરકારના બુલડોઝરની કાર્યવાહી પર રોક

સુપ્રીમ કોર્ટે ફરી એકવાર યોગી સરકારના બુલડોઝરની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. મંગળવારે બહરાઇચ હિંસામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓની મિલકતો તોડી પાડવાની ઉત્તર પ્રદેશ સરકારની કાર્યવાહી આવતીકાલ સુધી મોકૂફ રાખવામાં આવી છે. આ કેસની સુનાવણી હવે બુધવારે થશે. જસ્ટિસ બીઆર ગવઈએ કહ્યું, "આ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશોથી તમે વાકેફ છો. જો ઉત્તર પ્રદેશ સરકાર આ આદેશોનું ઉલ્લંઘન કરવાનું જોખમ ઉઠાવવા માંગે છે, તો તે તેમની મરજી છે.
જણાવી દઈએ કે, બહરાઈચ હિંસાના આરોપીઓ દ્વારા યુપી સરકારના બુલડોઝર એક્શન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી અને તેના પર તાત્કાલિક સુનાવણીની માગ કરી છે. 23 લોકોને ત્રણ દિવસમાં પોતાના મકાનો તોડી પાડવાની નોટિસ મળી હતી. જેઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. અરજદારોના પિતા અને ભાઈએ પહેલાથી જ પોલીસ સામે આત્મસમર્પણ કરી લીધું છે. એડવોકેટ સિંહે તેને કોર્ટના આદેશોનું સ્પષ્ટ ઉલ્લંઘન ગણાવતા કહ્યું કે, 'પીડબ્લ્યુડીએ ત્રણ દિવસમાં ડિમોલિશનની નોટિસ જારી કરી છે, જ્યારે અમે આ મામલાને તાત્કાલિક સુનાવણી માટે લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.'
શું બોલ્યા એસએસજી?
જસ્ટિસ ગવઈએ પૂછ્યું કે, શું આ મામલો હાઈકોર્ટમાં છે? અને શું તમે કોર્ટના આદેશોથી વાકેફ છો? અને જો તમે આ આદેશોનો અનાદર કરવાનું જોખમ લેવા માંગતા હોય તો એ તમારો નિર્ણય છે. સરકાર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ (ASG)એ કહ્યું કે, 'અમે હાઈકોર્ટને ખાતરી આપી છે કે 15 દિવસની નોટિસ 20 ઓક્ટોબરના રોજ જારી કરવામાં આવી છે.'
કેસની સુનાવણી સુધી કાર્યવાહી પર રોક
અરજદારોના વકીલે દલીલ કરી હતી કે, અમારા ક્લાયન્ટને રક્ષણ પૂરું પાડવું જોઈએ, કારણ કે એક ઘર 10 વર્ષ જૂનું છે અને બીજું 70 વર્ષ જૂનું છે. જસ્ટિસ ગવઈએ કહ્યું કે, સરકારી રિપોર્ટ પ્રમાણે ઘર રોડથી 30 મીટર દૂર સ્થિત છે. કોર્ટે આદેશ આપ્યો છે કે આવતીકાલે કેસની સુનાવણી થશે અને ત્યાં સુધી કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવશે. સુપ્રીમ કોર્ટે યુપી સરકારને કાલ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરવાનો આદેશ આપ્યો છે. અને હવે આ કેસની સુનાવણી બુધવારે થશે.
જણાવી દઈએ કે, બહરાઈચના હરડી પોલીસ સ્ટેશન વિસ્તારના રેહુઆ મંસૂર ગામના રહેવાસી રામ ગોપાલ મિશ્રા 13 ઓક્ટોબરે સાંજે લગભગ 6:00 વાગ્યે દુર્ગા મૂર્તિના વિસર્જન માટે નીકળેલી શોભાયાત્રામાં સામેલ થયા હતા. જ્યારે આ શોભાયાત્રા મહારાજગંજ માર્કેટમાં એક ખાસ સમુદાયના વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. આરોપ છે કે આ દરમિયાન છત પરથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેના કારણે વિસર્જન દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. આ દરમિયાન રામ ગોપાલને ઘરની છત પરથી કરવામાં આવેલ ગોળીબારમાં ગોળી વાગી હતી, જેના કારણે તેનું મોત થઈ ગયું હતું.
બીજી તરફ અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ ખંડપીઠે રવિવારે બહરાઈચમાં બુલડોઝરની કાર્યવાહી પર 15 દિવસ માટે પ્રતિબંધ લગાવી દીધો હતો. હવે આ મામલે બુધવારે સુનાવણી થશે. PWD વિભાગ દ્વારા 23 લોકો જેમના ઘરો અને દુકાનો પર નોટિસો ચોંટાડી દેવામાં આવી હતી. તેમને જવાબ દાખલ કરવા માટે 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં 23 ઓક્ટોબરે સુનાવણી બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.







