મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

યોગી સરકારે સુપ્રીમમાં રજૂ કર્યા એવા 3 પુરાવા, જેના કારણે દુકાનોની બહાર સાઈનબોર્ડનો લેવો પડ્યો નિર્ણય

યોગી સરકારે સુપ્રીમ કોર્ટમાં કાવડ યાત્રા રૂટ પર દુકાનોની બહાર સા

યોગી સરકારે સુપ્રીમમાં રજૂ કર્યા એવા 3 પુરાવા, જેના કારણે દુકાનોની બહાર સાઈનબોર્ડનો લેવો પડ્યો નિર્ણય

યોગી સરકારે સુપ્રીમ કોર્ટમાં કાવડ યાત્રા રૂટ પર દુકાનોની બહાર સાઈનબોર્ડ લગાવવા અંગેના પોતાના આદેશનો બચાવ કર્યો છે. નેમપ્લેટ લગાવવાના આદેશ સામે દાખલ કરાયેલી અરજીઓનો વિરોધ કરતા યુપી સરકારે કહ્યું કે તેમનો ઈરાદો કાવડયાત્રાને શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે પૂરી કરાવવાનો હતો. સરકારે કહ્યું કે, દુકાનોના નામને કારણે ઊભો થતો ભ્રમ દૂર કરવા આ નિર્દેશ જારી કરાયો હતો.

યુપીની યોગી સરકારે સુપ્રીમ કોર્ટમાં આવા ત્રણ પુરાવા રજૂ કર્યા, જેના આધારે દુકાનદારનું નામ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકારે ફોટોગ્રાફ્સ સાથે કેટલાક ઢાબાના ઉદાહરણો આપ્યા. ઉદાહરણ તરીકે, 'રાજા રામ ભોજ ફેમિલી ટુરિસ્ટ ધાબા' ચલાવતા દુકાનદારનું નામ વસીમ છે. એ જ પ્રકારે 'રાજસ્થાની ખાલસા ધાબા'નો માલિક ફુરકાન છે. એ જ રીતે 'પંડિતજી વૈષ્ણો ધાબા'નો માલિક સનવ્વર છે. જેના કારણે અસમંજસની સ્થિતિ સર્જાતી હોય છે.

યુપી સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે, તે ઈચ્છે છે કે, પવિત્ર શ્રાવણ માસમાં ખુલ્લા પગે કાવડ યાત્રા કરનારાઓની ધાર્મિક ભાવનાઓને ભૂલથી પણ ઠેસ ન પહોંચે તે માટે દુકાનની બહાર નામ લખવા સૂચના આપવામાં આવી હતી. આ માર્ગમાં ખાણી-પીણી અંગેની ગેરસમજથી ભૂતકાળમાં ઝઘડા અને તણાવનું કારણ બન્યું છે. આ નિર્ણય લાગુ કરવા સમયે પણ યુપી સરકારે આ જ વાત કહી હતી. દુકાનોના નામથી ભ્રમ પેદા થાય છે.

યુપી સરકારના નિર્ણયને વિપક્ષે વિભાજનકારી મુસ્લિમ વિરોધી અને હેતુ સમાજમાં ભાગલા પાડવા જેવો ગણાવ્યો હતો. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ આ નિર્ણયને બંધારણ વિરોધી ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, "આપણું બંધારણ દરેક નાગરિકને ખાતરી આપે છે કે તેની સાથે જાતિ, ધર્મ, ભાષા કે અન્ય કોઈ આધાર પર ભેદભાવ કરવામાં આવશે નહીં. ઉત્તર પ્રદેશમાં રેકડી, ઢાબા, દુકાન, હોટલ માલિકોએ નામનું સાઈનબોર્ડ લગાવવાનો વિભાજનકારી આદેશઆપણા બંધારણ, આપણી લોકશાહી અને આપણી સામાન્ય વિરાસત પર હુમલો છે.

સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે કહ્યું હતું કે ભાજપના લોકો સમાજમાં નફરત ફેલાવી રહ્યા છે. આ લોકોને આમાં સફળતા મળવાની નથી. જનતાએ તેમને શૂન્ય સુધી ઘટાડી દીધા છે. કાવડ યાત્રા નેમપ્લેટ વિવાદનો મુદ્દો સંસદમાં પણ ગુંજ્યો હતો, જ્યાં વિપક્ષી સાંસદોએ આક્ષેપ કર્યો હતો કે આના થકી સમાજમાં વિભાજન કરવામાં આવી રહ્યું છે.

આ સમાચાર શેર કરો