'પ્રથમ કેબિનેટમાં જ આયુષ્માન ભારત યોજનાને લીલી ઝંડી આપીશું', પશ્ચિમ બંગાળમાં ભવ્ય જીત બાદ PM મોદીનું સંબોધન

પશ્ચિમ બંગાળ, આસામ, કેરલમ, તમિલનાડુ, પુડુચેરીના પરિણામ સામે આવી ચૂક્યા છે. બંગાળમાં 190થી વધુ બેઠકો પર કેસરીયો લહેરાયો છે જ્યારે અસમમાં 100થી વધુ બેઠક પર તો પુડુચેરીમાં 17 બેઠક પર કમળ ખીલ્યું છે. ત્યારે દેશભરમાં ભાજપ શાસિત રાજ્યોમાં ઉજવણીનો માહોલ છે. દિલ્હીમાં પણ વડા પ્રધાન મોદી ભાજપના મુખ્ય કાર્યાલય પર પહોંચ્યા હતા. જ્યાં ત્રણેય રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ કાર્યકરોને સંબોધન કર્યું.
બંગાળની જીતે શ્યામાપ્રસાદ મુખરજીના આત્માને શાંતિ આપી
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. આજે શ્યામાપ્રસાદ મુખરજીના આત્માને શાંતિ મળશે. ભાજપની અનેક મહિલા કાર્યકરોએ અનેક અત્યાચાર સહન કરવા પડ્યા. તમને કલ્પના પણ ના કરી શકો કે, બંગાળ અને કેરળમાં ભાજપના કાર્યકરોએ કેટલી મુશ્કેલીઓ સહન કરવી પડે, કેટલો જુલમ થયો, કેટલો અત્યાચાર થયો. આજે બંગાળમાં ભાજપની જીતનો સફળતાનો શ્રેય આવા કાર્યકરો અને તેમના પરિવારોને જાય છે. હું આ જીત બંગાળની પ્રજાને સમર્પિત કરું છું.
ભાજપની બેઠકો એ ફક્ત આંકડો નથી, પરંતુ વિશ્વાસનો હુંકાર છે
આજે બંગાળની પાવન ધરતી પર એક નવો સૂર્યોદય થયો છે. એક એવી સવાર, જેની રાહ પેઢીઓથી જોવાતી હતી. ભાજપે જેટલી બેઠક જીતી છે, તે એક ચૂંટણીનો આંકડો નથી પણ એક અડગ વિશ્વાસનો હુંકાર છે, જેણે ડર, તૃષ્ટિકરણ અને હિંસાના રાજકારણને જડમૂળમાંથી ઉખાડીને ફેંકી દીધા છે. આજથી બંગાળના ભવિષ્યની એક એવી યાત્રા શરૂ થઈ રહી છે, જ્યાં વિકાસ, અતૂટ વિશ્વાસ અને નવી આશાઓ કદમથી કદમ મેળવીને ચાલશે.
પહેલી જ કેબિનેટમાં આયુષ્માન ભારત યોજનાને લીલી ઝંડી આપીશું
હું દરેક બંગાળવાસીને ખાતરી આપું છું કે, બંગાળના વિકાસ માટે ભાજપ દિવસ-રાત એક કરી દેશે. બંગાળમાં હવે મહિલાઓને સુરક્ષાનો માહોલ મળશે. યુવાનોને નોકરી મળશે અને અહીંથી યુવાનોનું પલાયન પણ અટકશે. પહેલી જ કેબિનેટમાં આયુષ્માન ભારત યોજનાને પણ લીલી ઝંડી બતાવાશે. એટલું જ નહીં, ઘૂસણખોરો સામે પણ કડકમાં કડક કાર્યવાહી કરીશું.
