Video: "શું આપણી ઇન્ટેલિજન્સ આટલી નકામી છે?": રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસ પર ભાજપના સવાલો સામે પ્રિયંક ખડગેનો જોરદાર પલટવાર

લોકસભામાં વિપક્ષના નેતા (LoP) રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસોને લઈને ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા ઉઠાવવામાં આવી રહેલા વાંધાઓ સામે કર્ણાટકના મંત્રી પ્રિયંક ખડગેએ આકરા પ્રહારો કર્યા છે. તેમણે સીધા સવાલો કરતાં દેશની ગુપ્તચર એજન્સીઓની ક્ષમતા અને કેન્દ્ર સરકારના નેતૃત્વ પર નિશાન સાધ્યું છે.
બેંગલુરુમાં પત્રકારો સમક્ષ વાતચીત દરમિયાન પ્રિયંક ખડગેએ જણાવ્યું કે, શું વિદેશમાં રાહુલ ગાંધી કોને મળી રહ્યા છે તે અંગે ગુપ્તચર વિભાગ (Intelligence) પાસે કોઈ માહિતી નથી? શું આપણી ઇન્ટેલિજન્સ આટલી નકામી થઈ ગઈ છે? રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (R&AW) શું કરી રહી છે?"
કેન્દ્ર સરકારના નેતૃત્વ સામે પ્રહાર
ખડગેએ આરોપ લગાવ્યો કે આવા અર્થહીન અને મૂર્ખતાપૂર્ણ નિવેદનો આપીને ભાજપના પ્રવક્તાઓ પરોક્ષ રીતે એવું સાબિત કરી રહ્યા છે કે તેમની પાસે દેશના સૌથી અસમર્થ વિદેશ મંત્રી (EAM), સૌથી અસમર્થ ગૃહમંત્રી (HM) અને સૌથી અસમર્થ વડાપ્રધાન (PM) છે.
પુરાવા આપવાનો સીધો પડકાર
તેમણે સ્પષ્ટતા કરતાં પૂછ્યું કે શું દેશમાં વિપક્ષના નેતા ક્યાંય પણ જઈને કોઈને ગુપ્ત રીતે મળી શકે ખરા? જો રાહુલ ગાંધી કોઈ પણ પ્રકારની દેશવિરોધી પ્રવૃત્તિમાં સામેલ હોય, તો ભાજપે માત્ર આરોપો લગાવવાને બદલે સત્તાવાર દસ્તાવેજો અને પુરાવાઓ જાહેરમાં રજૂ કરવા જોઈએ.












