મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: બંગાળમાં બળાત્કાર વિરોધી બિલ સર્વાનુમતે પાસ, દુષ્કર્મ કેસમાં 10 દિવસમાં ફાંસીની જોગવાઇ

પશ્ચિમ બંગાળ વિધાનસભાના વિશેષ સત્રના છેલ્લા દિવસે મમતા બેનર્જી સરકારે બળાત્કાર વિરોધ

VIDEO: બંગાળમાં બળાત્કાર વિરોધી બિલ સર્વાનુમતે પાસ, દુષ્કર્મ કેસમાં 10 દિવસમાં ફાંસીની જોગવાઇ

પશ્ચિમ બંગાળ વિધાનસભાના વિશેષ સત્રના છેલ્લા દિવસે મમતા બેનર્જી સરકારે બળાત્કાર વિરોધી બિલ રજૂ કર્યું છે. બંગાળ વિધાનસભામાં રજૂ કરાયેલા બળાત્કાર વિરોધી બિલ હેઠળ દોષિતોને દસ દિવસમાં ફાંસી આપવાની જોગવાઈ છે. આ સાથે પ્રાથમિક તપાસ અહેવાલ 21 દિવસમાં રજૂ કરવાની, જિલ્લા સ્તરે ટાસ્ક ફોર્સની રચના કરવાની અને નિર્ધારિત સમયમાં સુનાવણી પૂર્ણ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. 

પશ્ચિમ બંગાળ વિધાનસભામાં અપરાજિતા બિલ સર્વસંમતિથી પાસ થઈ ગયું છે. મમતા સરકારે આ બિલ રજૂ કરતાં જ વિધાનસભામાં ભારે હોબાળો થયો હતો. એક તરફ મમતા બેનર્જીએ આ બિલને ઐતિહાસિક ગણાવ્યું તો ભાજપે તેમાં સુધારાની જરૂરિયાત વ્યક્ત કરી છે. મમતા સરકાર આ બિલને આ ફોર્મમાં જ રજૂ કરવા માંગે છે.

પશ્ચિમ બંગાળ વિપક્ષ અને ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે આ બિલ શક્ય તેટલી વહેલી તકે લાગુ કરવામાં આવે. જો કે તેમણે એમ પણ કહ્યું કે મમતા સરકાર આ બિલ ઉતાવળમાં લાવી છે. ભાજપે કહ્યું અમારું બિલને સંપૂર્ણ સમર્થન છે, પરંતુ અમે નથી જાણતા કે તેને રજૂ કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે કે નહીં. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે રાજ્યપાલે શક્ય તેટલી વહેલી તકે તેના પર હસ્તાક્ષર કરે તો જલદીથી અમલમાં આવે. 

બળાત્કાર વિરોધી બિલ પર ચર્ચા કરતી વખતે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે અમે 12 કલાકની અંદર આરોપીઓને પકડી લીધા છે. અમારી સંવેદના પીડિતાના પરિવાર સાથે છે. ગુનેગારોને વહેલી તકે કડકમાં કડક સજા થવી જોઈએ. અમે તપાસ માટે વિશેષ ટીમ બનાવી હતી. સીબીઆઈને હવે આ કેસમાં ન્યાય મળવો જોઈએ.

મમતા બેનર્જી સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બળાત્કાર વિરોધી બિલ પર વિધાનસભામાં ચર્ચા થઈ રહી છે. ભાજપ આ બિલમાં કેટલાક સુધારા ઈચ્છે છે પરંતુ મમતા સરકાર આ બિલને તેના વર્તમાન સ્વરૂપમાં પાસ કરાવવા માંગે છે. આ મડાગાંઠ વચ્ચે બેનર્જીએ કહ્યું કે તેઓ આ બિલ પર વિપક્ષના દરેક સવાલનો જવાબ આપશે. 

જણાવી દઈએ કે, કોલકાતાની આરજી કાર હોસ્પિટલના તાલીમાર્થી ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસને લઈને હોબાળો ચાલુ છે. કોલકાતા પોલીસ હેડક્વાર્ટરની સામે જુનિયર ડોક્ટરો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પીડિત તબીબ માટે ન્યાયની માંગ કરવામાં આવી રહી છે. દરમિયાન આજે બંગાળ વિધાનસભાના બે દિવસીય વિશેષ સત્રના છેલ્લા દિવસે મમતા બેનર્જી સરકાર બળાત્કાર વિરોધી બિલ રજૂ કરીને દેશભરમાં સખત દાખલો બેસાડ્યો છે. 

મમતા બેનર્જીએ ગત અઠવાડિયે જ કહ્યું હતું કે અમે પીડિતાને ન્યાય અપાવવા માટે વિધાનસભા સત્ર બોલાવીને નવો કાયદો તૈયાર કરીશું. આ કાયદા હેઠળ બળાત્કારના દોષિતોને 10 દિવસની અંદર મૃત્યુદંડ સુનિશ્ચિત કરવાની જોગવાઈ છે. તેનું નામ અપરાજિતા મહિલા અને બાળ (પશ્ચિમ બંગાળ ક્રિમિનલ લો એન્ડ એમેન્ડમેન્ટ) બિલ 2024 છે.

મુખ્ય વિરોધ પક્ષ ભાજપ વિધાનસભામાં મમતાના આ પગલાનું સમર્થન કરશે. ભાજપનું કહેવું છે કે તેની પાર્ટી પશ્ચિમ બંગાળ સરકારના બળાત્કાર વિરુદ્ધના બિલને સમર્થન આપશે.

આ સમાચાર શેર કરો