ડેપ્યુટી સ્પીકર પદ મામલે ભાજપ ખેલી શકે છે મોટો દાવ, સાથી પક્ષોની ચાંપતી નજર
એક તરફ એનડીએના ઉમેદવાર ઓમ બિરલા બુધવારે ધ્વનિ મત દ્વારા લોકસભાના સ્પીકર બન્યા છે. જોકે, ડેપ્યુટી સ્પીકર

એક તરફ એનડીએના ઉમેદવાર ઓમ બિરલા બુધવારે ધ્વનિ મત દ્વારા લોકસભાના સ્પીકર બન્યા છે. જોકે, ડેપ્યુટી સ્પીકરનું પદ હજુ પણ ખાલી છે. પરિણામે ડેપ્યુટી સ્પીકર કોણ બનશે તેને લઈને ચર્ચા થઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે ડેપ્યુટી સ્પીકરનું પદ કોઈ વિપક્ષી નેતાને નહીં પરંતુ એનડીએ પોતાની પાસે જ રાખી શકે છે. આમ કરવાથી એનડીએ અત્યાર સુધી ચાલી આવતી પરંપરાને તોડી નાખશે. એનડીએના આ વલણથી સરકાર અને વિપક્ષ વચ્ચે વિવાદ વધવાની પણ સંભાવના છે.
શું NDA ડેપ્યુટી સ્પીકરનું પદ પણ રાખશે?
એક અહેવાલ મુજબ NDA ટૂંક સમયમાં ડેપ્યુટી સ્પીકર પદ માટે નામની જાહેરાત કરી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે સરકારના આ નિર્ણયને કારણે વિપક્ષ ફરી એકવાર કડક વલણ અપનાવી શકે છે. જો કે, આ એનડીએના નેતૃત્વવાળી ભાજપ સરકારની મજબૂરી છે, કારણ કે તેના માટે ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર જેવા સાથી પક્ષોને ખુશ રાખવાનો પણ પ્રશ્ન છે. જેથી કરીને પોતાની ગઠબંધન સરકારમાં કોઈપણ પ્રકારની અડચણ ના આવે. સરકારની રચના પહેલા બંનેની નજર સ્પીકર પદ પર હતી પરંતુ તે સમયે ભાજપે ઝુકવાની ના પાડી દીધી હતી.
આ નામ પર ચાલી રહી છે ચર્ચા
એવી અટકળો છે કે આ વખતે ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટીને આ પદ મળી શકે છે. જ્યારે અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં એનડીએ સત્તામાં હતું ત્યારે ટીડીપીના જીએમસી બાલયોગી સ્પીકર હતા અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે હવે આ પદ તેમના પુત્ર હરીશ બાલયોગીને મળી શકે છે. ટીડીપીમાં વિશ્વાસ દર્શાવવા અને એનડીએમાં આંતરિક સુમેળ જાળવવા માટે સરકાર આવું કરી શકે છે. બીજી તરફ, જો સરકાર આવું કરે તો શક્તિશાળી વિપક્ષો ખૂબ જ નાખુશ થઈ શકે છે.








