ગુજરાતની ઘટનાએ મારી વાતને સમર્થન આપ્યું...રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યાલય પર હુમલા અંગે શું કહ્યું?
લોકસભામાં રાહુલ ગાંધીએ હિન્દુત્વ મુદ્દે આપેલા નિવેદન બાદ ભાજપ દ્વારા ઠેર ઠેર દેખાવો

લોકસભામાં રાહુલ ગાંધીએ હિન્દુત્વ મુદ્દે આપેલા નિવેદન બાદ ભાજપ દ્વારા ઠેર ઠેર દેખાવો કરવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર થયેલા હુમલાને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર કાયરતાપૂર્ણ અને હિંસક હુમલો ભાજપ અને સંઘ પરિવાર વિશેના મારા મુદ્દાને વધુ મજબૂત કરે છે.
રાહુલ ગાંધીએ અમદાવાદમાં થયેલી કોંગ્રેસ કાર્યાલય પરની ઘટના બાબતે ભાજપને નિશાને લેતા કહ્યું કે, હિંસા અને નફરત ફેલાવનારા ભાજપના લોકો હિંદુ ધર્મના મૂળ સિદ્ધાંતોને સમજતા નથી. ગુજરાતની જનતા તેમના જુઠ્ઠાણાથી સ્પષ્ટપણે જોઈ શકે છે અને ભાજપ સરકારને નિર્ણાયક પાઠ ભણાવશે. હું ફરી કહું છું - ગુજરાતમાં INDIA ગઠબંધન જીતવાનું છે. આ પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં વિપક્ષના નેતા તરીકે ગુજરાતમાં જીતનો હુંકાર કર્યો હતો.
કોંગ્રેસના પાંચ નેતાઓની ધરપકડ
અમદાવાદ શહેર પ્રવક્તા સંજય બ્રહ્મભટ્ટ
નારાણપુરા વોર્ડના પ્રમુખ મનીષ ઠાકોર
અમદાવાદ શહેર કોંગ્રેસ ઉપ પ્રમુખ મુકેશ દંતાણી
કોંગ્રેસ કાર્યકર્તા વિમલ કંસારાની ધરપકડ
NSUI પ્રવક્તા હર્ષ પરમારની ધરપકડ
ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોએ સામ-સામે કર્યો હતો પથ્થરમારો
લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સંસદમાં ભાજપ પર પ્રહાર કર્યા હતા જેની અસર અમદાવાદમાં પણ જોવા મળી છે. કેટલાક અસામાજિક તત્વોએ કોંગ્રેસ કાર્યાલયમાં પહોંચીને તોડફોડ કરી હતી અને પથ્થરમારો કરાયાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય બહાર લાગેલા કોંગ્રેસના પોસ્ટર્સને પણ ફાડીને વિરોધ કરવામાં આવ્યો હતો.ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોએ સામ સામે આવ્યા હતા અને એકબીજા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં લાકડીઓ પણ ઉછળી હતી. અમદાવાદમાં કોંગ્રેસ ભવન ખાતે રાહુલ ગાંધીના નિવેદન મુદ્દે ભાજપ યુવા મોરચાના કાર્યકરો વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા.
અમદાવાદમાં રાહુલ ગાંધીનો વિરોધ
રાહુલ ગાંધીએ લોકસભામાં ભાજપ,RSS પર આપેલા એક નિવેદનનો વિરોધ અમદાવાદમાં પણ જોવા મળ્યો છે. કેટલાક અસામાજિક તત્વો અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય પહોંચી ગયા હતા અને પથ્થરમારો કરીને તોડફોડ કરી હતી તેમજ કોંગ્રેસ કાર્યાલયની બહાર લાગેલા પોસ્ટર્સ પણ ફાડી નાખ્યા હતા. કોંગ્રેસ કાર્યાલયમાં લાગેલા રાહુલ ગાંધીના પોસ્ટર પર કૂચડો પણ ફેરવવામાં આવ્યો હતો. બીજી તરફ, રાહુલ ગાંધીના ટોપી પહેરેલા હિન્દુ એટલે હિંસા જેવા બેનર લગાવેલા પોસ્ટર પણ કોંગ્રેસ કાર્યાલયમાં લગાવવામાં આવ્યો હતો.
રાહુલ ગાંધીએ શું કહ્યું હતું?
લોકસભામાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, " ભાજપ,RSS માત્ર હિંસા હિંસા હિંસા અને નફરત નફરત નફરતની જ વાત કરે છે. બાદમાં મોદીએ રાહુલ ગાંધીને ટોકતા કહ્યું હતું કે આ હિન્દુ સમાજનું અપમાન છે, જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, હું ભાજપ, સંઘની વાત કરી રહ્યો છું અને મોદી, ભાજપ કે સંઘ જ માત્ર હિન્દુ સમાજનું પ્રતિનિધિત્વ નથી કરતા."