ગુરુદેવ ટાગોરનું ભયમુક્ત બંગાળનું સપનું પણ પૂરું કરીશું
અહીંથી હું ગુરુદેવ ટાગોરને પણ યાદ કરું છું. 9 મેનો દિવસ દૂર નથી, અમારો સંકલ્પ હજુ એ જ હોવો જોઈએ, જે તેમનું સપનું હતું. એક એવો માહોલ, જ્યાં મન ભયમુક્ત અને માથું ઊંચું હોય. અને ભાજપ બંગાળમાં આવું ભયમુક્ત વાતાવરણ કરીને બતાવશે. બંગાળ ચૂંટણી એક રીતે ખાસ રહી. તમને યાદ હશે, બંગાળની ચૂંટણીમાં કેવા સમાચારો આવતા હતા- ડર, હિંસા અને નિર્દોષોના મોત. પરંતુ આ વખતે સમાચાર આવ્યા કે, પશ્ચિમ બંગાળમાં શાંતિપૂર્ણ મતદાન થયું. પહેલીવાર એવું થયું કે, ચૂંટણીમાં એકેય નિર્દોષનો જીવ ના ગયો. લોકતંત્રના આ મહા પર્વમાં બંદૂકની અવાજ નહીં, જનતા જનાર્દનનો અવાજ ગૂંજ્યો. પહેલીવાર ડર નહીં, પરંતુ લોકતંત્ર જીત્યું.
ચૂંટણી પંચનું યોગદાન ઇતિહાસ હંમેશા યાદ રાખશે: PM
PM મોદીએ કહ્યું, 'પશ્ચિમ બંગાળમાં અંદાજે 93% મતદાન થવું, એ પોતાની રીતે જ ઐતિહાસિક રહ્યું છે. આસામ, તમિલનાડુ, પુડુચેરી અને કેરળમાં પણ મતદાનના નવા રેકોર્ડ બન્યા છે. તેમાં પણ મહિલાઓની ભાગીદારી ખૂબ જ વધારે રહી છે. આ ભારતીય લોકશાહીનું સૌથી ઉજ્જવળ ચિત્ર બની રહ્યું છે. હું આજે ચૂંટણી પંચને, ચૂંટણી પંચના તમામ કર્મચારી ભાઈ-બહેનોને, મતદાન પ્રક્રિયા સાથે જોડાયેલા તમામ કર્મચારીઓનો અને ખાસ કરીને સુરક્ષા દળોનો પણ ખૂબ ખૂબ અભિનંદન કરું છું. ભારતના લોકતંત્રની ગરિમાને જાળવી રાખવામાં આપ સૌના યોગદાનને ઇતિહાસ હંમેશા યાદ રાખશે.
'લોકશાહી જ નથી જીતી, પરંતુ આપણું બંધારણ પણ જીત્યું': PM
પીએમ મોદીએ કહ્યું, 'લોકશાહીએ આપણા રગોમાં દોડતો સંસ્કાર છે. હું બંગાળ, આસામ, પુડુચેરી, તમિલનાડુ અને કેરળની જનતાને નમન કરું છું. આપણે આખા વિશ્વને બતાવ્યું છે કે આપણું ભારત 'મધર ઓફ ડેમોક્રેસી' (લોકશાહીની જનની) કેમ છે. લોકશાહી એ આપણા રગોમાં દોડતો સંસ્કાર છે, આજે માત્ર લોકશાહી જ નથી જીતી, પરંતુ આપણું બંધારણ પણ જીત્યું છે.'
આ ભરોસાનો દિવસ છે: PM
PM મોદીએ કહ્યું, 'એક કાર્યકર્તા હોવાને નાતે હું ભાજપના દરેક કાર્યકર્તાની ખુશીમાં સામેલ છું. આજનો આ દિવસ ઘણી રીતે ખાસ છે, વિશેષ છે. આ દેશના ઉજ્જવળ ભવિષ્યની ઉદઘોષણાનો દિવસ છે. આ ભરોસાનો દિવસ છે. ભરોસો ભારતના મહાન લોકતંત્ર પર, ભરોસો પરફોર્મન્સની રાજનીતિ પર, ભરોસો સ્થિરતાના સંકલ્પ પર, ભરોસો એક ભારત-શ્રેષ્ઠ ભારતની ભાવના પર.'
'ભાજપના કાર્યકરોએ નવો ઈતિહાસ રચી દીધો': PM મોદી
'વર્ષોની સાધના જ્યારે સિદ્ધિમાં પરિવર્તિત થાય છે ત્યારે તેની ખુશી અનેક ગણી હોય છે જે આજે દેશના દરેક ભાજપ કાર્યકરોમાં તે દેખાઈ રહી છે. હું તમામ રાજ્યોમાં ભાજપ કાર્યકરોને કોટિ કોટિ વંદન કરું છું, તમે નવો ઈતિહાસ રચી દીધો છે, કમાલ કરી નાખ્યો છે.'
