VIDEO: "શું મારે કોઈની પાસેથી કેરેક્ટર સર્ટિફિકેટ લેવું પડશે?" સીક્રેટ ડીલના આરોપો પર ભડક્યા સોનમ વાંગચુક
જાણીતા સામાજિક કાર્યકર્તા સોનમ

જાણીતા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે સતત 26 દિવસ સુધી ચાલેલી પોતાની ભૂખ હડતાળ ગુરુવારની રાત્રે સમાપ્ત કરી દીધી છે. નીટ (NEET) પેપર લીક વિરોધ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે 28 જૂન 2026 ના રોજ શરૂ થયેલા આ ઉપવાસ કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અને કેન્દ્રીય રાજ્ય મંત્રી જીતેન્દ્ર સિંહની હાજરીમાં પારણાં કરીને પૂર્ણ કરવામાં આવ્યા હતા.
પરંતુ, અનશન તોડતા જ સોનમ વાંગચુક પર સરકાર સાથે 'ડીલ' કે સમાધાન કરી લેવાના ગંભીર આરોપો લાગવા માંડ્યા છે. આ આક્ષેપોથી અત્યંત દુઃખી અને નારાજ થયેલા સોનમ વાંગચુકે એક વિડીયો સંદેશ જાહેર કરીને વિરોધીઓ અને સવાલ ઉઠાવનારાઓને સણસણતો જવાબ આપ્યો છે.
22 મિનિટનો વીડિયો અને વાંગચુકનો આક્રોશ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરેલા 22 મિનિટના વીડિયોમાં સોનમ વાંગચુકે પોતાનો ગુસ્સો અને દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મારા પોતાના ભાઈ-બહેનો અને વિદ્યાર્થીઓના હિત માટે મેં સતત 26 દિવસ સુધી ભૂખ્યા રહીને અન્નનો ત્યાગ કર્યો. લદ્દાખની કાતિલ ઠંડીમાંથી નીકળીને દિલ્હીની અસહ્ય ગરમીમાં આંદોલન કર્યું.
તેમણે ઉમેર્યું કે આ 26 દિવસના અનશન દરમિયાન તેમનું 11 કિલો વજન ઘટી ગયું છે, સ્નાયુઓ નબળા પડી ગયા છે અને શરીરના અંગો તથા મગજ પર ગંભીર અસર પહોંચી છે.
26 દિવસ સુધી ભૂખ્યા રહ્યા પછી, જેમાં મારું 11 કિલો શરીર ઓગળી ગયું, શું હવે મારે કોઈની પાસેથી ચારિત્ર્ય પ્રમાણપત્ર લેવું પડશે કે મારું અનશન કેટલું પવિત્ર હતું? જો મારે કોઈ ડીલ જ કરવી હોત તો હું AC રૂમમાં બેસીને ન કરી લેત? આટલી ગરમીમાં ભૂખ્યા રહેવાની શું જરૂર હતી? આવી હીન માનસિકતા ધરાવતા લોકો પર ધિક્કાર છે! — સોનમ વાંગચુકશા માટે અને કેવી રીતે તોડ્યા અનશન?
તબિયત લથડતાં સોનમ વાંગચુકને પહેલા સફદરજંગ હોસ્પિટલમાં અને ત્યારબાદ દિલ્હી હાઈકોર્ટના આદેશથી મેદાંતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અનશન તોડવા પાછળના કારણો સ્પષ્ટ કરતા તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, વિવિધ રાજકીય પક્ષોના 65 જેટલા સાંસદોએ તેમને પત્ર લખીને કે રૂબરૂ મળીને અનશન સમાપ્ત કરવા વિનંતી કરી હતી. દેશમાં કોઈ સંભવિત હિંસા ન ભડકે તે માટે અને લાંબી વાટાઘાટો બાદ કેટલીક શરતોને આધીન લેહ-લદ્દાખની સર્વોચ્ચ સમિતિના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં આ અનશન તોડવાનો નિર્ણય લેવાયો હતો.
તમામ શારીરિક યાતનાઓ ભોગવ્યા બાદ પણ જ્યારે ચારિત્ર્ય પર સવાલો ઊભા કરવામાં આવે છે ત્યારે દિલ તૂટી જાય છે તેવો વસવસો તેમણે વ્યક્ત કર્યો હતો.







