ટોટલી ફિલ્મી! જે પત્નીને મૃત સમજી કર્યા અંતિમ સંસ્કાર, તે નીકળી જીવતી, તો કોને આપ્યો અગ્નિદાહ?
ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં હત્યા કરાયેલી એક મહિલાનો મૃતદેહ મળ્યો, જે મહિલાના નામે મૃતદેહ

ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં હત્યા કરાયેલી એક મહિલાનો મૃતદેહ મળ્યો, જે મહિલાના નામે મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો, તે મહિલા 600 કિમી દૂર ઝાંસીમાં જીવતી મળી આવી હતી. સમગ્ર મામલામાં નવો વળાંક આવ્યા બાદ યુપી પોલીસ પણ ચિંતિત છે. પોલીસ જાણવા માંગે છે કે જે મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા તે કોણ હતું?
ગોરખપુરના બાંસગાંવમાં રહેતા રામ સુમેરે (60) ફરિયાદ નોંધાવી હતી કે તેની પત્ની ફૂલમતી (40) 15 જૂનના રોજ ગુમ થઈ ગઈ હતી. બરાબર ચાર દિવસ પછી, 19 જૂને, ઉરુવા બજાર વિસ્તારમાંથી એક મહિલાની લાશ મળી આવી હતી.
મૃતદેહનું કરાયું હતું પોસ્ટમોર્ટ્મ
પોલીસે જણાવ્યું હતું કે સુમેરે મૃતદેહને તેની પત્ની ફૂલમતીના તરીકે ઓળખી કાઢ્યો હતો અને અંતિમ સંસ્કાર કર્યા હતા. જો કે, મામલાએ રહસ્યમય વળાંક ત્યારે લીધો જ્યારે મહિલાના પોસ્ટમોર્ટમમાં તેણીનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું, જેના પગલે વધુ તપાસ શરૂ કરવામાં આવી.
પત્નીનો મોબાઈલ ફોન ટ્રેસ કરતાં ફૂટ્યો ભાંડો
શંકાસ્પદ હત્યારાને પકડવા માટે પોલીસે ફૂલમતીના મોબાઈલ ફોનને ટ્રેસ કર્યો, જે લગભગ 600 કિલોમીટર દૂર ઝાંસીમાં સક્રિય જોવા મળ્યો હતો. કોલ રેકોર્ડ પરથી જાણવા મળ્યું છે કે ફૂલમતીના નંબર અને સુલતાનપુરના શુભમ નામના વ્યક્તિ વચ્ચે સતત વાતચીત થતી હતી. પૂછપરછ દરમિયાન શુભમે પોલીસને જણાવ્યું કે ફૂલમતી જીવિત છે અને તે તેને ઝાંસી લાવ્યો હતો. આ પછી પોલીસે શુભમને આપેલા સરનામે ફૂલમતી જીવિત મળી આવી હતી.
પતિ સુમેરે પોલીસને જણાવ્યું કે, ફૂલમતી 15 જૂનના રોજ તેના મામાને ઘરેથી પરત આવવા માટે નીકળી હતી. પરંતુ તે પરત આવી ન હતી. ઘણી તપાસ બાદ પત્ની ગુમ થયાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. એસપી (દક્ષિણ) જિતેન્દ્ર કુમાર તોમરે જણાવ્યું કે, મહિલાનું નિવેદન નોંધ્યા બાદ તેને શનિવારે તેના પતિ પાસે પરત મોકલી દેવામાં આવી હતી. પોલીસ હવે સુમેર, ફૂલમતી, શુભમ અને જે મહિલાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા તે વચ્ચે કનેક્શન શોધવા માટે તપાસ કરી રહી છે.
પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ મેળવ્યા છે, જેમાં એક છોકરો શંકાસ્પદ રીતે ફરતો જોવા મળે છે અને મામલાની નવેસરથી તપાસ કરવામાં આવી રહી છે.