બંગાળી ધોતી-કુર્તામાં PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંગાળી ધોતી-કુરતો પહેરીને દિલ્હી સ્થિત ભાજપ હેડક્વાર્ટર પહોંચ્યા હતા, જ્યાં બંગાળ, આસામ અને પુડુચેરીની ચૂંટણીમાં પાર્ટીની જીતનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે. તેમના આગમન પર ભાજપના કાર્યકરોએ '4 મે, મમતા ગઈ' ના નારા સાથે PMનું સ્વાગત કર્યું હતું. આ સાથે જ ભાજપનું બંગાળ કેમ્પેઈન સોંગ 'પોરિબર્તનો દરકાર, ચાઈ બીજેપી સરકાર' વાગી રહ્યું હતું.
PM મોદીના સંબોધનના અંશો
'ભાજપના કાર્યકરોએ નવો ઈતિહાસ રચી દીધો': PM મોદી
'વર્ષોની સાધના જ્યારે સિદ્ધિમાં પરિવર્તિત થાય છે ત્યારે તેની ખુશી અનેક ગણી હોય છે જે આજે દેશના દરેક ભાજપ કાર્યકરોમાં તે દેખાઈ રહી છે. હું તમામ રાજ્યોમાં ભાજપ કાર્યકરોને કોટિ કોટિ વંદન કરું છું, તમે નવો ઈતિહાસ રચી દીધો છે, કમાલ કરી નાખ્યો છે.'
પશ્ચિમ બંગાળમાં કમળ ખીલ્યું છે!: PM મોદી
પશ્ચિમ બંગાળમાં જીત મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં લખ્યું છે કે,' પશ્ચિમ બંગાળમાં કમળ ખીલ્યું છે, 2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી હંમેશા યાદ રાખવામાં આવશે. જનશક્તિનો વિજય થયો છે અને ભાજપની સુશાસનની વ્યૂહનીતિનો વિજય થયો છે. હું પશ્ચિમ બંગાળના દરેક વ્યક્તિને નમન કરું છું. જનતાએ ભાજપને શાનદાર જનાદેશ આપ્યો છે અને હું તેમને ખાતરી આપું છું કે અમારી પાર્ટી પશ્ચિમ બંગાળના લોકોના સપના અને આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે શક્ય તમામ પ્રયાસો કરશે.
ભાજપ માટે બંગાળની જીત કેમ ખાસ છે?
આ યાદીમાં સૌથી નવું અને મહત્વનું નામ પશ્ચિમ બંગાળનું ઉમેરાયું છે. બંગાળમાં દાયકાઓ સુધી સંઘર્ષ કર્યા બાદ ભાજપ આજે ઈતિહાસ રચી રહ્યું છે. બંગાળ માત્ર રાજકીય રીતે જ નહીં પરંતુ વૈચારિક રીતે પણ ભાજપ માટે અત્યંત મહત્વનું છે. આ ભાજપ (જનસંઘ) ના સ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મભૂમિ છે. આ વર્ષે ભાજપ તેમની 125મી જન્મજયંતિ મનાવી રહ્યું છે, ત્યારે અહીંની જીત પાર્ટી માટે 'વૈચારિક ઘરવાપસી' સમાન છે. 1951માં જનસંઘની સ્થાપનાથી લઈને 2026 સુધી, લગભગ 74-75 વર્ષના લાંબા અંતરાલ પછી ભાજપ બંગાળમાં પોતાની પ્રથમ સરકાર બનાવવાની ઉંબરે પહોંચ્યું છે. વર્ષ 2011 માં બંગાળમાં ભાજપનો વોટ શેર માત્ર 4% હતો. 2014 માં મોદી લહેર છતાં પાર્ટીનો વોટ શેર 17% સુધી પહોંચ્યો હતો અને 2 લોકસભા બેઠકો મળી હતી. જોકે, 2021 ની ચૂંટણીમાં 77 બેઠકો જીતીને ભાજપ મુખ્ય વિપક્ષ બન્યું હતું અને હવે 2026 માં તે સત્તાના શિખરે છે.
હવે આ 22 રાજ્યોમાં ભાજપ અથવા NDA સરકાર
દિલ્હી, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, આસામ, નાગાલેન્ડ, ત્રિપુરા, મેઘાલય, મિઝોરમ, બિહાર, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને મણિપુર

