મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

લગ્નમાં વર- કન્યાની એન્ટ્રી બાદની બેદરકારી ભારે પડી, Dry Iceને બરફ સમજીને ખાઈ જતાં 3 વર્ષીય બાળકનું મોત

છત્તીસગઢના રાજનાંદગાંવ જિલ્લામાં એક 3 વર્ષના બાળકનું ડ્રાય આઈસને બરફ સમજીને ખાઈ જતાં મોત થયું છે. લગ્ન સમાર

લગ્નમાં વર- કન્યાની એન્ટ્રી બાદની બેદરકારી ભારે પડી, Dry Iceને બરફ સમજીને ખાઈ જતાં 3 વર્ષીય બાળકનું મોત

છત્તીસગઢના રાજનાંદગાંવ જિલ્લામાં એક 3 વર્ષના બાળકનું ડ્રાય આઈસને બરફ સમજીને ખાઈ જતાં મોત થયું છે. લગ્ન સમારોહ દરમિયાન વાસણોમાં ડ્રાય આઈસની મદદથી ધુમાડા જેવું વાતાવરણ ઉભું કરાયું હતું. લગ્નમાં વર-કન્યાની એન્ટ્રી અને ફોટો-વિડિયો શૂટ બાદ ઈવેન્ટ ટીમે આ ડ્રાય આઈસને ખુલ્લામાં ફેંકી દીધો હતો. જેને બાળકોએ બરફ સમજીને ખાઈ લીધો. જેમાં તબિયત લથડતાં એક બાળકનું મોત થયું હતું.

લાલબાગ પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર, છત્તીસગઢના રાજનાંદગાંવ જિલ્લાના ચમારરાય ટોલા ગામમાં સંતોષ સાહુના પરિવારમાં લગ્ન સમારોહ દરમિયાન પડોશમાં રહેતી એક મહિલા તેના 3 વર્ષના બાળક ખુશાંશ સાહુ સાથે આવી હતી. તે તેના પુત્રને છોડીને બીજા કામમાં વ્યસ્ત થઈ હતી. આ દરમિયાન ખુશાશ સ્ટેજ પાસે રમી રહ્યો હતો. સ્ટેજ પાસે ડ્રાય આઈસ ફેંકવામાં આવ્યો હતો. એ સમયે ત્યાં રમી રહેલા બાળકોમાંથી કેટલાકે ડ્રાય આઈસને બરફ સમજીને ખાધો.  થોડા સમય પછી ખુશાંશ અને અન્ય બાળકોની તબિયત બગડવા લાગી. પરિવાર તેને પહેલા ઘરે લઈ ગયો. દરમિયાન ખુશાંશ બેભાન થઈ ગયો. ત્યારબાદ તેને રાજનાંદગાંવ મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.

ઘટના બાદ ખુશાશના પરિવારના સભ્યો અને લગ્ન સમારોહમાં હાજર રહેલા પરિવારના સભ્યો વચ્ચે ઝઘડો થયો હતો. માહિતી મળતા જ પોલીસ પણ પહોંચી ગઈ હતી. તેમણે બંને પક્ષોને સમજાવીને શાંત પાડ્યા હતા. આ પછી પરિવારના સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ લાલબાગ પોલીસ સ્ટેશન પહોંચીને એફઆઈઆર નોંધાવી.

મૃતક બાળકના કાકા માખણ સાહુએ જણાવ્યું હતું કે જે ઘરમાં લગ્ન યોજાયા હતા ત્યાં ઇવેન્ટ મેનેજર અથવા ફોગિંગ તૈયાર કરનાર સ્ટાફની જવાબદારી નક્કી થવી જોઈએ. તેમની બેદરકારીને કારણે સ્ટેજ પર ડ્રાય આઈસ પથરાયેલો હતો, જેને બાળકોએ બરફ સમજીને ગળી લીધો હતો. આ બાબતે કડક કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ.

લગ્ન સમારોહમાં વર-કન્યાની એન્ટ્રી દરમિયાન મુખ્ય દ્વારથી સ્ટેજ સુધી લગભગ 8થી 10 ઘડા રાખવામાં આવ્યા હતા, જે પહેલાથી જ ગરમ પાણીથી ભરેલા હતા. વાસણોમાં ડ્રાય આઈસ નાખીને ધુમ્મસ જેવું કરવામાં આવી રહ્યું હતું. વર-કન્યાની એન્ટ્રી અને ફોટો-વિડિયો શૂટ બાદ ઇવેન્ટની ટીમે ખુલ્લામાં બરફ ફેંકી દીધો હતો. રાજનાદગાંવમાં ડોંગરગાંવ એસડીઓપી દિલીપ સિસોદિયાએ કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. 

આ સમાચાર શેર કરો