મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: "હા, રાહુલ ગાંધી ભાજપ માટે ખતરનાક છે!" સુધાંશુ ત્રિવેદીના નિવેદન પર રેણુકા ચૌધરીનો વળતો પ્રહાર

સોર્સ: gstv

કોંગ્રેસ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર ભાજપના રાજ્યસભા સાંસદ અને રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદી દ્વારા કરવામાં આવેલી આકરી ટિપ્પણીઓ સામે કોંગ્રેસ સાંસદ રેણુકા ચૌધરીએ આક્રમક પલટવાર કર્યો છે. તેમણે સુધાંશુ ત્રિવેદીના ઇતિહાસના જ્ઞાન પર સવાલ ઉઠાવતાં ભાજપને પોતાના ભવિષ્યની ચિંતા કરવાની સલાહ આપી હતી.

નવી દિલ્હીમાં પત્રકારો સમક્ષ વાતચીત કરતાં રેણુકા ચૌધરીએ જણાવ્યું કે, "મને ખરેખર મિસ્ટર ત્રિવેદી પર દયા આવે છે કારણ કે તેઓ પોતાના ઇતિહાસ વિશે કે દેશમાં શું ચાલી રહ્યું છે તે વિશે કશું જાણતા જ નથી."

"રાહુલ ગાંધી ખતરનાક છે"

તેમણે ભાજપના આક્ષેપો સામે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "હા, રાહુલ ગાંધી ભાજપ માટે ચોક્કસ ખતરનાક છે, કારણ કે ભાજપનો સમય હવે પૂરો થઈ ગયો છે. ભાજપ પોતે પણ આ વાસ્તવિકતા સારી રીતે જાણે છે, અને એટલે જ તેઓ સતત આવા પાયાવિહોણા નિવેદનો કરી રહ્યા છે."

'દેશવિરોધી' સર્ટિફિકેટ સામે સવાલ

કોંગ્રેસને દેશવિરોધી ગણાવવાના ભાજપના આરોપો સામે પ્રહાર કરતાં તેમણે પૂછ્યું કે, "દેશવિરોધી તાકાતો કોણ છે? શું હવે તમે તેનું સર્ટિફિકેટ આપશો? જે લોકો ક્યારેય આઝાદીની લડાઈનો ભાગ નહોતા, જેમણે અંગ્રેજો સાથે સમાધાન કર્યું હતું, જેઓ બંધારણના નામે શપથ નથી લેતા અને દેશની અખંડિતતા જાળવી શકતા નથી, તેમણે અમારી ચિંતા કરવાની જરૂર નથી."

ભાજપની વિદાય નિશ્ચિત

તેમણે ભાજપને સીધી ચેતવણી આપતાં ઉમેર્યું કે ભાજપે અમારી ચિંતા છોડીને પોતાની ચિંતા કરવી જોઈએ, કારણ કે સત્તા પરથી તેમની વિદાયનો સમય નજીક આવી ગયો છે.

આ સમાચાર શેર કરો